કંકુમાં

ભાણદેવ

| 5 Minute Read

મારા કોલેજકાળ દરમિયાનની આ ઘટના છે.

ઉનાળું વેકેશન છે. મને વાંચનનો ખુબ શોખ છે. અમારા નાના ગામમાં પુસ્તકાલય નથી. બાજુના એક મોટા ગામમાં ગ્રામ પંચાયતનું એક પુસ્તકાલય છે. આ રજાઓ દરમિયાન હું અઠવાડિયામાં એકાદ વાર જઈને પુસ્તકોની આપલે કરી લેતો.

એક વાર સવારે આઠેક વાગ્યે પુસ્તકોની આપલે માટે હું નીકળ્યો. બંને ગામ વચ્ચે ત્રણ કિલોમિટરનું અંતર. હું ગ્રામ પંચાયતની ક્ચેરીએ પહોંચ્યો. ક્ચેરી બંધ હતી. હું ગ્રામ પંચાયતના મંત્રીને ઘેર ગયો. મંત્રીનાં પત્નીએ ઉત્તર આપ્યો, “એ તો વાડીએ ગયા છે.”

હું વાડીએ ગયો. મંત્રી સાહેબે મને વાડીએ બેસાડી રાખ્યો. આવતાં મોડું થયું. વાડીએથી મંત્રી સાહેબ ઘેર ગયા ત્યાં વળી વધુ મોડું થયું, અને આખરે ક્ચેરી બાર વાગ્યે ખુલી. પુસ્તકોની આપલેનું કામ તો ઝડપથી પુરું થયું. પણ પાછા વળતા ઘણું મોડું થયું. હું લગભગ સાડાબાર વાગ્યે મારા ઘેર આવવા નીકળ્યો.

કારમો ઉનાળો અને ધોમધખતો તાપ. મારા પગમાં ચંપલ પહેરેલા છે. ખભે પુરતકનો નાનો થેલો છે અને માથું ખુલ્લું છે. તડકો બહુ આકરો છે. હું સડસડાટ ચાલી રહ્યો છું. આજે ઘેર પહોંચતા મોડું થયું છે અને મારી મા ચિંતા કરતી હશે તેની ચિંતા પણ મનમાં ખરી. લગભગ અડધે રસ્તે પહોંચ્યો ને મારા ચંપલની પટ્ટી તુટી ગઈ. આવા ધોમધખતા તડકામાં મારે ખુલ્લે પગે ચાલવાનો વારો આવ્યો, કોઈક રીતે પટ્ટીને ગોઠવવાનો મેં પ્રયત્ન કરી જોયો, પણ તે શક્ય ન બન્યું. આખરે મેં ચંપલ હાથમાં લઈને ચાલવાનું શરૂ કર્યું. ધરતી એટલી ગરમ હતી કે પગે ફોડલા પડે તો નવાઈ નહિ. પણ બીજો ઉપાય શું ?

હું વીશેક ડગલાં આ રીતે ઉધાડે પગે ચાલ્યો હોઈશ અને મેં અવાજ સાંભળ્યો, “બેટા ! મને આ સુંડલો ચડાવીશ ?”

મેં અવાજની દિશામાં જોયું. રસ્તાની બાજુના ખેતરમાં પાળાની પાછળ એક ડોશીમા ઊભાં છે. બાજુમાં અડાયાંથી ભરેલો સુંડલો છે. હું તેમની પાસે ગયો. “અરે! ઓળખ્યાં, આ તો કંકુમા.”

મને ઉધાડે પગે ચાલતો જોઈને કંકુમા ત્વરાથી બોલી ઉઠ્યા: “પણ તું આવા તડકામાં ઉધાડે પગે કેમ ચાલે છે ?”

“મારા ચંપલની પટ્ટી તુટી ગઈ છે”, મેં કહ્યું.

કંકુમાએ પોતાના પગમાંથી ચંપલ કાઢીને મારી સામે મુકતાં કલ્યું, “લે, આ મારા ચંપલ પહેરી લે.”

“પણ પછી, તમે શું કરશો ?”

“હું ઉધાડે પગે ચાલીશ.”

“ના ના, તમે ઉઘાડે પગે શા માટે ચાલો ”

“અરે, આવા તડકામાં તારા પગ સસંડી જશે”

“પણ આવા તડકામાં તમારા પગ નહિ બળે?”

“મારા પગ ભલે બળે પણ તારા પગ બળે તે મારાથી નહિ જોવાય.” કંકુમા ગળગળાં થઈ ગયાં. થોડી વાર મારી સામે જોઈ રહ્યાં. પછી નીચા વળીને તેમણે પોતાના હાથથી જ ચંપલ મારા પગમાં પહેરાવી દીધાં.

મને લાગ્યું કે હવે જો હું નકાર કરીશ તો આ ડોશીમા રડી જ પડશે. મેં ચંપલ સ્વીકારી લીધાં.

થોડી વાર મારી સામે જોઈને કંકુમા વળી બોલ્યાં, “કેવો તડકો છે અને તમે ભણેલા છોકરાઓ માથે કાંઈ બાંધો પણ નહિ.”

કંકુમા પાસે જૂનાં ટુવાલનો એક ટુકડો છે અને પાણીની એક ભંભલી છે. ભંભલીમાંથી પાણી રેડીને તેમણે તે ટુકડાને થોડો ભીનો કર્યો અને તે મારા માથા પર મુકી દીધો. મેં તે પણ સ્વીકારી લીધો.

અડાયાનો સુંડલો મેં કંકુમાને માથે ચડાવ્યો. અમે બંને આગળ ચાલ્યાં. ગામ દોઢેક ક્લિોમિટર દુર છે. કંકુમા ધીમે ધીમે ચાલે છે. તેમની સાથે હું પણ ધીમે ધીમે ચાલું છું. અલક-મલકની વાતો કરતાં કરતાં આખરે અમો ગામના પાદરમાં પહોંચ્યાં.

ગામના પાદરમાં લીમડાનાં ઘેઘુર વૃક્ષો છે. અને છાયે ઊભાં રહ્યાં. મેં કંકુમાના ચંપલ અને તેમના ટુવાલનો ટુકડો તેમને પરત કર્યા. પગમાં ચંપલ પહેરતાં પહેરતાં કંકુમાએ મને શિખામણ આપી, “ઘેર પહોંચીને છાંટ લઈ લે જે અને તારી માને કહીશ નહિં કે તે મારા ચંપલ પહેર્યાતા.”

કંકુમા હરિજન છે. મેં તુરત જવાબ આપ્યો, “હું તો છાંટેય લેવાનો નથી અને હું તો મારી માને કહેવાને પણ ખરો.”

“ભલે બાપ ! જેવી તારી મોજ”. કંકુમા હરિજનવાસ તરફ વળ્યાં અને હું મારા ઘર તરફ.

મેં ખાદીના કપડાં પહેર્યાતાં, મારાં ચંપલ ગાંધી પટ્ટીના હતાં. મારા થેલામાં સત્યના પ્રયોગો (ગાંધીજીની આત્મકથા) હતી.

હું ગાંધીજીને વાંચું છું, વિયારું છું, પણ આ કંકુમાં તો ગાંધીજીને જીવે છે !

[ડો. દક્ષેશ ઠાકર સંપાદિત “નાનો માણસ મોટી વાત” માંથી સાભાર]

સમાજમાં જેને આપણે નાના માણસ તરીકે ઓળખીએ છીએ તેની દિલ દિલાવરીની વાત કહેતું પુસ્તક.

[પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ]