જીવન ઘડો સંદેશ -૬૨

શ્રીમદ્‌ ઉપેન્દ્રચાર્યજી

| 3 Minute Read

પ્રિય તરૂણ વિધાર્થી મિત્રો,

આપણું જીવન એ ગણિત જેવું છે. ગણિતમાં કેવળ મોટી મોટી ભૂલોની જ ગણતરી થાય અને બીજી ચલાવી લેવાય એમ બનતું નથી, એકાદ આંકડાની કે મીંડાની પણ ભૂલ કરી તો પછી એ દાખેલો કરતાં ગમે તેટલી મહેનત લીધી હોય છતાં એનો જવાબ ખોટો જ આવવાનો, તેમ આપણું જીવન માત્ર મોટી મોટી ભૂલો કરવાથી જ બગડે છે એમ નથી, પરંતુ તેમાં નાની નાની બાબત તરફ પણ બેદારકાર રહેતાં જીવનનો હિસાબ ખોટો જ આવે છે.

આપણે જાણીએ કે એકાદ ભુલ થઈ - જરા જુઠું બોલ્યા, જરા રીસ કરી, એક કામમાં જરા વધારે વખત લગાડયો, કોઈને જરા કડવો શબ્દ કહ્યો, થોડો ક્રોધ કર્યો, કોઈની પેન્સિલ કે બહુ જ હલકી વસ્તુ ચોરી, આપણા નાના સરખા દોષને છુપાવ્યો, એક દહાડો દાતણ ન કર્યું, એક દિવસ જરા વધારે ખાધું, એક દિવસ જરા વધારે રમ્યા, એક દિવસ ભણવામાં થોડા બેદરકાર રહ્યા, એક દિવસ નિશાળે મોડા ગયા કે વહેલા આવ્યા, મોટા પુરુષને વિવેક બતાવવામાં કે નમસ્કારાદિ કરવામાં જરા અલક્ષ કર્યો, સાંજનું કામ રાત્રે અને રાત્રિનું કામ સવારે કરવા પૂરતો વિલંબ કર્યો - આવું જરા પણ ભુલભર્યું કર્યું, તો તેથી પણ જીવનનો હિસાબ જોઈએ તેવો ખરો નહિ થવાનો.

આપણું જીવન આપણને સૌથી પહેલી કોઈ અગત્યની વસ્તુ શીખવતું હોય અથવા આવશ્યકતા ધરાવતું હોય તો તે નાની નાની બાબતો ઉપરની પણ સાવધાનતા છે. હિસાબમાં એક પાણ ને બદલે બે પાણ કરીએ કે એકને બદલે બે મીંડાં મૂકી દઈએ અથવા એક પાણ કે એક મીડું ઓછું કરી દઈએ તો પરિણામ શું આવે? હિસાબ ખોટો જ ઠરે. આથી ખરો હિસાબ લાવવામાં નાની બાબત પણ ધ્યાનમાં રાખવાની છે, તેમ જીવનમાં ઊંચા પરિણામ લાવવા માટે નાની ક્રિયા કે વિચારતરફ પણ પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. પઈને ગુમાવનાર કોઈ વખતે રૂપિયાને કે ગીનીને પણ એ જ રીતે ગુમાવી દે છે. આજ આપણે નાની ભૂલ કરીએ તો તે ભૂલ આપણને આવતી કાલ વધારે મોટી ભૂલ કરવાને લાયક કરે છે. આજ ઘંટ વાગ્યા પછી એક જ મિનિટ મોડા ઊઠીએ તો આપણું મન આવતી કાલ આપણને પાંચ મિનિટ મોડા ઊઠવાને લલચાવશે. આજે એકાદ વસ્તુ અસ્વચ્છ રાખી તો કાલ ચાર વસ્તુ અસ્વચ્છ રાખવાનું મન થશે. આજ આપણા મિત્રસાથે ઘુરકિયું ર્ક્યું કે તેને અપમાન લાગે એવું કર્યું તો કાલ આપણા વડીલ અથવા ગુરુજનો તરફ પણ ઘુરકિયું કે અપમાન કરવા પૂરતા આપણે જરૂર અસાવધ થવાના. આજ ગુરુને ટુંકો નમસ્કાર કર્યો તો કાલ હાથ જોડવાના અને પરમ દિવસે ફક્ત સામા ઊભા રહી વાત જ શરૂ કરવા આપણે તત્પર થવાના. આથી નાની નાની બાબતોને નકામી કે તેના તરફ બેદરકાર થવા લાયક ન ગણશો. આજ સવારે કકડો લાડુ ખાશો તો કાલ સવારે એક ખાવાનું મન થશે. આથી જીવનને ઉત્તમ કરવું હોય તો નાની નાની ક્રિયા પણ યોગ્ય જ કરવાની સાવધતા રાખજો.

– શ્રીમદ્‌ ઉપેન્દ્રચાર્યજી
મંગળવાર, તા. ૨૨ / ૯ / ૧૯૩૧

[સાભાર: નિત્ય સંદેશ, શ્રીમદ્‌ ઉપેન્દ્રચાર્યજી]