ખચ્ચર અને ખેડૂત

રાજ ભાસ્કર

| 2 Minute Read

એક ખેડૂત હતો. એના ઘર સામે એક કૂવો હતો. કૂવો સૂક્કો ભઠ્ઠ હતો. વર્ષોથી એમાં પાણી જ નહોતું આવતું. ખાલી ખોટી જગા રોકીને પડ્યો હતો.

એવી જ રીતે એ ખેડૂત પાસે એક ખચ્ચર પણ હતું. એ સાવ ઘરડું થઈ ગયું હતું. કાંઈ કામમાં ઉપયોગી થતું નહોતું છતાં એને સાચવવું પડતું હતું.

એક દિવસ એ ખચ્ચર પેલા કૂવામાં પડી ગયું. ખેડૂતે એની ચીસો સાંભળી. થોડીવાર એને દયા પણ આવી પણ પછી એણે વિચાર્યું કે આમેય કૂવો અને ખચ્ચર મારે કોઈ કામ તો આવતા નથી. એને બચાવવા વ્યર્થ મુશ્કેલી શું કરવા લેવી જોઈએ? એ કરતા તો માટીથી કૂવો ભરી દઉ એટલે બંનેથી છુટકારો મળે.

ખેડૂતે વિચારને અમલમાં મૂક્યો. એ પાદરેથી તગારું ભરીને રેતી લાવવા માંડ્યો અને કુવામાં નાખવા લાગ્યો.

ઉપરથી રેતી પડતી જોઈ પહેલાં તો ખચ્ચર તોફાને ચડ્યું. પછી એને એક યુક્તિ સુઝી. ઉપરથી ખેડૂત તગારું ભરીને રેતી એની પીઠ પર નાખતો કે તરત જ ખચ્ચર એને ખંખેરી નાખતું. પીઠ પરથી સરકીને રેતી નીચે પડતી અને ખચ્ચર એના પર ઊભું રહી જતું. ખેડૂત ફરીવાર રેતી નાખતો અને ફરી ખચ્ચર એને ખંખેરીને એની ઉપર ચડી જતું. આમ ને આમ ચાલ્યા કર્યું. ખેડૂત એની ધૂનમાં રેતી નાખતો જતો હતો. એને ખબર નહોતી કે ધીમે ધીમે ખચ્ચર ઉપર આવી રહયું છે. આખરે આખો કૂવો રેતીથી ભરાઈ ગયો અને ખચ્ચર એકદમ ઉપર આવી ગયું. ઉપર આવતા જ એ કૂદીને બહાર નીકળી ગયું અને એના રસ્તે ચાલ્યું ગયું. આમ એને દાટી દેવા માટે વાપરેલી વસ્તુ જ એની તારણહાર બની.

આમ આપણા જીવનમાં પણ આવું જ બને છે. આપણા માથે પડતી આફતોથી આપણે ગભરાઈ જઈએ છીએ અને જીવન ખતમ કરી નાખીએ છીએ. પણ જો આપણે આફતોને ખંખેરી નાખતા શીખીશું તો જીવન બચી જશે.

જીવન કમળનાં પાંદડાં પર રહેલાં ઝાકળ જેવું હોય છે.

[સાભાર : જીવન-જલસાની જનમટીપ, લેખક : રાજ ભાસ્કર, પ્રકાશક : પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ]