કલા વાડાબંધીની બહાર

ગોવિંદ એસ. પટેલ તથા ડૉ. તૃપ્તિ સાકરીયા

| 1 Minute Read

નવાબ વાજિદ અલી શાહના શાહી દરબારમાં તબલાવાદક ઉસ્તાદ મોટુખાંનું ખૂબ મોટું નામ હતું. તેમના તબલાની થાપ પર કલા પારખુઓ ડોલી ઊઠતા હતા. ચારે દિશામાં તેમની ખ્યાતિ ફેલાયેલી હતી, પરંતુ મનને શાંતિ નહોતી.

તેઓ કોઈ એવા યોગ્ય શિષ્યની શોધમાં હતા જે તેમના તબલાવાદનની કલા પૂર્ણ રૂપથી ગ્રહણ કરી શકે અને તેમનો કલાવારસો જાળવી શકે.

ખૂબ લાંબી શોધને અંતે તેમને એક યોગ્ય શિષ્ય મળ્યો, જેને તેઓ પૂરી તન્મયતાથી પોતાની તબલાવાદનની કલા શીખવવા લાગ્યા. ઉસ્તાદ મોટુખાંના આ કાર્યનો કેટલાક સાંપ્રદાયિક માનસિકતાવાળા લોકોએ વિરોધ કર્યો. કારણ કે તેમનો શિષ્ય હિંદુ હતો, પરંતુ ઉસ્તાદ મોટુંખાંએ વિરોધની પરવા કર્યાં સિવાય પોતાના શિષ્યને તબલાવાદન શીખવવાનું ચાલુ રાખ્યું.

ઘણાં વર્ષો પછી તેમણે શાહી દરબારમાં પોતાના શિષ્યના તબલાવાદનનો કાર્યક્રમ રાખ્યો. શિષ્યના તબલાવાદનથી સૌને એમ લાગ્યું કે તબલાવાદન સ્વયં મોટુંખાં કરી રહ્યા છે. શિષ્યનું તબલાવાદન સમાપ્ત થયા બાદ મોટુખાં ઊભા થયા. તેમણે સૌને ઉદ્દેશીને કહ્યું કે, “હવે કોઈ કહી શકે છે કે આ તબલાવાદન હિંદુનું હતું કે મુસલમાનનું?” સૌ ચૂપ થઈ ગયા અને વિરોધ કરવાવાળાઓએ માથું ઝૂકાવી દીધું.

ઉસ્તાદ મોટુખાંએ કહ્યું, “કલા જ્યારે દિલમાંથી પ્રગટ થાય છે ત્યારે તમામ પ્રકારની વાડાબંધીથી પર થઈ જાય છે. કલા માત્ર કલા છે. તેને કોઈ પણ પ્રકારની વાડાબંધીમાં બાંધી ન શકાય.”

[સાભાર: “જીવન સુરભિ”, સંકલન અને સંપાદન: ગોવિંદ એસ. પટેલ તથા ડૉ. તૃપ્તિ સાકરીયા, પ્રકાશક: અરુણોદય પ્રકાશન]