મા ની સેવા

મહેશ દવે

| 3 Minute Read

મુસ્લિમ પરંપરા પ્રમાણે મહંમદ પયગંબરની પહેલા મોઝિઝ અથવા તો મુસા અને જિસસ અથવા તો ઈસા જેવા પયગંબરો થયા હતા. મુસા વિશે એક કથા છે.

પયગંબર મુસા એક વખત અલ્લાહ સાથે વાતો કરતા બેઠા હતા. વાતો દરમિયાન મુસાએ પૂછ્યું, “હું જન્નત એટલે કે સ્વર્ગમાં જઈશ ત્યારે મારો સાથીદાર કોણ હશે, એ હું જાણવા માગુ છું.”

અલ્લાહે જવાબ આપ્યો, “અમુક સ્થળે રહેતો એક ખાટકી જન્નતમાં તારો સાથીદાર થઈને રહેશે.”

મુસા પોતાના સાથીદાર થનાર ખાટકીની શોધમાં નીકળ્યા. એમણે એની દુકાન શોધી કાઢી. એમણે જોયું કે ખાટકી તરીકે વ્યવસાય કરી રહેલો વ્યક્તિ એક યુવાનીયો હતો. તેનો દેખાવ રાતે ચોકી કરતા ચોકીદાર જેવો લાગ્યો. યુવાન દુકાનના થડા પરથી ગ્રાહકોને માંસ વેચવામાં વ્યસ્ત હતો.

રાત પડી ત્યારે યુવકે દુકાન વધાવી. થોડું માંસ લઈ એ ઘરે જવા નીકળ્યો. મુસા એની પાછળ ગયા. એ ઘરે પહોંચ્યો ત્યારે મુસા એની પાસે ગયા અને પૂછ્યું, “ભાઈ તારા ઘરે હું આજની રાત મહેમાન તરીકે રહી શકું?” યુવાને આનંદથી હા પાડી અને આવકાર આપ્યો. ઘરે જઈ યુવાન રસોઈ બનાવવા માંડયો. મુસાએ ધ્યાનથી તેને કામ કરતો જોયો.

રસોઈ બની ગયા પછી યુવાન ઉપરના મજલે ગયો અને ઉપરના મજલેથી એક મોટો ટોપલો લઈને નીચે ઊતર્યો. એ ટોપલામાં એક વૃદ્ધ અપાહિજ સ્ત્રીને બેસાડી હતી. યુવાને તે વૃદ્ધાને નવડાવી અને સાફ કરી. તે પછી વૃદ્ધાને ધીમે ધીમે પોતાના હાથે એ જમાડવા માંડયો. જમાડવાનું પૂરું થયું એટલે યુવાન ટોપલામાં વૃદ્ધાને બેસાડી ઉપરને માળે લઈ જવા તૈયાર થયો. તે વખતે મુસાના ધ્યાન પર આવ્યું કે તે વૃદ્ધાના હોઠ ફફડતા હતા અને તે કંઈ બોલતી હતી, પણ મુસાને એનું બોલવું કંઈ સમજાયું નહીં.

યુવાન પછી મુસા અને પોતાને માટે જમવાનું લાવ્યો અને બંને સાથે જમવા બેઠા. મુસાએ યુવાનને પૂછયું, “પેલી વૃદ્ધા કોણ છે, અને યુવાનનો તેની સાથે શો સંબંધ છે?”

યુવાને કહ્યું, “એ મારી અમ્મા છે. મારી આવક એટલી નથી કે હું તેને માટે બાંદી એટલે કે નોકરાણી રાખી શકું તેથી હું જાતે જ તેની સેવા કરું છું.”

મુસાએ પછી પૂછ્યું, “તું તારી અમ્માને ઉપર લઈ જતો હતો ત્યારે તારી અમ્મા શું ગણગણતાં હતાં?”

યુવાને જવાબ આપ્યો, “જ્યારે હું એને નવડાવું અને જમાડું છું ત્યારે તે આશીર્વાદ આપે છે કે અલ્લાહ મને જન્નત બક્ષે અને જન્નતમાં મારા સાથી તરીકે પયગંબર મુસા આપે.”

મુસાએ પોતાની ઓળખ આપી અને યુવાનને જણાવ્યું, “ભાઈ તારી અમ્માની પ્રાર્થના અલ્લાહે સ્વીકારી છે અને તને જન્નતમાં મારી સાથે રાખવાના છે.”

માની સેવા અને માના આશીર્વાદની શક્તિ મુસ્લિમ પરંપરામાં આ રીતે બિરદાવી છે.

[“પાંદડે પાંદડે સ્મિત” માંથી સાભાર, સંક્ષેપ અને સંકલન: મહેશ દવે, પ્રકાશક : ગુર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ]