જન્મ જ્યંતી

ગોવિંદ એસ. પટેલ તથા ડૉ. તૃપ્તિ સાકરીયા

| 1 Minute Read

એક દિવસ રમણ મહર્ષિ પાસે એમના કેટલા શિષ્યો આવ્યા અને કહેવા લાગ્યા, “આપ એક મહાન વિભૂતિ છો. આધ્યાત્મિક ક્ષેત્રે આપનું પ્રદાન અતિ મૂલ્યવાન અને ન ભૂલી શકાય એવું છે ! તો અમે આપની જન્મ જયંતી ઉજવીએ એવી અનુમતિ આપો.”

“ઓહ, એમ વાત છે ! વાસ્તવમાં જન્મજંયતી એ આનંદનો વિષય નથી, કેમ કે આ મોંઘા માનવ જીવનમાંથી એક વર્ષ ઓછું થયાનો એ નિર્દેશ આપે છે. આવું જો આપણને ભાન થાય તો જન્મ દિનની ઉજવણી કરવા તત્પર ન બનીએ. હવે બીજી એક વાત એ છે કે હું તમે ધારો છો એવી કોઇ મહાન વિભૂતિ નથી. મહાન વિભૂતિ તો એને કહી શકાય કે જે સંત પુરૂષ અધ્યાત્મજીવનની પરમ સીમા પ્રાપ્ત કરીને જીવન્મુક્ત દશામાં હોય. હું જે કંઇ કરું છું તે પરમ કક્ષાએ પહોંચવા માટેના પ્રયાસો કે પ્રયોગો માત્ર છે.”

થોડીવાર પછી તેઓ બોલ્યા:

“મને નથી સમજાતું કે આ વિકારી, ક્ષણભંગુર, વિનાશી અને જડ દેહની જન્મ જયંતીની ઉજવણી શા માટે ? અને ચૈતન્ય સ્વરૂપી, અવિનાશી આત્માની જન્મ જયંતી કે પુણ્યતિથી બન્ને સરખા છે. કારણ આત્મા શાશ્વત છે. એને નથી જન્મ કે નથી મૃત્યુ ! તમે મારી જન્મ જંયતી ન ઉજવો એ મારા માટે અને તમારા માટે પણ ઉચિત છે”

જન્મ જયંતી ઉજવવાનું પછી માંડી વળાયું.

[સાભાર: “જીવન ઉદ્યાન”, સંકલન અને સંપાદન: ગોવિંદ એસ. પટેલ તથા ડૉ. તૃપ્તિ સાકરીયા,]