કોણ ગુમાવે છે? નિવૃત થનાર કે નિવૃત કરનાર?

ભદ્રાયુ વચ્છરાજાની

| 7 Minute Read

કેટલાક શબ્દો વિચિત્ર હોય છે. તેનો જે અર્થ થતો હોય તે વાસ્તવમાં હોય નહિં.

રાજીનામું આપનાર કદી રાજી થઈને રાજીનામું નથી લખતો!

સ્વૈચ્છિક નિવૃત્તિ માંગનારની સ્વ ઈચ્છા ઘણી વાર પર ના વ્યવહારને લઈને હોય છે.

પોતે જ્યાં નોકરી કરે છે ત્યાં તેને કામ કરવા દેવા ઘણાય રાજી ન હોય એટલે કર્મયારી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા હોય છે.

કર્મયારીના ચાર પ્રકારઃ

(૧) કામ કરનારા
(૨) કામ કરનારા અને બીજાને કામમાં હોશે હોંશે જોડનારા
(૩) કામ ન કરનારા
(૪) કામ ન કરનારા અને બીજાને કામ ન કરવા દેનાર.

આપણાં રાજ્યમાં કે દેશમાં જે કાંઈ સારું છે તે પહેલાં બે પ્રકારને લઈને અને જે બધું નખ્ખોદિયું છે તે છેલ્લાં બે પ્રકારને લઈને… આજનો માહોલ પ્રદુષિત છે કારણ કે, આ ત્રીજા અને ચોથા પ્રકારના કર્મચારીઓની સંખ્યા વધતી જાય છે. અતિ વિપરિત અને પીડાદાયક વાત તો એ છે કે આ લોકો ઓફિસોમાં નેતૃત્વ કરે છે અથવા પદાધિકારીની ચાપલુસી કરે છે. ત્રાસ તો ત્યારે થાય છે જ્યારે આ ત્રીજા, ચોથા પ્રકારના લોકોનાં રાજકીય દાવપેચ ને લઈને કર્મયારીઓ “રણછોડરાય” થવાનું વિચારે છે. કામચોરી અને ટાંટિયા ખેંચમાં રચ્યાપચ્યા રહેતા કર્મયારીઓથી છુટવા કામઢા અને વર્ક-કલ્ચર ઘડનારાઓ સ્વૈચ્છિક નિવૃત લે છે! આમાં કોણ ગુમાવે છે? નિવૃત્ત થનાર કે નિવૃત્ત કરનાર?

નારાયણસ્વામી એનું નામ. એસ.એસ.સી.માં બોર્ડ પ્રથમ. યુનિવર્સિટીની અંતિમ પરીક્ષામાં પ્રથમ. આઈ.આઈ.ટી. એન્ટ્રાન્સ એક્ઝામમાં પ્રથમ. ઓલ ઈન્ડિયા આઈ.આઈ.ટી કોમ્પ્યુટર સાયન્સમાં પ્રથમ. આઈ.એ.એસ. એન્ટ્રન્સ એક્ઝામમાં પ્રથમ. આઈ.એ.એસ. ટ્રેનિંગ ઈન્સ્ટીટયુટમાં આખરી પરીક્ષામાં પ્રથમ! જીવનની દરેક પરીક્ષામાં પહેલા નંબરે જ રહેનાર નારાયણસ્વામી નૈતિકતા અને દેશદાઝમાં પણ અવ્વલ. આઈ.આઈ.ટી. ચેન્નાઈથી પાસ કરી કે તરત જ વિશ્વની પ્રખ્યાત માસિચ્યુસેટ ઈન્સ્ટીટયુર ઓફ ટેકનોલોજી (MIT) એ અમેરીકા આવી જવા માટે પ્રતિષ્ઠિત સ્કોલરશીપ ઓફર કરી. નારાયણસ્વામીએ વિચાર્યું કેઃ હું મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવું છું. મને આ દેશે ભણાવ્યો-ગણાવ્યો. આ દેશના ગરીબ લોકોના પૈસામાંથી હું આટલો આગળ વધ્યો. ગરીબોએ કાપડ ખરીધું, ડીઝલ ખરીધું, બસમાં મુસાફરી કરી અને ઘણું બઘું કર્યું તેમાંથી કસ્ટમ- એક્સાઈઝ - સેલ્સટેક્સ સરકારને રળવા મળ્યું ! એ પૈસામાંથી દેશે મને ભણાવ્યો હવે હું ભણી ગણીને અમેરિકા જતો રહું? મારા દેશનું શું? હું આઈ.એ.એસ. થઈશ અને મારા દેશના નાનામાં નાના માણસ માટે નક્કર કામ કરીશ. તમે તેજસ્વીતા અને સિદ્ધિમાં ટોચ પર હો ત્યારે અને તમે જુવાન હો ત્યારે અમેરિકાની આવી ઓફર ઠુકરાવી શકો ખરા? નારાયણસ્વામીએ ઠુકરાવી. તેને આઈ.એ.એસ. થઈને કાળાં નાણાંના લોકર્સ નહોતાં ભરવાં તેને તો છેવાડાના દેશ બાંધવા માટે કંઈક કરી છૂટવું હતું.

પણ આજે આઈ.એ.એસ. તરીકેની દસ વર્ષની અતિ પ્રભાવક કારકિર્દિ પછી નારાયણસ્વામીને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની ફરજ પડી છે. એમની નિવૃત્તિ સ્વૈચ્છિક કહેવાશે, પણ ગણાશે તો પર-ઐચ્છિક…. Forced voluntary retirement…!

એક રીઅલ એસ્ટેટ એજન્ટ ગેરકાયદેસર રીતે ચોખામું પાણી ભર્યું તળાવ પૂરી દેવા લાગ્યો. નારાણસ્વામી સબ-ક્લેકટર હતા. આ ખેત-તળાવડી ભરી દેવા માટે કાયદામાંથી મુક્તિ આપવાની અરજી તેમની પાસે આવી. નારાયણસ્વામી ખુદ સ્થળ પર ગયા. સ્થિતિ જોઈ. આજુબાજુના સાંઠ ગરીબ કુટુંબોને મળ્યા. તેમણે જાણ્યું કે આ તળાવ પૂરી દેવાથી તો આ ગરીબ કુટુંબોના નિવાસ પાસે બાજુની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજનું ગંદું પાણી જમા થઈ જશે. વોટર લોગીંગ થતાં અનેક પ્રશ્રો થશે, ગ્રામ આરોગ્યને અસર થશે. રીયલ એસ્ટેટ એજન્ટની અરજી મંજુર કરવા માટે નારાયણસ્વામી પર રાજકારણીઓનું ભારે દબાણ આવ્યું. નારાયણસ્વામીએ અરજી ફગાવી દીધી અને રાજકીય ગુંડાઓ સાથે પહેલું એન્કાઉન્ટર ખેલ્યું! નારાયણસ્વામીનાં લગ્ન પછી તરત જ તેનાં સસરાએ પોતાનાં બંગલાની બાજુના પ્લોટમાં દીવાલ ચણી લઈ જાહેર રસ્તો બંધ કરી દીધો. લોકોએ તરત નારાયણસ્વામીને મળી ફરિયાદ કરી. પોતાનાં સસરાને મળી દીવાલ દુર કરવા કહ્યું છતાં તેમ ન થતાં નારાયણસ્વામીએ દીવાલ તોડાવી નાખી. આ કામ પુરૂં થયું અને તેનાં લગ્ન તૂટયાં !

