ક્રોધ અને દ્વેષ

ભાણદેવ

| 10 Minute Read

દરેક માનવમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની એક સહજ અને અતિ પ્રબળ પ્રેરણા હોય છે. પોતાની સલામતીની ખેવના સૌ માનવના ચિત્તમાં પડેલી હોય જ છે અને તેના વર્તનમાં પણ તે સતત વ્યક્ત થયા કરે છે. આ અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રેરણા સાથે જ તેની સાથે સંલગ્ન ભય પણ હોય જ છે. પોતાના અસ્તિત્વની સામે કોઈ જોખમ આવશે તો? - એવો ભય પણ તેની સાથે હોય જ છે. કારણ કે સલામતીની ઈચ્છા અને અસલામતીનો ભય બંને એક સિક્કાની બે બાજુ છે.

જયારે માનવીની સલામતી સામે જોખમ ઊભું થાય, જ્યારે પોતાના અસ્તિત્વ સામે પડકાર ઊભો થાય ત્યારે પોતાના રક્ષણ માટે તેના ચિત્તમાં એક આવેગ આવે છે. આ આવેગ જે નિમિત્તથી અસલામતી ઊભી થઈ હોય તેને નષ્ટ કરવા, તેને ઈજા કરવા કે તેને દુર કરવા ઉધત થાય છે આ આવેગ તે જ ક્રોધ.

ક્રોધના પાયામાં જે તત્વ છે તેના બે સ્વરૂપો છે - સલામતીની ઈચ્છા અને અસલામતીનો ભય.

એક પ્રાણીનું અસ્તિત્વ જ્યારે જોખમમાં મૂકાય ત્યારે તે સામે પ્રહાર કરવા ઉધત થઈ જાય છે. પોતાની સલામતી માટે તે આમ કરે છે. સામો પ્રહાર કરવા માટેનો તેનો જે આવેગ છે તે જ ક્રોધ છે. આમ ક્રોધ એક પ્રકારની પ્રાકૃતિક બચાવ પ્રયુક્તિ છે. પ્રાણી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તે માટે પ્રકૃતિ દ્વારા થયેલી એક યોજના છે અને તે જ બચાવ પ્રયુક્તિ માનવ ચિત્તમાં પણ વારસા-સ્વરૂપે ઉતરી આવી છે. પરંતુ જે આવેગ અને આવેગજન્ય વ્યવહાર એક પશુ માટે ઉચિત અને સુસંગત હોય તે જ આવેગ અને આવેગજન્ય વ્યવહાર માનવ માટે અનુચિત,અસંગત અને સમસ્યારૂપ તથા અનેક સમસ્યાઓના કારણરૂપ હોઈ શકે છે. કારણકે માનવ પશુ નથી. પશુ માત્ર પ્રાકૃતિક જીવન જીવે છે. જ્યારે માનવ સુસંસ્કૃત જીવ છે. માનવ પ્રકૃતિના પરિબળો અતિક્રમીને વિક્સેલો જીવ છે. એક સિંહ માટે ક્રોધમુક્તિનો કોઈ ઉપાય નથી, તેની પાસેથી એવી અપેક્ષા પણ નથી. પરંતુ માનવમાં સ્વજાગૃતિનું તત્વ છે, વિવેક છે તેથી તેની જવાબદારી પણ વિશેષ છે. એક પશુ તેની પાશવિક વૃત્તિ પ્રમાણે વર્તે તો તે માટે તેને દોષિતગણી શકાય નહિ. પરંતુ માનવ પાશવિક વૃત્તિ અને આવેગ પ્રમાણે વર્તે તો તેના માનવીય ગૌરવ માટે શોભાસ્પદ નથી. ક્રોધ મુલત:પાશવિક આવેગ છે. ક્રોધ મૂલત:પશુપ્રવૃત્તિ છે. કારણ કે તે માનવને પશુ તરફથી મળલો વારસો છે.

ક્રોધનો આવેગ મુળભૂત રીતે ઘણો નાનો હોવા છતાં માનવચિત્તમાં વધુ વકરે છે તેના ચાર કારણ છે.

(૧) ક્રોધના પાયામાં વૃત્તિ છે,ઈચ્છા છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે - ક્રામાતક્રોરોઘોડભિજાયતે! ઈચ્છામાંથી ક્રોધ જન્મે છે. માનવચિત્તમાં ઈચ્છાનું સ્વરૂપ અટપટું બની ગયું છે. માનવચિત્તમાં ઈચ્છા તેના મૂળ પ્રાકૃતિક સ્વરૂપમાં રહી નથી. જ્યારે ઈચ્છાનું સ્વરૂપ અસ્વાભાવિક બને ત્યારે તેની સાથે સંલગ્ન આવેગ ક્રોધનું સ્વરૂપ પણ અસ્વાભાવિક બને તે સમજી શકાય તેમ છે. આ રીતે માનવીનો ક્રોધ પશુના ક્રોધ જેવો સહજ-સરલ રહ્યો નથી પણ ઘણો અટપટો બની ગયો છે.

(૨) માનવીનો ક્રોધ મર્યાદા બહાર જાય છે તેનું કારણ ભય છે. એક પશુમાં પણ ક્રોધના આવેગની પાછળ ભય તો હોય જ છે, પરંતુ પશુનો ભય સહજ, સરલ અને પ્રાકૃતિક છે. જ્યારે માનવીનો ભય ઘણો ઊંડો, ઘણો વ્યાપક અને ઘણો અટપટો હોય છે. ભયના અસ્વાભાવિક સ્વરૂને કારણે ભય સાથે જોડાયેલો ક્રોધ પણ અસ્વાભાવિક સ્વરૂપ ધારણ કરે છે. એક પશુ ક્રોધાવિષ્ટ થયા પછી બીજી જ ક્ષણે તેમાંથી બહાર આવી જાય છે. પરંતુ માનવીનો ક્રોધ ઘણા લાંબા સમય સુધી ટકી શકે છે. આ તેના ક્રોધનું અસ્વાભાવિક સ્વરૂપ છે.

(૩) મનોવૈજ્ઞાનિકોનો મત છે કે દમિત કામવાસનાને પરિણામે માનવના વર્તનમાં વિકૃતિઓ જન્મે છે. આમાંની એક વિકૃતિ છે - અતિ ક્રોધ. જયારે ક્રોધ આવું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેનું સ્વરૂપ ઘણું વકરેલું હોય છે.

(૪) માનવ સમાજમાં રહે છે. સામાજિક વાતાવરણ કે સંજોગોને કારણે તે પોતાના ક્રોધને દરેક વખતે વ્યક્ત કરી શક્તો નથી. આવા પ્રસંગે જો વિસર્જનની આવડત, જાગૃતિ કે વિવેક તેનામાં ન હોયતો તેને પોતાના ક્રોધનું દમન કરવું પડેછે. જે દમિત ક્રોધ અજાગૃત મનમાં ચાલ્યો જાય છે અને ત્યાં રહ્યાં રહ્યાં વર્તનને પ્રભાવિત કરે છે.દમિત ક્રોધ વધુ વિકૃત સ્વરૂપ ધારણ કરે છે. કેટલાક માણસો નાના સરખા કારણસર અતિ ક્રોધ અનુભવતા હોય છે. તેનું કારણ તેનો દમિત ક્રોધ હોય છે. દમિત ક્રોધ કોઈ પણ નિમિત્તે બહાર આવવાની રાહ જોઈને બેઠો હોય છે અને નાનું સરખું નિમિત્ત મળતા ભભૂકી ઊઠે છે. નાના કારણસર ઘણો ક્રોધ અનુભવાય છે તેનું કારણ એ છે કે તેમાં ભુતકાળનો દમિત ક્રોધ પણ ભળી જાય છે.

ક્રોધ માનવ-વ્યવહારમાં વ્યક્ત થતી પશુતા છે. ક્રોધને પરિણામે ભયંકર યુદ્ધો થયા છે, કોધને પરિણામે અનેક પરિવારો ખેદાનમેદાન થયા છે અને ક્રોધને કારણે અગણિત ખૂનો અને મારામારી થઈ રહ્યા છે. ક્રોધના પરિણામો સર્વવિદિત છે અને છતાં તેની અવગણના થઈ શકે તેમ નથી.

ક્રોધનો જ એક બંધુ છે - દ્વેષ. ભગવાન પતંજલિ યોગસુત્રમાં દ્રેષની વ્યાખ્યા આપે છે - દુઃખાનુશયી દ્વેષ : દુઃખને પરિણામે જે આવે છે તે દ્વેષ છે.

સુખને પરિણામે સુખદ પરિસ્થિતિ તરફ રાગ જન્મે છે અને દુ:ખને પરિણામે દુ:ખદ પરિસ્થિતિ તરફ દ્વેષ જન્મે છે. જેના પ્રત્યે રાગ હોય તેનો પુનઃ પુન: સંયોગ આપણે ઈચ્છીએ છીએ અને જેના પ્રત્યે દ્વેષ હોય તેને દુર રાખવા કે દુર કરવા આપણે ઈચ્છીએ છીએ. દુ:ખદાયી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિરોધીભાવ ઊભો થાય છે આ ભાવને દ્વેષ કહે છે.

દ્વેષના પાયામાં ક્રોધ છે. કોધ એક આવેગ છે. આ આવેગ જ્યારે સ્થિર સ્વરૂપ ધારણ કરે, સ્થિરભાવ બને ત્યારે તે દ્વેષનું રૂપ લે છે. ક્રોધ સતત રહેતો નથી તે આવે છે અને જાય છે, તેમાં ચડઊતર આવે છે. પણ દ્વેષ સતત રહી શકે છે કારણ કે તે સ્વરૂપે જ સ્થિરભાવ છે.

જેના પ્રત્યે દ્વેષ હોય તેનો નાશ કરવાની, તેને નુકશાન કરવાની, તેને દુર કરવાની કે તેનાથી દુર રહેવાની વૃત્તિ માનવના ચિત્તમાં અને પરિણામે વર્તનમાં હોય છે. આ બધા ક્રોધના જ લક્ષણો છે, કારણ કે દ્વેષ મૂલતઃ ક્રોધનું રૂપ છે. ક્રોધ અગ્નિની જવાળા જેવો છે, જ્યારે દ્વેષ અગ્નિના અંગારા છે. અંગારામાંથી ગમે ત્યારે જવાળા ભભૂકી ઊઠે છે. તેમ દ્વેષમાંથી ગમે ત્યારે ક્રોધ ઊભો થઈ શકે છે. તે જ રીતે જેમ શાંત થયેલી અગ્નિજવાળા પાછળ અંગારા રહે છે. ક્રોધ વ્યક્ત સ્વરૂપ છે દ્વેષ અવ્યક્ત સ્વરૂપ છે. ક્રોધ પ્રગટ સ્વરૂપે છે. દ્વેષ ગુપ્ત અને અપ્રગટ રહી શકે છે. મનમાં દ્વેષ હોય અને બહારથી પ્રેમનો દેખાવ માણસ કરી શકે છે.પરંતુ જ્યારે આ દ્વેષ ક્રોધનું સ્વરૂપ ધારણ કરી બહાર આવે છે ત્યારે છતો થઈ જાય છે.

દુર્યોધનના પાંડવો પ્રત્યેના દ્વેષમાંથી મહાભારતનું યુદ્ધ પ્રગટયું અને આવાં અનેક યુદ્ધો દ્વેષમાંથી જન્મ્યા છે. દ્વેષાગ્નિની જવાળામાં જેના પ્રત્યે દ્વેષ હોય છે તે તો બળી જાય છે, પરંતુ જેના ચિત્તમાં તે જવાળા હોય છે તે પણ બળી જાય છે, કારણ કે અગ્નિ તો સ્પર્શ કરનાર સૌને બાળે જ છે.

આ દુઃખમયતા જ પ્રાણીને ભયસ્વરૂપ પરિસ્થિમાંથી મુક્ત થવાની પ્રેરણા એને આપે છે.ભય અને ભયનું દુ:ખમય સ્વરૂપ એક ચેતવણી છે,પરિવર્તન માટેનો પ્રાકૃતિક પુકાર છે. તેથી ભય અને ભયની દુઃખમયતા હરણ માટે બરાબર છે તે સમજી અને સ્વીકારી શકાય તેવી હકીકત છે પરંતુ હરણ માટે જે બરાબર હોય તે માનવી માટે બરાબર નથી, અસંગત છે.

હરણમાં રહેલો ભય તેના મૂળરવરૂપમાં છે. તેનો ભય સરળ, સ્વાભાવિક અને પ્રાકૃતિ સ્વરૂપનો છે, તેથી તે સમસ્યારૂપનો નથી. માનવીનો ભય સરળ, સ્વાભાવિક અને પ્રાકૃતિક સ્વરૂપનો નથી. માનવીના ભયના અનેક સૂક્ષ્મ અને ચિત્રવિચિત્ર સ્વરૂપો છે. ભયનાં આ અટપટાં સ્વરૂપો માનવીના દુઃખનાં કારણો બને છે.

ભયનાં આ અનેકવિધ અટપટાં સ્વરૂપો વિશે સામાન્યત : માનવી જાગ્રત પણ હોતો નથી, તેને ભયનું પરિણામ દુ:ખ અનુભવાય છે, પણ તેને દુઃખ ના ઉપાદાન-કારણરૂપ ચિત્તમાં રહેલા અજાગ્રત ભયની જાણ અને ઓળખ ભાગ્યે જ હોય છે. આ બેભાનપણાને કારણે દુઃખની સમસ્યા વધુ કઠિન બને છે.

આના પરથી એટલું ફલિત થાય છે કે ભયમુક્તિનો માર્ગ દુ:ખમુક્તિનો માર્ગ છે. એટલે હવે આપણી સમક્ષ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભયમુક્ત થવાનો ઉપાય શો છે. ભયમુક્તિના બે સહજ સરળ ઉપાયો છે. આ બંને ઉપાયો વૈકલ્પિક નથી પણ પરસ્પર પૂરક છે.

૧. કોઈ પણ માનસિક ક્રિયા અસંગત છે, તેવી સમજથી તેના વિસર્જનનો પ્રારંભ થાય છે. ભય આપણને પશુસૃષ્ટિ તરફથી મળેલો વારસો છે. ઉત્કાંતિના એક તબક્કે તેનું મૂલ્ય હતું પરંતુ હવે અસંગત અને અનાવશ્યક માનસિક ક્રિયા છે. આવી સ્પષ્ટ સમજ વ્યક્તિના ચિત્તમાં પ્રગટે તો તે ભયમુક્તિનો પ્રારંભ છે.

૨.ભય અને ભયનાં અનેકવિધ સ્વરૂપો પ્રત્યે જાગૃતિ અને જાગૃતિમાંથી નિપજતી સમજ ભયમુક્તિનો રાજમાર્ગ છે. મનની ગૂંચો સમજના અભાવમાં જન્મે છે અને સમજથી તેમનું નિરાકરણ થાય છે.

ભય પ્રત્યે જાગૃતિ અને ભય વિશેની સમજ વિક્સે છે તેમ-તેમ ભયની પકડ ઢીલી થતી જાય અને અભયમાંથી જે શાંતિ અને પ્રસન્નતા પ્રગટે છે તે તો માણે તે જાણે અને જાણે તે માણે !

[ભાણદેવ લિખિત “નિત્યજીવનનું દર્શન” માંથી સાભાર]