જસ્ટ એક મિનિટ

રાજુ અંધારિયા

| 2 Minute Read

આપણા દોસ્ત, સગાંસંબંધી, કર્મચારી કે ઓળખીતા માટે આપણને કોઈ ઊડતી વાત કહેવામાં આવે ત્યારે બગદાદના વિદ્ધાનનું દ્રષ્ટાંત યાદ કરી લેવા જેવું ખરું.

એક માણસે આ વિદ્ધાનને કહ્યું, “તમને ખબર છે તમારા ખાસ મિત્ર માટે હમણાં જ મેં શું સાંભળ્યું?”

“એક મિનિટ થોભો” વિદ્વાને કહ્યું, “મને કંઈ પણ કહો એ પહેલા તમારે એક કસોટીમાંથી પસાર થવાનું છે, એ છે ત્રણ ગળણાંની કસોટી!”

“ત્રણ ગળણાં?”

વિદ્વાન કહે, “હા, મારા મિત્ર માટે તમે કાંઈ કહો એ પહેલાં તમે જે કાંઈ કહેવાના છો એને ગાળી નાખીએ, ફિલ્ટર કરીએ એ સારું રહેશે. એમાં ત્રણ તબક્કા છે એટલે હું એને ટ્રીપલ ફિલ્ટર ટેસ્ટ કહું છું.”

પ્રારંભ કરતાં વિદ્વાન કહે, “પ્રથમ ગળણું સત્ય છે. તમને સંપુર્ણ ખાતરી છે કે તમે મને જે કાંઈ કહેવાનાં છો એ સાચું જ છે?”

“ના” પેલા માણસે કહ્યું, “ખરેખર મેં એના વિશે ફક્ત સાંભળ્યું જ છે અને..”

વિદ્વાન કહે છે, “તો તમને ખરેખર એ ખબર નથી કે એ સાચું છે કે કેમ, તો હવે બીજું ગળણું અજમાવીએ. એ છે ભલમનસાઈ. મારા દોસ્ત વિશે તમે જે કહેવાના એ કાંઈક સારું ભલું થાય એવું છે?”

પેલો માણસ કહે, “ના, ઊલટાનું એ તો…”

અને અધવચ્યે જ અટકાવીને વિદ્વાન કહે છે, “તો તમે મને એના વિશે કાંઈક બુરું કહેવા માંગો છો, પરંતુ તમને ખાતરી નથી કે એ સાયું છે… અને હજુ એક ગળણું તો બાકી છે, ઉપયોગીતાનું ગળણું! તમે મારા મિત્ર માટે જે કહેવાના છો એ મારા માટે ઉપયોગી બનવાનું છે?”

“ના, એવું તો નથી.”

“વારુ” વાતનું સમાપન કરતાં વિદ્વાને કહ્યું, “તમે મને જે કહેવા ઈચ્છો છો એ ન તો સાચું છે કે નથી એ સારું. અને વળી એ ઉપયોગી પણ નથી, તો પછી એ વાત કરવાની જરૂર જ શું છે?”

ટ્રુથ, ગુડનેસ અને યુઝફુલનેસના આ ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટની અજમાયશ આપણે બધાએ કરવા જેવી છે. તમને શું લાગે છે?

[રાજુ અંધારિયા લિખિત “જસ્ટ એક મિનટ” માંથી સાભાર, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર]