લાલબહાદુર શાસ્ત્રીનું સાદગીભર્યું જીવન

નિલેશ મહેતા

| 2 Minute Read

વડાપ્રધાન શ્રી લાલબહાદુરના જીવનમાં બચપણથી જ સાદાઈ ગુણનું આરોપણ થયું હતું. એમના શાળા જીવનમાં પણ એમની સાદાઈ પ્રત્યેની લાગણી અદ્ભૂત હતી.

તેઓ ધીમે-ધીમે રાજકારણમાં આગળ વધતાં રહ્યાં અને કેન્દ્રના પ્રધાનમંડળમાં પ્રધાન બન્યા ત્યારે પણ એમની સાદાઈ એવી ને એવી રહી હતી.

તેઓ પ્રધાન બન્યા ત્યારે તેમને સરકારી ફર્નિચર મળ્યું હતું. એમાં એક સોફાનો પણ સમાવેશ થયો હતો. આ સોફો તેમણે ઘરમાં મુલાકાતીઓ માટેના એક ઓરડામાં મૂક્યો હતો.

પણ સમય જતાં સોફનું કવર ઘસાતું ગયું અને એક સમય એવો પણ આવ્યો કે સોફાનું કવર સાવ ફાટી ગયું.

તેમની પત્નીને આ ગમતું નહોતું. તેમને મનમાં થતું કે આવો ફાટેલા કવરવાળો સોફો મુલાકાતીઓ માટેના ઓરડામાં હોય તે સારું ગણાય નહિ, નવું કવર લાવવું જ જોઈએ.

એક દિવસ લાલબહાદુર શાસ્રીજી પોતાના કાર્યાલયમાં કામ પતાવીને ઘર તરફ પાછા ફર્યા કે તેમની પત્નીએ કહ્યું, “સોફાનું કવર સાવ ઘસાઈને ફાટી ગયું છે. તમે જાણો છો ને?”

“હા,પણ તેથી શું ?” જાણે કશું જ ન બન્યું હોય એ રીતે લાલબહાદુર શાસ્ત્રીજીએ પત્નીને જવાબ આપ્યો.

“અરે તમે સમજતા કેમ નથી કે કોઈ મુલાકાતી આવો ફાટેલા ક્વર વાળો સોફો જુએ તો આપણ વિશે શું વિચારે? આપણે નવું કવર બનાવવા કાપડ ખરીદી લઈએ તો તમને કશો વાંધો?”

“માત્ર ઓરડાની શોભા વધારવા એવો ખર્ચ કરવો એ મને યોગ્ય લાગતું નથી.”

પત્નીએ કહ્યું, “પણ કવર ફાટી ગયું છે. નવું કવર બનાવ્યા વિના છુટકો નથી.”

લાલબહાદુર શાસ્ત્રી થોડા વિચારમાં પડ્યા. તેઓ મનમાં આનો કંઈક રસ્તો શોધવામાં પડ્યા. અને થોડી મિનિટમાં લાલબહાદુર શાસ્ત્રીજીને આનો રસ્તો જડી પણ આવ્યો.

તેઓ ખુરશી પરથી ઊભા થયા અને ઓરડાના બારણા પર લટકતો પડદો કાઢી અને બોલ્યાં, “આમાંથી સોફાનું કવર બનાવજો. નવું કાપડ ખરીદવાની જરૂર નથી.”

“પણ બારણા પર પડદો તો જોઈએ તેનું શું?”

લાલબહાદુર શાસ્ત્રીજી બોલ્યા, “ના, બારણે પડદો લટકાવવાની કોઈ જરૂર નથી.”

“કેમ?”

“જેમ મારું જીવન ઉઘાડું છે એમ મુલાકાતીઓ માટે મારું ઘર પણ ઉઘાડું જ હોવું જોઈએ. એને પડદાની પછી શી જરૂર?”

લાલબહાદુર શાસ્ત્રીની આવી સાદાઈ સ્વીકારીને પત્નીએ પડદામાંથી સોફાનું કવર બનાવ્યું.

[સાભાર : મહાન પ્રેરક પ્રસંગો, સંકલન: નિલેશ મહેતા]