જેને લાગતું વળગતું હોય એને

ડૉ. આઈ. કે. વીજળીવાળા

| 4 Minute Read

માનનીય શ્રી,
સ્વર્ગ સમાચારમાં આવેલ જાxખ પરથી જાણ્યું કે તમે તમારી જિંદગીના મેનેજરની જગ્યા ભરવા માંગો છો. તો આ જગ્યા માટે હું નમ્ર રીતે અરજી કરવા માગું છું. મારી અરજીની યોગ્યતાના પુરાવા તરીકે હું નીચેના થોડાક મુદ્દાઓ પરત્વે તમારૂ ધ્યાન દોરવા માંગું છું.

હું માણસજાતના સર્વપ્રથમ મેનેજર તરીકે કામ કરી ચૂક્યો છું.

મેં જ માણસજાતને બનાવી છે. એને સૌથી સારી રીતે કાર્યરત શી રીતે રાખવી તે બરાબર જાણું છું, કારણ કે તેના દરેકેદરેક પુરજાનું મને જ્ઞાન છે.(આમ જુઓ તો મશીનના બનાવનારને જ તમે મિકેનિકની નોકરી આપી રહયા હો તેવું લાગશે !)

મારી કાર્યપધ્ધતિ અંગે તમને માહિતગાર કરવા માટે અત્યાર સુધીમાં મેં ઘણા જ સંતો, અવતારો તેમજ પયગંબરોને મોકલ્યા જ છે. પણ મને લાગે છે કે તો પણ કયાંક કશીક કચાશ રહી ગઇ છે. એટલે આ વખતે મેં જ અરજી કરવાનો નિર્ણય કર્યો છે.

મને જો તમારી જીંદગીના મેનેજર તરીકે રાખશો તો થોડાક જ વખતમાં હું બધું જ બરાબર કરી આપીશ. હા! આ બધું હું મારી આગવી રીતે કરવાનો અધિકાર જરૂર માંગીશ. એના માટે મારે તમારી જીંદગીમાં થોડાક આવશ્યક અને નિર્ણાયક ફેરફારો જરૂરથી કરવા પડશે. એ હું મારી રીતે અને મારા સમયે કરીશ. કેટલાક ફેરફારો તમને પીડાદાયક લાગવાની શકયતા પણ છે, પરંતુ એ બધું સહન કરવાની હું તમને શક્તિ પણ આપીશ. એટલે કંઇ વધારે પડતી ચિંતા કરવાની પણ જરૂરત નહીં રહે.

આ સંપુર્ણ પ્રકિયા દરમિયાન તમારે માત્ર શાંતિ જ જાળવવાની રહેશે. મારા કામમાં કોઇ પણ જાતની દખલ મને જરા પણ સ્વીકાર્ય નથી. મને મદદ કરવાનો તેમજ મારો વિરોધ કરવાનો પણ તમારે પ્રયત્ન ન કરવો. મારે તમારી મદદની જરૂર નથી,પણ તમારો સાથ, સહકાર અને સમર્પણ હું આવકારીશ. (અને એ અનિવાર્ય પણ છે !)

એ જ,
લિ. ભગવાન

નીચે મારો બાયોડેટા લખીને મોકલું છું, જે તમારી જાણ ખાતર…!

નામ : ભગવાન

સરનામું : બધે જ. દરેક સ્થળ, કણેકણ.

ફોન : પ્રાર્થના

નિપુણતા : સર્વશકિતમાન

કાર્યઅનુભવ :

 • બહ્યાંડને બનાવ્યું, આકાશગંગા, એક એક તારા તેમજ તારાવિશ્વોનેએની જગ્યાએ ગોઠવ્યાં.
 • માણસ તેમજ દરેક સજીવ-નિર્જીવને બનાવ્યાં.
 • હાલ સમગ્ર વિશ્વને મારી શક્તિ વડે ધારણ કરી રહયો છું.
 • સમયની શરૂઆત થઇ તે પહેલાંથી, સમય રહેશે ત્યાં સુધી અને તે પછી પણ કાર્યક્ષેત્ર તેમજ કાર્યક્ષમતા ધરાવનાર(સમયને પણ મેં જ બનાવ્યો છે, જે તમારી જાણ ખાતર !)

અભ્યાસ : સર્વજ્ઞ. બધું જ્ઞાન મારા થકી જ છે.

ચારિત્ર્ય : આ અંગેનાં પ્રમાણો માટે નીચેની રેફરન્સીસ જોઇ જવા વિનંતી છે.

 • વેદો, ઉપનિષદો, જૈન શાસ્ત્ર,બૌદ્ધ ધર્મગ્રંથો, તેમજ અન્ય ભારતીય ધર્મસંહિતાઓ.
 • બાઇબલ, કુરાન, તેમજ દુનિયાનો દરેક ધાર્મિક ગ્રંથ.

થોડાક અગત્યના ગુણો :

 • પ્રેમસ્વરૂપ
 • પ્રકાશસ્વરૂપ
 • શાંતિસ્વરૂપ
 • સત્યસ્વરૂપ
 • શુભસ્વરૂપ
 • સમજણ આપનાર
 • દર્દનાશક
 • દુઃખનાશક
 • ક્ષમા કરનાર
 • અન્નદાતા
 • દયાળુ, માયાળુ
 • દરેક સદ્ગગુણનો સ્વામી

મળવા માટેની માહિતી :

 • હું હંમેશા તમારી જિંદગીની જવાબદારી સ્વીકારી લેવા તત્પર હોઉં છું.
 • તમે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો.
 • હું તમારાથી ફકત પ્રાર્થનાના બે શબ્દ જેટલો જ દૂર છું.
 • મંદિરો, મસ્જિદો, વગેરે જગ્યાઓ કરતાં મને દિલમાં શોધવાની કોશિશ કરજો. હું હંમેશા તમારી જોડે જ હોઉ છું.

અપેક્ષિત પગાર : મારો પગાર મારા હજારો દૂતો, સંતો તેમજ પયગંબરોએ પોતાની જાતની આહુતિ આપીને ક્યારનો ચૂકવી દીધો છે. તમારી પાસેથી મારા બતાવેલા રસ્તા પરનું આચરણ તેમજ મારા પ્રત્યેનું સમર્પણ જ પગાર તરીકે માંગું છું.

વધારે રેફરન્સીસ જો માંગશો તો જરૂર પૂરા પાડીશ.

આશા છે કે મારી અરજી પર પૂરતું ધ્યાન આપીને તમે મને તમારી જીંદગીના મેનેજરની નોકરી જરૂરથી આપશો.

એ જ,
લિ. ભગવાન

[ડૉ. આઈ. કે. વીજળીવાળા સંપાદિત “મોતીચારો” માંથી સાભાર]