કુદરતી સંપત્તિ પર સૌનો હક

ઉમાશંકર જોષી

| 1 Minute Read

ગાંધીજી સવારે વહેલા ઊઠે, ઊઠીને મોં ધોવાનું અને દાતણ કરવાનું તે માટે પાણીની નાની લોટી અને પિકદાની પથારી પાસે જ રાખેલાં હોય તે વડે ત્યાં જ પતાવે.

મોહનલાલ પંડ્યા કહે : “બાપુ, પાણીનો તોટો છે ? આ સાબરમતી વહી જાય છે. પાણીની કરકસર શું કરવા કરતા હશો?”

ગાંધીજીએ એમને સામેથી પૂછ્યું: “મારું મોં તમને બરાબર સાફ થયેલું લાગે છે કે નહીં એ કહોને!”

પંડ્યાજી કહે : “એતો છે જને!”

ગાંધીજી : “તો પછી વાંધો કયાં છે ? તમે લોટેલોટા પાણી વાપરો છો, પણ પલળેલા હાથ વડે મોં પર પાણી ચોપડો છો. હું પાણી વડે મોં બરોબર સાફ કરૂં છું. આટલું પાણી પૂરતું છે.”

પંડ્યાજી : “પણ નદીમાં આટઆટલું પાણી છે, ને…”

ગાંધીજી : “નદીનું પાણી કોને માટે છે ? મારા એકલા માટે છે?”

પંડ્યાજી : “સૌને માટે છે. આપણે માટે પણ છે….”

ગાંધીજી : “બરોબર, નદીનું પાણી સૌ પશુ, પંખી, માણસ, જીવજંતુ સૌને માટે છે. મારા એકલા માટે નથી. મારા ખપ પુરતું જરૂર લઉં. પણ વધારે લેવાનો મને હક નથી. સહિયારી મિલક્તમાં ખપ કરતાં વધારે આપણાથી લેવાય?”

[સાભાર : ઉમાશંકર જોષી લિખિત “ગાંધી કથા” માંથી સાભાર, પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ]