ગુજરાતી બાળકો અંગ્રેજીમાં રડશે?

ગુણવંત શાહ

| 8 Minute Read

પોતાની માતૃભાષામાં રડી ન શકે તેના જેવો કમનસીબ માણસ બીજો ન હોઈ શકે. તમે કોઈ અંગ્રેજને ફ્રેન્ચ ભાષામાં રડતો જોયો છે? તમે કોઈ ફ્રેન્ચમેનને સ્વીડિશ ભાષામાં રડતો જોયો છે? તમે કોઈ બંગાળીને હિન્દીમાં રડતો જોયો છે?

માણસ પોતાની માતૃભાષામાં રડે એ તો એનો મૂળભુત માનવીય અધિકાર ગણાય. આજકાલ કેટલાંય ગુજરાતી બાળકો (ખોટા) અંગ્રેજીમાં રડવા માંડયાં છે. એક દૃશ્ય મુંબઈમાં વારંવાર જોવા મળે છે. બાળક ખોટા ખોટા અંગ્રેજીમાં રડે ત્યારે એની મમ્મી એને ખરેખર ગુજરાતીમાં છાનો રાખવા મથે છે.

આજથી લગભગ પચાસ વર્ષો પર કવિ ઉમાશંકર જોશીએ લખેલા લેખનું મથાળું હતું : “અંગ્રેજીનો દીવો હોલવશો નહીં.” એ સમયે ગુજરાતમાં એક બાબત તોફાનની કક્ષાએ પહોંચી ગઈ હતી. અંગ્રેજી પાંચમા ધોરણથી શીખવવું કે આઠમા ધોરણથી? આજની પરિસ્થિતિ સાવ જુદી છે. ગુજરાતી ભાષાનું આયુષ્ય પચ્ચીસ વર્ષથી લાંબું નથી જણાતું. ત્યાર પછી પણ જો એ જીવી જાય તોય કેન્સરગ્રસ્ત દર્દીની માફક પથારીવશ હશે. ગુજરાતી ભાષા વિના ગુજરાતની અસ્મિતાને શૂન્ય જાણવી. બાંગ્લાદેશની ક્રાંતિકારી લેખિકા તસલીમા નસરીનની નવલકથા “ફેરો” નો ગુજરાતી અનુવાદ વયોવૃદ્ધ વિદ્વાન ડો. ચંદ્રકાંત મહેતાએ કર્યો છે અને એની પ્રસ્‍તાવના લખવાનો લહાવો મને મળ્યો હતો. નવલકથામાં નાયિકા કલ્યાણી કહે છે, “બંગાળી (પ્રજા) વળી શું? એ તો બંગાળી ભાષા જ છે… સંતાન જો માની ભાષા ન સમજે તો તેમાં કમનસીબ કોનું? સંતાનનું કે ભાષાનું?”

ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે. ઔરંગઝેબના મૃત્યુને ૨૦૦૭માં બરાબર ૩૦૦ વર્ષ થયાં. જો જન્મસ્થાનને આધારે કોઈને ગુજરાતી કહેવાનું યોગ્ય ગણાય તો ઔરંગઝેબ પણ ગુજરાતી ગણાય કારણ કે એનો જન્મ દાહોદમાં થયો હતો. આજે ગુજરાતી પ્રજાને કહેવું છેઃ ગુજરાતીનો દીવો હોલવશો નહીં.

સન ૧૯૧૮માં કવિ બળવંતરાય ક. ઠાકોરે ગાંધીજીને અંગ્રેજીમાં એક પત્ર લખેલો. જવાબમાં ગાંધીજીએ તા.૨૪-૭-૧૯૧૮ને દિવસે જે પત્ર લખ્યો તે બે વાર વાંચવા જેવો છે. ગાંધીજીએ લખ્યું: “જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે, એમ હું જોઉં છું. બંને હિન્દુસ્તાનીઓ એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે, અથવા બીજા સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજુરી સાથે સજા કરવામાં આવશે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી, અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે તેને સારું શા ઈલાજ લેવા ઘટે એ પણ જણાવશે.”

ભાષા કેવળ પ્રત્યાયન (કોમ્યુનિકેશન) માટે જ નથી. ભાષા તો સ્વભાવે જ સંસ્કારવાહિની છે. વાઘનો વંશ નાબુદ થાય ત્યારે બાયોડાઈવર્સિટી ખોટકાય છે. લગભગ એ જ રીતે એક ભાષા નષ્ટ થાય ત્યારે સમગ્ર ક્લચર નષ્ટ થાય છે.

ગુજરાતી કેવળ એક ભાષા નથી. એ તો સમગ્ર ગુજરાતી પ્રજાની સંસ્કારિતાની ખળખળ વહેતી સરિતા છે. આવું લખવામાં ક્યાંય અંગ્રેજીનો વિરોધ નથી. આવનારાં વર્ષોમાં અંગ્રેજી ભણ્યા વિનાનો મનુષ્ય અધુરો ગણાશે. આપણી બધી શાળા-કોલેજોમાં ઉત્તમ રીતે અંગ્રેજી ભણાવાય તે જરૂરી છે. નોલેજ કમિશનના અધ્યક્ષ સેમ પિત્રોડા કહે છે કે, “પહેલા ધોરણથી અંગ્રેજી ભણાવવું જોઈએ”. કબુલ છે, પણ અંગ્રેજી ભણવું એક વાત છે અને અંગ્રેજી દ્વારા ભણવું બીજી વાત છે. આ બે બાબતો જુદી ન પાડીએ તો ભયંકર ગોટાળો થાય છે. અંગ્રેજી માધ્યમની નિશાળો લગભગ દુકાનો બની રહી છે. એ દુકાનો પર એટલી પડાપડી છે કે ગમે તેવો ભંગાર માલ પણ ખપી જાય. શું ગુજરાતી માધ્યમની નિશાળોમાં ઉત્તમ રીતે અંગ્રેજી ન ભણાવી શકાય? આપણા જાણીતા વિજ્ઞાની શ્રી નારલિકરે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પણ માતૃભાષા દ્વારા જ શીખવવાની જોરદાર હિમાયત કરી હતી. સમજણ વિનાની ગોખણપટ્ટી ને બદલે ગોખણપટ્ટી વિનાની સમજણનું મહત્ત્વ વધારે છે. આપણું કોણ સાંભળે?

ગુજરાતી ભાષા નષ્ટ થાય ત્યારે ખરેખર શું નષ્ટ થાય છે? કવિ હરીશ મીનાશ્રુની પંક્તિઓ કાન માંડીને સાંભળોઃ

સાધો, હરિવરના હલકારા,
સાંઢણીએ ચઢી હલકથી આવે
લઈ ચલે બાવન બ્હારા.

અમે સંતના સોબતિયા,
નહીં જાદુગર કે જોશી,

ગુજરાતી ભાષાના નાતે
નરસિંહના પાડોશી.

એની સંગે પરમ સ્નેહથી
વાડકીના વ્યવહારા.

ભાષા તો પળમાં જોગણ
ને પળમાં ભઈ સુહાગી.

શબદ એક અંતર ઝકઝોર
ગયા અમે પણ જાગી.

જાગીને જોઉં તો
જગત દિસે નહીં રે દોબારા.

મુંબઈના પરિવારોમાં ક્યારેક ગુજરાતી ન સમજનારાં સંતાનો અને અંગ્રેજી ન સમજનારાં માતા-પિતા વચ્ચેનો કોમ્યુનિકેશન ગેપ, જનરેશન ગેપને વધારે વિકરાળ બનાવે એવું જોવા મળે છે. અંગ્રેજી ભાષા પાસેથી એક બાબત શીખવા જેવી છે. અંગ્રેજી શબ્દકોશમાં અન્ય ભાષા ઓના અનેક શબ્દો દર વર્ષે ઉમેરાતા જાય છે.

