જાહેર શિસ્ત – વિચારથી અમલ સુધી

ડૉ. રાજીવકુમાર ગુપ્તા

| 12 Minute Read

ક્યુ કલ્યર

સ્વયં ઊભી કરાયેલી લાઈન અને એમાં જાતે જ જોડાવાના વિચારને આપણે ક્યારેય પુષ્ટિ નથી આપી. ખરેખર તો લાઈન કઈ રીતે તોડી શકાય એ વિશે આપણે વધુ હોશિયાર સાબિત થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણી પહોંચ કે સત્તાના ઉપયોગ સાથે “હું કોણ છું, ખબર છે?” જેવા પ્રશ્નો પૂછીને લાઈનમાં ઊભેલા લોકોને ખસેડી આગળ પહોંચી જવામાં આપણને એક વિજેતા જેવો અહેસાસ થાય છે, શું આ યોગ્ય છે?

આની સાથે જ આપણે આપણાં સંતાનોને પણ લાઈન તોડતા અને શિસ્તને ઉવેખીને જીવતાં શીખવી રહ્યા છીએ.

આ વિચાર મને ત્યારે આવ્યો જ્યારે એસ.જી. હાઈવે પર એક વાર હું મારા સંતાનો માટે આઈસ્ક્રીમ ખરીદી રહ્યો હતો. હું આઈસ્ક્રીમ પાર્લર પર ઓર્ડર આપી રહ્યો હતો ત્યારે એક બાળકે દાખલ થઈ મને ધક્કો માર્યો. પચાસ રૂપિયાની નોટ ધરીને એણે મારી હાજરીની અવગણના કરતાં ઓર્ડર આપવા માંડ્યો. સહેજ અકળાઈ અને નવાઈ સાથે બાળકના આ નિર્દોષ છતાં વિચિત્ર વર્તન વિશે મેં એનાં માતૃશ્રીને કહ્યું કે તમે તમારા બાળકને લાઈન જાળવતાં શીખવો તો સારું.

“તમે મારા બાળકો શીખવનાર કોણ? તમે કામ કરો, સમજ્યા?” એ બહેનના જવાબથી હું તદ્દન ચૂપ થઈ ગયો. એ બાળકને સ્પષ્ટ સંદેશો મળી ગયો કે એ જે કંઈ કરી રહ્યો છે એ યોગ્ય છે અને આગળ ઉપર પણ એણે આ જ કરવાનું છે.

હમ જહાં ખડે હોતે હૈ, લાઈન વહીં સે શુરુ હોતી હૈ જેવા ડાયલોગ બાળકોને ગેરશિસ્ત અને ગેરવર્તન તરફ દોરી જાય છે. આપણે એ વિશે કોઈ પ્રકારનાં સજાગ પગલાં લેવા કેમ તૈયાર નથી?

તમારો પગાર કેટલો છે?

આજથી લગભગ એક દાયકા પહેલાં યુનાઈટેડ નેશન્સ યૂનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ ટ્રેડનો અભ્યાસ કરવા હું ગયો હતો ત્યારે એક વિચિત્ર ઘટના બની. માથાદીઠ આવક વિશે એશિયન અને જાપાનીઝ દેશોની ચર્ચા કરતાં કરતાં સહજભાવે અને ભોળાભાવે મારાથી એક જાપાનીસ પ્રોફેસરને પુછાઈ ગયું, “પ્રોફેસર, આપનો માસિક પગાર શું હશે?” પંદર દેશોમાંથી આવેલા જુદા જુદા વિદ્યાર્થીઓથી ભરેલા એ ક્લાસમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. સહુ ધીમા અવાજે ગુસપુસ કરવા લાગ્યા. પ્રોફેસરે ખૂબ જ સંકોચ અને અણગમા સાથે પોતાના માસિક પગારની વિગતો જણાવી.

મારે તમામ પ્રામાણિકતા સાથે સ્વીકારવું જોઈએ કે ૧૪ વર્ષ સિવિલ સર્વિસમાં ગાળ્યા પછી પણ હું એવું નહોતો જાણતો કે આ ખૂબ જ અંગત સવાલ છે. અંગત ચર્ચામાં પણ આ સવાલ ન પૂછી શકાય, તો જાહેરમાં કઈ રીતે પુછાય? પરંતુ એક ક્ષણ માટે અટકીને વિચારીએ તો મને સમજાય છે કે આપણા દેશમાં અને સમાજમાં પગાર, આવક અને ઉપરની આવક વિશે ખુલ્લંખુલ્લા ચર્ચા થાય છે. છોકરીને જોવા આવેલા છોકરાને પણ છોકરીનો પિતા આવું સ્વાભાવિકપણે પૂછી નાખે છે. જોકે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ આવો સવાલ પૂછીને જાહેરમાં બીજાને સંકોચશીલ પરિસ્થિતિમા ન મૂકવા એ પણ સ્વયંશિસ્તનો જ એક ભાગ છે.

ખરીદીમાં પણ પ્રાથમિકતા

મારાં પત્ની એક દિવસ ગરવીમાં સાડી અને કાપડ ખરીદવા એની બહેન સાથે ગયાં. જેમ હંમેશા બને છે તેમ એમણે સાડી અને કેટલીક વસ્તુઓ પસંદ કરીને બાજુમાં મુકાવી. કાઉન્ટર કલાર્કને એ વસ્તુઓ દેખાડીને મારાં પત્ની બીજી કેટલીક બિનજરૂરી વસ્તુઓને જોતાં બીજા વિભાગોમાં ફરતાં હતાં. થોડી મિનિટો પછી એ જ્યારે પાછાં ફર્યા ત્યારે એમણે જોયું કે કાઉન્ટર પરના કલાર્ક એક મોટી ઉંમરના ભાઈ સાથે ઊંચા અવાજે ચર્ચા કરી રહ્યા હતા. કલાર્ક એમને વારંવાર સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, “ના સર, આ સાડી તો એક મહિલાએ પસંદ કરી લીધી છે. તમને ગમી એ પહેલાં એમણે બાજુએ મુકાવી છે. આવો એકજ પીસ છે. હું આ તમને ન આપી શકું” અને એ સજજન ઉંચા અવાજે કલાર્કને ધમકાવી રહ્યા હતા, “તમને ખબર છે હું કોણ છું? મારાં પત્નીએ આ પસંદ કરી છે એને તમારે મને આપવી જ પડશે.”

આ સજ્જન તરફ જોઈને પચીસ વર્ષ સરકારી જિંદગીમાં જીવ્યા પછી મારાં પત્ની એટલું ચોક્કસ સમજી શક્યા કે આ કોઈ ઊંચો હોદ્દો ધરાવતાં સરકારી કે ન્યાયતંત્રના અમલદાર છે. એ સમજી ગયાં કે જો ક્લાર્ક એ સજ્જનને આ સાડી નહીં આપે તો એમના અહંકાર પર ચોટ પડશે અને એ કલાર્કને નુકસાન કરી શકે એમ છે. એમણે સતત ચાલી રહેલી દલીલોમાંથી કલાર્કને બચાવવા માટે એને બાજુમાં બોલાવ્યા અને કહ્યું સાડી સજ્જનને આપી દો.

આપણે સતત આવા પ્રસંગોનો સામનો કરવો પડે છે. સામાન્ય સૌજન્ય કે સમજદારીનો ઉપયોગ કર્યા વગર ખરેખર મહત્ત્વ એને આપવામાં આવે છે જેની પાસે હોદ્દો અને ખૂરશી હોય. વાત માત્ર શોપિંગની કે સાડીની નથી. સવાલ છે શિસ્ત અને સામાજિક વર્તનનો. સાદી બાબતોને પણ સત્તા સાથે જોડીને આપણે આપણા હોદ્દા અને સત્તા સાથે જોડીને બિનજરૂરી રીતે અહંકારનો મુદ્દો બનાવી છીએ. શું ખરેખર નાગરિક તરીકે આ વર્તન કરવું કે ચલાવી લેવું યોગ્ય છે?

બધાંના પગરખાં સરખાં

ઉઘાડા પગવાળા ડોક્ટર આ ઉપમા ચાઈનીઝ ખેડુતો માટે વાપરવામાં આવતી હતી. સાદી તબીબી અને પેરામેડિકલ ટ્રેઈનિંગ મેળવીને વિકસી રહેલી ચીનની વસ્તીને મદદ કરવા માટે આવા ખેડુતો તૈયાર કરવામાં આવતા. ઊંચી ડિગ્રી ધરાવતા શહેરી ડોક્ટર જ્યાં ન મળે ત્યાં અંદરનાં ગ્રામ્ય વિસ્તારોમાં રવચ્છતા અને સ્વારથ્યને વધારવા માટે આવા ખેડુતોને તૈયાર કરવામાં આવે છે, પરંતુ આ સંબોધન આપણા દેશમા રસપ્રદ રીતે વાપરી શકાય એમ છે. ઈમરર્જન્સિ અને ઈન્ટેન્સિવ કેર યુનિટ્સમાં જૂતાં ઉતારીને જવાનો નિયમ દરેક હોસ્પિટલમાં છે. આવા આઈ.સી.સી.યુ.માં બુટ પહેરીને જવાથી દર્દીઓને ઈન્ફેક્શન લાગવાનો ભય રહે છે. દર્દીના સગાં પાસે તો આ નિયમ પૂરેપૂરા દબાણથી પળાવવામાં આવેછે. હોસ્પિટલના રૂમ્સમાં પણ જૂતાં ઉતારીને જવું એવી સૂચના લખી હોય છે, દર્દીનાં સગાં એ ન પાળે તો એમને યાદ કરાવવામાં આવે છે.

આપણને નવાઈ લાગે એ રીતે ઘણા તબીબો પોતાના જૂતાં ઉતાર્યા વગર આઈસીસીયુમાં અવર-જવર કરે છે. ફિનાઈલ અને ડિસઈન્ફેકટન્ટથી સતત સેનિટાઈઝ કરાયેલા આવા વોર્ડમાં શુઝ સાથે દાખલ થવાથી બેકટેરિયા વાઈરસ અને જંતુઓ પણ પ્રવેશી જાય છે.

સાદા નાગરિક કરતાં ડોક્ટટમાં વધુ સમજ હોય છે. તેઓ આ નિયમોને જાણે છે. તેમ છતાં જાણે-અજાણે એનું પાલન કરતા નથી. એમાં એમની આળસ છે કે બીજી કોઈ વાત… એ સમજાતું નથી. આજ પછી તમે જ્યારે પણ કોઈ ડોક્ટરને આઈસીસીયુમાં જૂતાં પહેરેલા જુઓ ત્યારે હિંમતથી કહી દેજો, “ડોક્ટર સાહેબ તમારાં જૂતાં બહાર ઉતારશો, પ્લીઝ?”

ફરજ અને મહેમાનગતિ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ હવે આંતરરાષ્ટ્રી ક્ષેત્રે એક મોટો પ્રસંગ બનીને ઊજવાય છે. આ ઉજવણીએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય નકશામાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. હજારો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મહેમાનો અહીં આવે છે. ગુજરાત અને ગાંધીનગરમાં એ દિવસો દરમિયાન ચહલપહલ વધી જાય છે. જાતજાતના કિસ્સાઓ નોંધતા રહેવાની મારી ટેવને કારણે હમણાં એક આનંદદાયક કિસ્સો નજરમાં આવ્યો.

સમિટના સ્થળે એક વિદેશી સજજનને મોટરસાઈકલ પરથી ઉતારીને પાછા જઈ રહેલા ટ્રાફિક હવાલદારને મેં પૂછ્યું ત્યારે એણે જવાબ આપ્યો, “એ એમનો રસ્તો ભૂલી ગયા હતા, છેલ્લા અડધો કલાકથી ગાંધીનગરમાં ફરી રહ્યા હતા. હું ત્યાંથી પસાર થયો પરંતુ મને એમના જેટલું અંગ્રેજી આવડતું નથી એટલે હું ફક્ત એક જ શબ્દ સમજી શક્યો - મહાત્મા મંદિર! એટલે એમને અહીં લઈ આવ્યો.”

ખુશ થઈને અંદરની તરફ જઈ રહેલા વિદેશી, જોતાં મને વિચાર આવ્યો, આજના સમયમાં કેટલાય લોકો પોતાનો રસ્તો પૂછતા આપણી પાસે આવે છે, પરંતુ ગાડી થોભાવીને એમને સરખો રસ્તો બતાવવાનો આપણી પાસે સમય છે ખરો? બહારથી આપણા દેશમાં કે રાજ્યમાં આવતા મહેમાનો માટે આપણે આટલો સમય પણ ન કાઢી શકીએ એ યોગ્ય છે? આવો એક નાનો પ્રસંગ રાજ્ય અને દેશની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

ખાધાન્નના બગાડની (કુ)સંસ્કૃતિ :

આપણે ખાધાન્નના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરી હોય તેમ લાગે છે, પણ આજેય આપણા દેશમાં લાખો લોકો રોજ રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે ઉપભોક્તાવાદ અને આડંબર બની જતી ઉજવણીઓ વધી રહી છે તે આપણા દેશમાં ખાધાન્નના બગાડની એક પ્રક્રિયા ઊભી કરી રહી છે.

ખાધાન્ન માટેનું સામાજિક-સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રતીકાત્મક મહત્ત્વ તો સમગ્ર વિશ્વમા છે જ. ગ્રીક પુરાણમાં “ડીમીટર” ને ફળદ્રુપતા, કૃષિ અને ઉત્પાદનની દેવી ગણવામાં આવી છે. જ્યારે “હેસ્ટીયા” ચૂલો, ઘર અને રસોઈની અક્ષતા દેવી ગણાય છે. અને શિકોમેકોટલ ને એઝટેક પુરાણોમાં અન્ન અને ઉત્પાદનની દેવી ગણવામાં આવતી હતી. ભારતમાં આપણાં સાંસ્કૃતિક મૂલ્યો અને સિદ્ધાંતો ખૂબ જ ઉચ્ચકક્ષાનાં છે. આપણા માટે અતિથિ દેવતુલ્ય છે. પવનને આપણે “વાયુદેવ” ગણીએ છીએ, જમીનને “ધરતી માતા”, સૂર્યને “સૂર્યદેવ” અને અન્નને “અન્નદેવતા” ગણીએ છીએ. આપણે ખોરાક, અન્ન અને કૃષિના દૈવી પ્રતીક તરીકે અન્નદેવતા તરીકે પૂજીએ છીએ. પણ જે રીતે ભારતમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગની આવક વધી રહી છે તેના પરિણામે લગ્નો ખાધાન્નના બગાડના સૌથી મોટા નિમિત્ત બની રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મત પ્રમાણે ભારતમાં દર વર્ષ એક કરોડ લગ્નો યોજાય છે. જો સૌથી નીચલો અંદાજ મૂકીએ તો લગ્ન પાછળ સરેરાશ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જો સામાન્ય ગુણાકાર કરીએ તો ભારતમાં દર વર્ષ લગ્નો પાછળ ત્રણ લાખ કરોડ રૂપિયા (ત્રણ ટ્રિલિયન)નો ખર્ચ થાય છે. આ ખર્ચામાં ૩૦ થી ૪૦ ટકાનો ખર્ચ ભોજનવ્યવસ્થા માટે કરવામાં આવે છે. દેશમાં ભોજન વ્યવસ્થા કરનારા કેટરર્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. માત્ર અમદાવાદ શહેરમાં જ ૩૫૦ જેટલા નોંધાયેલા કેટરર્સ છે, જે તમારી કલ્પના શક્તિથી પણ વિશેષ મેનુ ઓફર કરે છે. માત્ર જૈન ભોજન તૈયાર કરવાની સ્પેશ્યાલિટી ધરાવતાં કેટરર્સ તમને ૬૦૦થી વધુ આઈટમ પીરસી શકે છે. તેમાં ૧પ રાજસ્થાની ડિશ, ૨૦ દક્ષિણ ભારતીય વાનગીઓ, ૨૨ ચાઈનીઝ આઈટમ્સ, ૧૫ કોન્ટિનેન્ટ્લ ડિશિશ અને ૨૫ પ્રકારની મેક્સિકન વાનગીઓનો સમાવેશ થાય છે. ત્યારે તમે જૈન સિવાયની ડિશિશમાં પીરસાતી આઈટમ્સની સંખ્યા પણ કલ્પી શકો છો. એક ડિશ તમને રૂ.૧૦૦/- થી રૂ.૫,૦૦૦/- સુધીમાં પડે અને ત્યાં જ ખાધાન્નના બગાડનું મૂળ છુપાયેલું છે. આવી ઉજવણીઓમાં લોકો અઢળક ભોજનનો બગાડ કરે છે, કારણ કે ત્યાં તેમની સામે અનેક વેરાઈટીઝ હોય છે અને દરેક આઈટમનો એક એક ટૂકડો ટેસ્ટ કરતાં હોય છે. અહીં લોકોના પેટમાં જતા ભોજનનું પ્રમાણ, બગાડ થતા ભોજનની સામે નહિવત્‌ છે.

આવા મોટા પ્રમાણમાં થતાં બગાડની સામે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૯૦ લાખ લોકો ભૂખમરા અને કુપોષણના કારણે મોતને ભેટે છે, જેમાંથી પચાસ લાખ તો બાળકોની સંખ્યા છે. ૧૨૦ કરોડ લોકો (કેલરી અને પ્રોટીનની ઉણપ સહિત) ભૂખમરાનો સામનો કરે છે અને ૨૦૦ થી ૩૫૦ કરોડ લોકો મહત્વના પોષક તત્વો વગરનો ખોરાક ખાવા મજબુર છે, જેમાં વિટામીન્સ અને મિનરલ્સનો અભાવ હોય છે. વિચિત્રતા તો એવી છે કે, એક બાજુ વૈદિક શ્લોકોના ધ્વનિ વચ્ચે લગ્નો યોજાઈ રહ્યાં હોય અને પવિત્ર અગ્નિદેવતાની હાજરીમાં બે જણા જન્મોજનમના બંધન બાંધી રહ્યાં હોય, ત્યારે બીજી બાજુ ભવ્યાતિભવ્ય-સમારંભમાં એટલું બધું ભોજન બગાડીને આપણે અન્નદેવતાનું અપમાન કરીએ છીએ. આ લખાણ વાંચીને શું તમે હવે પછી લગ્નોમાં થતા ભોજનના બગાડ વિશે પુનર્વિચાર કરશો…?

[સાભાર: જાહેર શિસ્ત વિચારથી અમલ સુધી, લેખક: ડૉ.રાજીવકુમાર ગુપ્તા]