ગુટખા બનાવનારને પણ કેન્સરે ન છોડ્યા

ફૂલછાબ

| 3 Minute Read

ગુટખા, માઉથ ફ્રેશનર, સુગંધી પડીકીઓ ખાનારે ચેતી જવાની જરૂર છે, ખુદ એક ઉત્પાદકને ગુટખા ખાવાથી કેન્સર થયું છે.

ઘણા વર્ષોથી ગુટખા બનાવવાનો વેપાર ચલાવતા ૫૨ વર્ષના વિજય તિવારી પોતે જ મોંના કેન્સરનો શિકાર બની ગયા છે. મોના કેન્સરથી પીડાતા છ કીમોથેરપી અને ૩૬ તબક્કાના રેડિએશનના દુઃખદાયક અનુભવ પછી તિવારીએ પોતાના “વિસ્તરતા જતા” વેપારને બંધ કરવાનો નિર્ણય લીધો.

તિવારીનું કહેવુંં છે કે ગુટખાની મેન્યુફેક્ચરિંગ દરમિયાન કેસર, ઇલાયચી વગેરેના ફ્લેવરને બદલે સસ્તા, કેમિક્લનો ઉપયોગ કરવામાં આવે છે. ગુટખાની ક્વોલિટી ચેક કરવા સતત ચાખતા રહેવાને લીધે તિવારીને તેની લત થઇ ગઇ અને કેન્સરનો શિકાર થઇ ગયા. ૨૦૧૧ માં તિવારીને મોંનું કેન્સર હોવાની જાણ થતાં તેમણે ગુટખામાં ઉપયોગમાં લેવાતી સુગંધને બનાવવાનો પોતાનો બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો.

તિવારીનું કહેવું છે કે ગુટખા બિઝનેસ ચલાવનારા લોકોએ “છેતરપીંડી કરવી જ પડે છે.” તિવારીનું કહેવું છે કે, તમે શું વિયારો છો કે અસલી કેસર ફ્લેવરવાળા ગુટખા તમે માત્ર એક રૂપિયામાં મળી જશે ? તિવારી જણાવે છે કે, એક કિલો કેસરની કિંમત ૧.૬ લાખ રૂપિયા છે, પરંતુ તેની જગ્યાએ જે કેમિકલ ફ્લેવરનો ઉપયોગ કરી શકાય છે તેની કિંમત માત્ર ૨૩૦૦ રૂપિયા પ્રતિ ક્લોગ્રામ છે. ઇલાયચીની કિંમત ૧,૯૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો ગ્રામ છે, જ્યારે તેનું ફ્લેવર ૧૫૦૦ રૂપિયામાં મળી જાય છે. ૧૨ લાખ રૂપિયાની કિંમતના ગુલકંદને બદલે ૨૫ હજાર રૂપિયાનું કેમિકલ ફ્લેવરથી કામ ચલાવી શકાય છે. અસલી અને નકલી વસ્તુઓની કિંમતમાં આટલું મોટુ અંતર હોય છે એટલે કોઇપણ ગુટખા મેન્યુફેક્ચરિંગ કંપની સાચી સુગંધનો ઉપયોગ નથી કરતી.

તિવારીએ પોતાના ઉત્પાદનોને ચેક કરવા માટે ગુટખા ખાવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસો પછી તે ગુટખા ખાવાની લતે ચડી ગયા અને રોજના લગભગ ૨૨૫ પડીકી ખાવા લાગી ગયા. કેન્સરને કારણે થયેલી સર્જરીથી હવે તિવારીનો ચહેરો પણ બદલાઇ ગયો છે. હવે તેમણે એ નિર્ણય કરી લીધો છે કે તે ગુટખા ઇન્ડ્સ્ટ્રીનો ભાગ નહીં રહે. તેમણે હવે ગુટખા માટે સુગંધ બનાવવાને બદલે અત્તર બનાવવાનો બિઝનેસ શરૂ કરી દીધો છે. તિવારીનું કહેવું છે કે ગુટખા બનાવતી કંપનીઓ અસલી વસ્તુઓને બદલે સસ્તા કેમિકલનો ઉપયોગ કરે છે. તિવારી જણાવે છે કે મેન્યુફેક્ચરર્સ ગુટખાના ફ્લેવરને યોગ્ય કરવા માટે મેગ્નેશિયમ કાર્બોનેટ અને ગેમ્બિયર (કાથો વગેરેને બદલે) નું ઉપયોગ કરે છે. ઇન્ડિયન જર્નલઓફ મેડિકલ રિસર્યના એક રિપોર્ટે એ ખુલ્લાસો કર્યો હતો કે પાન મસાલા, ગુટખા, ખૈની અને માઉથ ફ્રેશનર્સ વગેરેમાં ફ્લેવર માટે કેટલાય નુકાસનદાયક કેમિકલ્સની ભેળસેળ કરવામાં આવે છે.

[સાભાર: ફૂલછાબ તા.૧૭/૧૨/ર૦૧૪]