ખાલી થાવ

એઇલીન કેડી

| 3 Minute Read

તમે પરિવર્તન ઈચ્છો છો? શાંતિથી પોતાની જાત સાથે પ્રામાણિક રહી વિચારો. શું તમને આત્મસંતોષ અને પરિતૃત્તિનો અનુભવ થાય છે? શું તમને એવું થાય કે બીજા ભલે બદલાય, પણ હું જેમ છું તેમ બરાબર છું?

જો આ તમારો દષ્ટિકોણ હોય તો તેને બદલવાનો સમય આવી ગયો છે. ફક્ત દષ્ટિકોણ નહીં, સમસ્ત જીવનને બદલવાનો સમય આવી ગયો છે. એથી હવે કોઈ પણ બાબતથી જે તમને પૂરો સંતોષ આપતી હોય કે પછી સર્વોચ્ચ તરફ લઈ જતી હોય, તેના સિવાય કશું તમારી સાથે રાખતાં નહીં.

જેટલા તમે ખાલી હશો તેટલું વધારે સારું, કારણ કે તો જ તમારામાં નવાને આવવાની વધુ જગ્યા થશે. જ્યારે તમારી પાસે કંઈ નહીં રહે, તમે પૂરેપૂરા ખાલી થશો ત્યારે હું તમારામાં પ્રવેશ કરીશ. તમારી પાસે કંઈ રહ્યું નથી એવા વિચારથી નિરાશ ન થતા. મને પોકારો અને હું તમને મારું સામ્રાજ્ય આપી દઈશ. જેઓ મારી સહાય ઈચ્છે છે, મારું માર્ગદર્શન માગે છે, જેઓ નમ્ર છે અને સાચો પ્રેમ કરે છે તેમને હું મારું સર્વસ્વ આપું છું.

અન્ય પ્રેરક સૂચનો વાંચો:
👉 પ્રેમ કરો સાચા હૃદયથી
👉 દરેક બાબતે કૃતજ્ઞતા અનુભવો
👉 શ્રધ્ધાથી નાના મક્કમ પગલાં ભરો
👉 સર્વ શ્રેષ્ઠ શોધો
👉 ઝુકી ન પડો, બળવાન બનો


નોંધ: ઉપરનો લેખ એઇલીન કેડી લિખિત ‘ઓપનીંગ ડોર્સ વીધીન(Opening Doors Within)’ લેવામાં આવ્યો છે જે એક વાર્ષિક ડાયરી/રોજનીશી સ્વરૂપના પુસ્તકમાંનું એક પાનું છે.

પુસ્તકમાં તમારા રોજિંદા આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિ માટે સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં વ્યાવહારિક અને પ્રેરક માર્ગદર્શનનાં વિશેષ સૂચનોનો સંગ્રહ છે.

તમે ઇચ્છો તો દિવસની શરૂઆત તે દિવસ માટેનું સૂચન વાંચીને કરી શકો અને તે રીતે તમારા આવનારા દિવસ માટેનું સર્વાંગી માર્ગદર્શન મેળવી શકો કે પછી સવારે ચા-નાસ્તો કરતી વખતે પરિવારના સભ્યો વારાફરતી તેને વાંચે તેવું ગોઠવી શકો અથવા રોજ સવારના નિયમિત ધ્યાનના પાયા તરીકે જે તે દિવસના સૂચનનું વાચન કરી શકો અને રાત્રે વીતેલા દિવસનું મૂલ્યાંકન કરવા ફરી તે જ સૂચનની મદદ લઈ શકો.

તમે તમારી પસંદગી અને ઇચ્છા મુજબ આ સૂચનોનો ઉપયોગ ભલે કરો, પણ એ સૂચનોને તમારી ચેતના સાથે વણતા જાઓ. આજે, કાલે અને દરરોજ. આ વર્ષે, આવતા વર્ષે, હંમેશાં - જ્યાં સુધી તે સૂચનો તમારા અસ્તિત્વનો અંશ બની તમારામાં આત્મસાત્‌ ન બની જાય. જ્યાં સુધી તે અંતરના દ્વાર ખોલવાનું મૌન, મૃદુ અને પ્રેમપૂર્ણ કાર્ય પૂરું ન કરી લે ત્યાં સુધી.

[ભાવાનુવાદ : ઉઘડયાં દ્રાર અંતરના - સોનલ પરીખ, પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., ખાનપુર, અમદાવાદ]