હરીફાઈ

રાજ ભાસ્કર

| 2 Minute Read

એક વખત દેડકાઓની હરીફાઈ હતી. એક ઊંચો મિનારો હતો અને જે દેડકો એ મિનારા પર ચઢી બતાવે એને બહુ મોટું ઈનામ આપવાનું હતું.

ઘણા બધા દેડકાઓ ભાગ લેવા આવ્યા હતા. કેટલાક દેડકાઓનું ટોળું મિનારાની આસપાસ એકઠું થયું હતું. મિનારાની ઊંચાઈ બહુ હતી. એથી આસપાસ એકઠા થયેલા દેડકાઓની ભીડ ભાગ લેવા આવેલા દેડકાઓને બૂમો પાડી પાડીને ચેતવી રહી હતી કે “ભાઈઓ મિનારો ખૂબ ઊંચો છે. આપ કોઈ કાળે એને સર નહીં કરી શકો. માટે પાછા વળી જાઓ. ઈનામની લ્હાયમાં નાહકનો જાન ગુમાવશો.”

ટોળાની ઉશ્કેરણીથી ભાગ લેવા આવેલા કેટલાયે દેડકાઓ પાછા વળી ગયા. કેટલાક દેડકા મિનારા પર અડધે સુધી પહોંચી ગયા હતા. નીચે ઊભેલું ટોળું બૂમો પાડી પાડીને એમને પણ ડરાવવા લાગ્યું, “મિત્રો બસ બહુ થયું. હવે જોખમ ના લો. નીચે ઉતરી જાઓ.”

ટોળાની બૂમો સાંભળી અડધે પહોંચી ગયેલા દેડકાઓ પણ ગભરાઈને નીચે ઊતરી ગયા. એકાદ બે દેડકા તો ટોચથી માત્ર થોડુંક અંતર જ દુર હતા છતાં ગભરાઈને નીચે ઉતરી ગયા. પણ એક દેડકો એ ટોળાની વાતને બિલકુલ કાને નહોતો ધરતો. એ ધીમી અને મકકમ ચાલે મિનારાની ઊંચાઈ હાંસલ કરી રહ્લો હતો અને આખરે એ ટોચ પર પહોંચી પણ ગયો.

ચારે તરફ એની વાહવાહી થઈ ગઈ. એને ઈનામથી નવાજવામાં આવ્યો. તરત જ આસપાસ પત્રકારો ગોઠવાઈ ગયા અને એને એની સફળતાનું રહસ્ય પૂછ્યું ત્યારે ખબર પડી કે એ દેડકો તો સાવ બહેરો હતો.

વાત સ્વયં સ્પષ્ટ છે. જીવનમાં પણ જો આગળ વધવું હોય અને સફળતાનાં શિખરો સર કરવા હોય તો લોકોની વાતને કાને ના ધરશો. જીવન જીતવાનો આ એક અક્સીર ઉપાય છે.

સત્યની શોધમાં પસાર થયેલું જીવન જ સાચું જીવન છે.

[સાભાર : જીવન-જલસાની જનમટીપ, લેખક : રાજ ભાસ્કર, પ્રકાશક : પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ]