માબાપ બનવું એટલે...

દક્ષા વ્યાસ

| 7 Minute Read

ભારતીય સંસ્કૃતિ માતાપિતાને દેવસ્થાને મુકે છે, “માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ” માતાપિતાને આપણે પરમાત્માની જેમ પૂજનીય ગણીએ છીએ. દરેક શુભ કાર્ય વેળા વડીલોની ચરણરજ લઈ એમના આશીર્વાદ લેવાની પરંપરા છે. આજકાલ માબાપને સતત એવી લાગણી રહ્યા કરે છે કે પોતાનાં બાળકો પોતાના વશમાં નથી, કહ્યું કરતાં નથી અને આડે રસ્તે જઈ રહ્યાં છે. આવું કેમ છે?

દરેક માતાપિતા સામાન્ય રીતે એવું માને છે કે પોતે પૂર્ણ છે. પોતે પોતાનાં બાળકોને સારામાં સારી રીતે ઉછેરી રહ્યાં છે. સુસંસ્કાર આપી રહ્યાં છે એટલે બાળકના અનપેક્ષિત વર્તનનાં કારણો એ હંમેશાં બહાર શોધતાં રહે છે. સોબત તેવી અસર એમ કહેવાયું છે. બહારના વાતાવરણની બાળક પર અસર પડતી જ હોય છે. પણ જો તે ઘરમાં સારાસાર વિવેક શીખ્યો-સમજ્યો હોય તો ગમે તેવી સોબત કે વાતાવરણ એને વિચલિત કરી શકે નહિં. બાળકને સારું સારું ખવડાવીએ, પહેરાવીએ, કોમ્પ્લાન બોય બનાવીએ, માગે તે અપાવીએ, આનંદ - પ્રમોદની બધી સુવિધા પુરી પાડીએ, સારામાં સારી શિક્ષણસંસ્થામાં ભણાવીએ પછી બીજું શું જોઈએ? બાળઉછેરની આવી એક સર્વસામાન્ય માન્યતા છે. આમ છતાં બાળક જિદ્દી બને છે, ઉદ્ધતાઈ કરે છે, સામા જવાબો આપે છે ધાર્યું કરે-કરાવે છે એવા અનુભવો છે.

ખાટલે મોટી ખોડ તે આપણી અધુરી સમજણ છે. માબાપ બનવું એ જેટલી આનંદમય ઘટના છે તેટલી જ જવાબદારી ભરી બાબત છે. વિજ્ઞાન કહે છે કે ગર્ભાવસ્થાથી જ બાળકના બૌદ્ધિક વિકાસની શરૂઆત થઈ જાય છે. પાંચ વર્ષની વય સુધીમાં તો એના સંપૂર્ણ વ્યક્તિત્વનું ઘડતર થઈ જાય છે. તેથી આ વયમાં એના કુમળા મન પર પડતા આઘાત-પ્રત્યાઘાત એની પ્રકૃતિના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલુંક જિન્સમાં - વારસામાં પણ આવે છે, દેખાવની જેમ સ્વભાવમાંય. આથી બાળકને કેળવવાની જવાબદારી ઉઠાવતાં પહેલાં માબાપે કેળવાવું અનિવાર્ય બને છે. બંનેનો પોતાની પ્રકૃતિ પર સંયમ ન હોય તો બાળકમાં તેની અપેક્ષા શી રાખી શકાય? બાળક ગર્ભમાં હોય ત્યારે જો પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ રહેતો હોય, પરસ્પર અસંતોષ રહેતો હોય, તો તેનો પ્રભાવ બાળકના માનસિક વિકાસપર પડવાનો જ અને મનની અસર શરીર પર પણ પડે છે. માતાને માત્ર સારું પોષણ આપવાથી ન ચાલે. તેથી જ આપણી પરંપરામાં ગર્ભવતી માતા માટે સારું વાચન અને સારા વિચારોનો આદેશ છે. બાળક નાનું હોય કે મોટું એ સૌથી પહેલું ઘરનું વાતાવરણ ઝીલે છે. એ ઉપદેશ કે આદેશથી નથી શીખતું પણ ઘરના સભ્યોના વિચાર-વાણી-વર્તન અને પરસ્પરના વ્યવહારની છાપ ઝીલે છે, અનુમાનો કરે છે અને ગ્રંથિઓ બાંધે છે. દા.ત બાળકની હાજરીમાં માબાપ ઝઘડતાં હોય કે એકબીજા પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતાં હોય, એકબીજાને ઉતારી પાડતાં હોય કે અતડાં રહેતાં હોય, નિંદા-કુથલી કે ઇર્ષા કરતાં હોય તે સંજોગોમાં બાળક મુંઝાય છે, અને ઘરની બહાર હુંફ શોધે છે. એને ઘરમાં પોતાને મળતો પ્રેમ જૂઠો-દંભ ભરેલો લાગે છે. આ બધું એ બોલીને કહેતું નથી, પરંતુ પોતાના વિદ્રોહી વર્તન દ્વારા વ્યક્ત કરે છે. એ માબાપથી વિખુટો પડતો જાય છે. એના મનમાં એમના પ્રત્યે પૂર્વગ્રહ બંધાતો જાય છે. આગળ જતાં એનો વિસ્ફોટ થાય છે. માબાપનાં વાણી-વર્તન- વ્યવહારમાં કોઈના પણ પ્રત્યે દંભ-જુઠ-બનાવટ-વહેરો-આંતરો હોય તો બાળક તે તરત પકડી પાડે છે. એની નિરીક્ષણશક્તિ ઘણી સૂક્ષ્મ અને તીવ્ર હોય છે. એ દેખાય છે તેટલું ભોળું હોતું નથી. નાનપણમાં એને હુંફ- સલામતીની જરૂર હોય છે તેથી વળગેલું રહે છે. સ્વતંત્ર રીતે હરતું -ફરતું થાય પછી તે માબાપની દરકાર કરતું નથી અને માબાપને પસ્તાવાનો વારો આવે છે. જે માતાપિતા પોતાનાં વૃદ્ધ માબાપ કે સાસુ-સસરા પ્રત્યે અન્યાય પૂર્ણ કે અવિવેકી વર્તન કરે છે તે પોતાનાં બાળકો પાસે પોતાના પ્રત્યે સારા વર્તનની આશા ન રાખી શકે.

માબાપ ઘણીવાર “પરોપદેશે પાંડિત્યમ્‌” બતાવતાં હોય છે. જે પોતે કરતાં નથી તે બાળક કરે એવું ઈચ્છતાં હોય છે. જેમ કે માબાપ નિરાંતે ટીવી જોતાં બેઠાં હોય - ગપ્પાં હાંકતાં હોય અને બાળકને આદેશ કરે કે વાંચવા બેસ, તો એનું ચિત્ત કેટલું લાગે? બાળકને ઘરમાં જ વાતાવરણ મળવું જોઈએ. માબાપ વાંચતાં હશે તો બાળકને આપમેળે વાંચવાનું મન થશે. માબાપ વ્યસની હશે તો બાળક પણ એ દિશામાં જવાનું. ઘણાં માબાપ બાળક્ને નાનપણથી જ પરાધીન બનવાની તાલીમ આપે છે. બાળક છ વર્ષનું થાય એટલે પોતે જ પોતાનાં બધાં કામ જાતે કરતું થઈ જવું જોઈએ. તેની કેળવણી નાની વયથી જ શરૂ થઈ જવી જોઈએ. આમેય બાળકને જાતે કરવાનું ગમે છે. એને પોતાને હાથે ખાવું હોય છે, પણ વેરશે-ગંદું કરશે માનીને મા પોતે જ કોળિયા ભરાવે છે. વેરે નહીં ગંદું ન કરે છતાં જાતે ખાતું થાય તે માટે બહુ જ ધીરજ રાખવી પડે. પણ હળવે હળવે એને રીત શીખવવા જેટલી ધીરજ કે સમય હોતાં નથી ! કેટલાક કિસ્સામાં લેસન પણ માબાપ જ કરી આપતાં હોય તેવું જોવા મળે છે. આવું પાંગળું બાળક પોતાની પાંખે ક્યારે ઊડી શકવાનું? એનાં કપડાં-ચોપડાં-રમકડાં વ્યવસ્થિત મૂકવાની, ઘરમાં સફાઈ વ્યવસ્થા રાખવાની જવાબદારી એને નાનપણથી જ ન અપાય તો જીવનભર પહેલાં માતા પર ને પછી પત્ની પર આધાર રાખતું જ રહેવાનું. માતા-પિતાનું કામ બાળકની આંગળી ઝાલીને એને દોરવાનું છે, કાયમ ઊંચકીને ફરવાનું નથી.

માબાપા બંને નોકરી કરતાં હોય ત્યારે બાળક માટે એમને ભાગ્યે જ સમય હોય છે. બાળકમાં તીવ્ર માલિકીભાવ હોય છે. એ સતત માબાપની હાજરી હુંફ ઈચ્છતું હોય છે. નોકરીએથી થાકીને આવેલાં મા કે બાપને સૂતી વેળા બાળક કહે, વાર્તા કહોને ! સીતાનું હરણ કેમ થયું? તો તેઓ જવાબ વાળશે લે બેટા ચોકલેટ આપું સૂઈજા. વાર્તા કાલે કહીશ. આવી કાલ કદાચ ક્યારેય ન આવે અને બાળક ચોકલેટથી ટેવાઈ જાય એવી ઘટનાઓની આજે નવાઈ નથી. એ બાળકનું મન ભાંગી નાખે છે. ગમે તેવા વ્યવસાયમાં કેમ ન હોય, માતાપિતાએ બાળકને પરસ્પરને તથા ઘરડાં માબાપને પણ અમુક સમય તો આપવો જ જોઈએ. નહીં તો કુટુંબભાવ સર્જાશે નહીં અને બાળક એક અ-ભાવત્મક વાતાવરણ વચ્ચે અટૂલું પડી જશે.

આનો અર્થએ થયો કે પોતાનાં સપનાંનું સુંદર બાળક મેળવવા માટે, એને આદર્શ જીવન માટે તૈયાર કરવા માટે માબાપે સતત આત્મશોધન કરતાં રહેવું જરૂરી છે. પોતાનાં વિચાર-વાણી- વર્તન-વ્યવહારને સમજતાં રહેવું જરૂરી છે. એની બાળક પર શી અસર પડશે તે અંગે સજાગ રહેવું જરૂરી છે. જેથી બાળક હંમેશાં પોતાની તરફ ખેંચાયેલું રહે અને બહારના દુષ્પ્રભાવથી મુક્ત, સ્વનિર્ભર, સંસ્કારી અને સ્નેહાળ બને.

[“બાળવિશ્વ” ડિસેમ્બર-૧૨ માંથી સાભાર, લેખક: દક્ષા વ્યાસ]