અંગ્રેજી ભાષાઓના અનેક શબ્દો દર વર્ષે ઉમેરાતા જાય છે. ગુજરાતી શબ્દોકોશમાં અન્ય ભાષાઓના કેટલાય નવા શબ્દો અંગ્રેજી કે હિન્દીમાંથી સતત ઉમેરાતા જવા જોઈએ “ડાયસ્પોરા” શબ્દનો ગુજરાતી પર્યાય શોધવાની જરૂર નથી. સત્યાગ્રહ શબ્દ ઓકસફર્ડ ડિક્ષ્નરીમાં વર્ષો પહેલાં સ્વીકારાઈ ગયો હતો. કેટલાય હિન્દી કે ઉર્દુ શબ્દો ટીવી પર સાંભળી-સાંભળીને ગુજરાતીઓ શીખી ચુક્યા છે, દાખલા તરીકે અફરાતફરી, તનાવ, ઘુટન, ભગદડ ઈત્યાદિ. મહેરબાની કરીને સેન્સેક્સ શબ્દનો ગુજરાતી પર્યાય શોધશો નહીં. આવી આયાતથી ભાષા સમુદ્ધ થતી હોય છે.

કેટલાક વિદ્વાનો ગુજરાતીનું મુત્યુ જલદી થાય તે માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. અનુભવે કહેવું છે કે અઘરું ગદ્ય લખવું સહેલું છે. વાંચકોને લાખ પ્રયત્ને પણ ન સમજાય તેવું દુર્બોધ ગુજરાતી લખનારાઓ મરવા પડેલી ભાષાનું આયખું ઘટાડે છે. જેમ્સ જોઈસે “યુલિસિસ” નામની વિખ્યાત નવલકથા લખી છે. એની પત્ની નીરા જોઈસે જેમ્સને કહેલું, “તમે એવું પુસ્તક કેમ નથી લખતા, જે લોકોને સમજાય?” પાબ્લો પિકાસોએ ક્લાકારો પર કટાક્ષ કરેલો : “તમને કોઈ સમજી ન શકે એનો અર્થ એવો નથી કે તમે મહાન કલાકાર છો.”

“ફિલ્મ પ્રેક્ષકોને પસંદ પડે છે તેનું રહસ્ય શું?” જવાબમાં એ દિગ્દર્શકે કહયું : “હું જે નથી જોઈ શક્તો એવું કશુંક મારા પ્રેક્ષકો જોઈ જાય છે.” જે સાહિત્યકાર સુજ્ઞ વાચકોને અવગણીને કેવળ વિદ્વાનમાં ખપવા માટે ક્લિષ્ટ ગુજરાતી લખે છે, તે એક એવો ગુનો કરે છે, જેની કોઈ સજા નથી. સિગ્મંડ ફ્રોઈડ સાચું કહે છે, “હું જયાં જાઉં ત્યાં જોઉં છું કે કોઈ કવિ મારા પહેલાં ત્યાં પહોંચી ચૂક્યો હોય છે.” ગુજરાતી તો બચવા લાયક ભાષા છે, કારણ કે તે નરસિંહ મહેતાની, પ્રેમાનંદની, દયારામની, ગોવર્ધનરામની, ન્હાનાલાલની, કલાપીની, મેઘાણીની, ઉમાશંકર જોશીની અને ગાંધીજીની ભાષા છે. તમે કલાપીની “ગ્રામમાતા” કાવ્યનો અંગ્રેજી અનુવાદ કરીને વાંચી જોજો. તમને જરૂર સમજાઈ જશે કે અનુવાદને કારણે કાવ્યની હત્યા થઈ છે. ગુરૂદેવ ટાગોરની “ગીતાંજલિ” બંગાળીમાં વાંચનારા કોઈ બંગાળી મિત્રની મને અદેખાઈ આવે છે. કોઈ નદી સુકાઈ જાય અને કાળક્રમે નષ્ટ થઈ જાય ત્યારે શું શું નષ્ટ થયું એનો ખ્યાલ ઝટ નથી આવતો. નદીનું વહેણ અને ભાષાનું વહેણ સંસ્કૃતિના સાતત્ય માટે ઉપકારક છે. અંગ્રેજી માધ્યમ બાળકને શું શું આપે છે, તે તો સૌને સમજાય છે, પરતું એ શું શું ઝુંટવી લે છે, તે બહુ ઓછા લોકોને સમજાય છે.

[સાભારઃ વૃક્ષમંદિરની છાયામાં, લેખક: ગુણવંત શાહ]