મા પોતાના બાળક માટે જીવ પણ આપી દે છે

| 2 Minute Read

જન્મ આપ્યા બાદ પણ મા એટલી જ તકલીફો હસતે મોઢે સહન કરી આપણા પર અસંખ્ય ઉપકાર કરે છે. પોતે ભીનામાં સૂઈ બાળકને સૂકામાં સુવરાવે છે. બાળકને સ્તનપાન કરાવી પોષણ કરે છે. એણે બાળકને ખાલી દેહ જ નથી આપ્યો. ચિક્કાર સ્નેહ પણ આપ્યો છે.

ભગવાન બધે પહોંચી શક્તો નથી માટે એણે માનું સર્જન કર્યું. મા પોતાના બાળક માટે પોતાનો જીવ પણ આપી દે છે. એનો એક દાખલો જોઈએ.

બ્રિટનની મહારાણી વિકટોરીયાની પૌત્રી એલિસની આ વાત છે.

એલિસનો પુત્ર પાંચ વરસનો હતો ત્યારે બીમાર પડ્યો . એના શ્વાસમાંથી જીવલેણ જર્મ્સ નીકળવા લાગ્યાં. આ રોગ બહુ જ ચેપી હતો અને બાળક પાસે કોઈને પણ જવાની મનાઈ હતી.

એલિસ રોજ હૉસ્પિટલમાં એને જોવા જતી. બહારથી જોઈને એનું મન ઝાલ્યું ન રહેતું છતાં પણ છાતી પર જાણે પથ્થર મૂકી કાચની બારીમાંથી એને જોઈ હાથ હલાવી પાછી આંસુ ભરી આંખે જતી રહેતી.

એક દિવસ રૂમની બહાર ઊભેલી એલિસ પર બાળકની નજર પડી. એણે “મા” કહીને ચીસ પાડી બાળકની ચીસ સાંભળતાં જ એલિસનું માતૃત્વ ઝાલ્યું ન રહ્યું. તે તરત જ એના બાળક પાસે રૂમમાં દોડી ગઈ. એને ગળે વળગાડી દીધો. અને અફસોસ ! કોઈ એ બેને છૂટાં પાડે એ પહેલા એલિસને એ ચેપ લાગી ગયો. એને પણ એ જ હૉસ્પિટલમાં દાખલ કરી.

જયારે ડૉકટરે એલિસને પૂછ્યું : “ના પાડવા છતાં તમે બાળક પાસે કેમ ગયાં ?”

“કારણ કે હું મા છું.” આટલું બોલતાંની સાથે એલિસની આંખો કાયમ માટે મીંચાઈ ગઈ.

[નોંધ : “માં” વિષેના પ્રસંગો નવાવર્ષ નિમિતે સરદાર પટેલ વિધાલય સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ “માં” પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે.]