હેત અને પ્રેમ

નિલેષ મહેતા

| 2 Minute Read

એક્વાર સ્વામી સહજાનંદ એક નાનકડા ગામમાં પધાર્યા. ગામલોકો તો સ્વામીજીના આગમનથી આનંદે નાચી ઉઠ્યાં. તેમના હૃદયનાં આનંદનો સાગર જાણે ભરતીએ ચઢયો !

એક ભક્ત સ્વામીજી પાસે આવ્યો અને પોતાને ઘેર ભોજન લેવા વિનંતી કરી. એની વિનંતીનો સ્વીકાર કરી સ્વામી સહજાનંદે કહ્યું, “ભાઈ, તારી વિનંતીનો હું સ્વીકાર કરૂં છું. હું તારે ત્યાં ભોજન લેવા જરૂર આવીશ.”

પોતાની વિનંતીનો સ્વીકાર થયો એ વાતથી ભક્તને ખૂબ સંતોષ થયો. તે ઘેર પાછો ફર્યો અને પોતાની પત્નીને કહ્યું, “આપણે ત્યાં સ્વામીજી ભોજન લેવા આવનાર છે !”

આ સાંભળતાં તો પત્ની હરખથી જાણે ઘેલી બની ગઈ. પોતાના આંગણે સ્વામીજીનાં પગલાં થશે અને તેઓ ભોજન લેશે એ વાતે તેના હૃદયમાં હર્ષની લાગણી આંખોમાં આંસુ રૂપી આવી ગઈ. તેણે સ્વામીજી માટે ભોજન બનાવ્યું.

ભોજનનો સમય થયો એટલે સ્વામીજી ત્યાં આવી પહોંચ્યા. પાટલા નંખાયા અને સ્વામીજી જમવા બેઠા.

ગૃહિણી હરખમાં એવી તો ઘેલી બની ગઈ હતી કે ઊતાવળમાં તે દૂધને બદલે છાશની દોણી લાવી અને છાશને દૂધ માની સ્વામીજીને પીરસવા માંડી !

સ્વામીજી તો જમતા જાય ને બોલતાં જાય “વાહ દૂધ તો બહુ મીઠું છે ! શો સ્વાદ ! અમૃત જ જાણે જોઈ લો !”

ભોજન પૂરૂં થવા આવ્યું કે પેલી ભક્તપત્નીને ખ્યાલ આવ્યો કે પોતે સ્વામીજીને દૂધને બદલે છાશ પીરસી હતી !

આવો ખ્યાલ આવતાં જ તે રસોડામાંથી બહાર આવી અને દુઃખભર્યા અવાજે સ્વામીજીને કહેવા લાગી, “મહારાજ, મને માફ કરો.”

સ્વામી કહે, “કેમ ?”

“મેં તમને દૂધને બદલે છાશ પીરસી હતી. હરખમાં અને હરખમાં મને ખબર રહી નહિ કે હું તમને દૂધને બદલે છાશ પીરસી રહી છું !”

સ્વામીજીએ કહ્યું, “બહેન, તેં મને એટલા બધા હેતથી પીરસ્યું હતું કે મને ખુદને પણ ખબર પડી નહિ કે મને દૂધને બદલે છાશ પીરસાઈ છે. તેં હેત અને પ્રેમથી છાશ પીરસી હતી તેમાં મને તો દૂધનો જ સ્વાદ આવતો હતો. મને તો એમ જ લાગતું હતું કે હું દૂધ જ પી રહયો છું.”

પ્રેમસભર ભોજન હંમેશાં સ્વાદિષ્ટ જ હોય છે.

[સાભાર: ભગવંતો-મહાત્માઓ-સંતોના પ્રેરક પ્રસંગો, સંકલન: નિલેષ મહેતા]