જિલ્લા ક્લેકટર તરીકે દારૂના મહારથી પર દરોડો પાડયો. સરકારી કરના અગિયાર કરોડ ન ભરવા બદલ તેમણે બધો જ જથ્થો જપ્ત કર્યો. ત્યાંના પ્રધાને ખુદે નારાયણસ્વામીને ફોન કરી બધો જ માલ પાછો આપવા હુકમ કર્યો, ક્લેકટરે પ્રધાનને વિનમ્રતાથી કહ્યું કે : એ તો નહીં બને ! પ્રધાનજીએ જોઈ લેવાની ધમકી ઉચ્ચારી ! ત્યાં એવી પ્રેકિટસ હતી કે ગરીબ ખેડુતો માટે માટીના ચેકડેમ જેવા પાળા બાંધવામાં આવે. રુપિયા આઠ કરોડનું બિલ નારાયણરસ્વામી પાસે આવ્યું. તેમણે સ્થળ પર જઈ ચકાસણી કરી તો તે સાવ જ કાચા હતા. એમણે કહ્યું કે એક વરસાદ આવી જાય પછી જે પાળા ઉભા હશે તેના રૂપિયા ચૂકવાશે. પહેલા જ વરસાદે બધુ નેસ્તનાબૂદ થયું! લોકોના આઠ કરોડ બચી ગયા. પણ તેના દુશ્મનો વધી ગયા. રાજકારણીઓની ચાલ મુજબ આ શક્તિશાળી આઈ.એ.એસ. અધિકારીને શાળાઓ માટેના કવોલિટી ઇમ્પૃવમેન્ટ પ્રોગ્રામના સ્ટેટ કો-ઓર્ડિનેટર તરીકે મુકી દેવામાં આવ્યા, જયાં એમણે કશું જ કરવાનું ન હોય ! કાર્યશક્તિના ધસમસતા પ્રવાહને અચાનક સ્વીચ ઓફ કરી રોકી દેવામાં આવ્યો ! નારાયણસ્વામીએ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જવાના પ્રયાસો કર્યા જેને ખંધા રાજકારણીઓએ નાકામયાબ કર્યાં. આવી પરિસ્થિતિમાં કોઈ કામ કરનારો અને દેશનું હિત જોનારો માણસ શું કરે? બેસ્ટ કોમ્પ્યુટર બ્રિલિયન્ટ કેરિયર ધરાવનાર દેશનો હોનહાર અફસર શું પડયો પડયો સડી જાય?… ના તે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે આગળ વધે.

યુનાઈટેડ નેશન્સનું એક એસાઈન્મેન્ટ નારણસ્વામીને ઓફર થયું. તે આઈ.એ.એસ. છોડી પેરિસ જઈ રહ્યા છે. કહેવાની જરૂર છે કે નારાયણસ્વામીને અહીં કરતાં અનેક-ગણું મોટું આર્થિક પેકેજ આપવામાં આવ્યું છે અને ઉપરાંતમાં એકદમ હકારાત્મક-સર્જનાત્મક વર્ક એન્વાયરમેન્ટ પણ ! દેશ નારાયણસ્વામીને ગુમાવશે, પણ આ દેશના ગરીબ નાગરિકો તો તેના નારાયણ અને તેના સ્વામીને ગુમાવશે, તેનું શું? આઈ.આઈ.ટી. ટોપર જાહેર થવાથી અમેરિકાની એમ.આઈ.ટી.ની સ્કોલરશીપને ના પાડનાર નારાયણસ્વામી દેશ છોડી પેરિસ જાય છે. આમાં જવાબદાર કોણ? કોણ ગુમાવે છે? નિવૃત થનાર કે નિવૃત કરનાર?

દુનિયા આવતાં સો વર્ષે જેના વિષે પ્રશ્રાર્થો કરશે તેવા વિચારક ઓશોની વાત કેટલી સાચી છે. લઘુતા ન અનુભવવી હોય તો બે રસ્તા છે: એક તો તમે શ્રેષ્ઠ બની જાવ. પણ તે રસ્તો ખૂબ લાંબો અને કઠિન તેમજ જોખમી છે, કારણકે તમારે તે માર્ગે એકલા જ ચાલવું પડશે. બીજો અને વધુ સરળ રસ્તો એ છે કે શ્રેષ્ઠ વ્યક્તિને નષ્ટ કરી દો. આમ કરવાથી ટોળામાંના તમામ માણસો સમાન થઈ જશે. કોઈ ઊંચ નહી, કોઈ નીચ નહીં બધા જ શઠ, ઠગ અને પોત પોતાની રીતે ગુનેગારો હશે. બધા જ ઈર્ષાળુ તેમજ મહત્વાકાંક્ષી હશે. એ બધા એક જ નૌકામાં સવાર હશે અને એકબીજાની ભાષા પણ સમજતા હશે. સત્ય, ઈશ્વર વિશે કોઈ કશી લપ્પન છપ્પન કરતું નહીં હોય. પહાડની નજીક જવાથી પોતે સાવ કીડી જેવા તુચ્છ દેખાય એવું કોને ગમે?

[સાભાર : સમયની આરપાર, લેખક: ભદ્રાયુ વચ્છરાજાની, ફુલછાબ દૈનિક]