માં દીકરાની આંખો થી દુનિયા જોવે છે

| 2 Minute Read

એક મા હતી તેને એક જ આંખ હતી. આ વાતની શરમ એના એકના એક પુત્રને આવતી. આ મા વિધાર્થીઓ અને શિક્ષકો માટે રસોઈ બનાવતી અને ઘર ચલાવી છોકરાને ભણાવતી હતી. એનો દીકરો બને એટલો એનાથી દુર જ રહેવાની કોશિશ કરતો.

એક વખત ઘણા દિવસથી પુત્રને જોયો નહોતો એટલે મા શાળામાં પુત્રને મળવા ગઈ અને છોકરાને તો જાણે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં, એવું થઈ ગયું. એને એમ થયું કે, બધા મારી માને જોઈને મારી મશ્કરી કરશે. એટલે તે છોકરો ગમે તેમ કરીને મા ને મળ્યા વગર ભાગી ગયો.

ખૂબ ભણ્યો અને સુંદર ઘર અને સુખી સંસારમાં ઓતપ્રોત થઈ ગયો.

એક દિવસ અચાનક “મા” તેને ઘેર મળવા આવી. અને તે છોકરો ખૂબ ગુસ્સે થઈ ગયો અને “મા” ને ત્યાંથી રીતસર કાઢી જ મૂકી.

કેટલાક સમય પછી “મા” ખુબ બિમાર છે તેવી છોકરાને ખબર પડી, એટલે પ્રવાસનું બહાનું કાઢી એક્લો જ ગામ ગયો પણ ત્યારે મોડું થઈ ચૂક્યું હતું. “મા” તો મોટે ગામતરે ઉપડી ગઈ હતી. પણ… પડોશીને માં પોતાના છોકરા માટે લખેલો પત્ર આપી ગઈ હતી.

“મારા વહાલાં દીકરા,

હું તને રોજ ખુબ જ યાદ કરું છું. તારે ઘરે આવીને તારા બાળકોને ડરાવવા બદલ બહુ જ દિલગીર છું. હું તારા માટે સતત ભોઠપનો વિષય બનવા બદલ તારી માફી માંગું છું. હવે કદાય આપણે મળી ન શકીએ એટલે તને એક વાત કહેવા માંગું છું.

તું ખુબ જ નાનો હતો ને દીકરા, ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ તે ગુમાવી હતી. તારી મા તરીકે હું તને એક આંખ વાળો જોઈ નહોતી શકતી. તેથી મે મારી એક આંખ તને આપી. મારો દીકરો હવે બંને આંખે આખા વિશ્વને જોઈ શકે છે તે વાતની હું બહુ જ ખુશ હતી અને તારી આંખોથી હું આજે પણ દુનિયા જોઈ શકું છું.”

[નોંધ : “માં” વિષેના પ્રસંગો નવાવર્ષ નિમિતે સરદાર પટેલ વિધાલય સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ “માં” પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે.]