કાયદાનું પાલન
નીતિન પારેખ
રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેવા બદલ બ્રિટિશ હકૂમતે સ્વાતંત્ર્યસેનાની લાલબહાદુર શાસ્ત્રીની ધરપકડ કરી અને તેમને જેલમાં પૂર્યા.
થોડા દિવસ થયા કે ઘેરથી તેમની નાની પુત્રીના માંદગીના સમાચાર તેમને જેલમાં મળ્યા.
શાસ્રીજીએ જેલના મુખ્ય અધિકારીને આ વાત જણાવીને પોતાને પેરોલ પર છોડવાનું કહ્યું.
મુખ્ય જેલ-અધિકારીએ શાસ્ત્રીજીને કહ્યું, “તમારે એક બાંયધરી આપવી પડશે કે પેરોલના સમય દરમિયાન તમે કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેશો નહીં.”
“તમારા કાયદાનો ભંગ કરવામાં હું માનતો નથી. દેશના કોઈ પણ કાયદાને હું માન આપું છું. પણ એવું ગુલામીખત લખી આપવા કરતાં હું પેરોલ પર નહીં છૂટવાનું વધુ પસંદ કરૂં છું.”
મુખ્ય અધિકારીને શાસ્ત્રીજીના વચનપાલન માટે એટલો બધો વિશ્વાસ હતો કે શાસ્ત્રીજીએ લેખિત બાંયધરી ન આપી છતાં તેમને ૧૫ દિવસ માટે પેરોલ પર છોડવા તે તૈયાર થયો.
શાસ્ત્રીજી ઘેર પહોંચ્યા તો તેમને ખબર પડી કે થોડા સમય પહેલા જ તેમની દીકરી મૃત્યુ પામી ચૂકી છે ! એક પિતા તરીકે તેમણે પુત્રીના અંતિમ સંસ્કાર કર્યા પછી ઘરે આવીને કહ્યું, “હવે હું પાછો જેલમાં જાઉં છું.”
“પણ તમને તો પંદર દિવસની છુટ્ટી આપવામાં આવી છે ને !”
“હા, એ ખરું પણ એ છુટ્ટી દીકરીની સારવાર કરવા અને તેની પાસે રહેવા માટે અપાઈ છે. હવે જયારે દીકરી મરણ પામી છે ત્યારે એવી કોઈ જરૂર મારા માટે રહેતી નથી”, એટલું કહી લાલબહાદુર શાસ્ત્રી ઘેરથી ચાલી નીકળ્યાં.
[“જીવન ઉધાન” માંથી સાભાર, પ્રકાશક : નીતિનભાઈ પારેખ]