મામૂલી છીપલાંનું મહામૂલ્ય

ડૉ. જગદીશ ત્રિવેદી

| 3 Minute Read

બે બાળકો - એક નાનો ભાઈ અને એક નાની બહેન. બંને બાળકો રૂપકડાં, મઝાનાં, તંદુરસ્ત. નાનકડા ભાઈએ જાણે પોતે મોટો હોય તેમ એક વાર બહેનને કહયું, “ચાલો આપણે ફરવા જઈએ.”

બંને હિંમત કરી બહાર નીકળી પડ્યાં. ફરતાં-ફરતાં બજારમાં આવી ચડ્યાં. એમા એક રમકડાંનો સ્ટોર જોયો, એટલે ભાઈએ બહેનને પૂછયું, “તારે કાંઈ લેવું છે?”

બહેને કહ્યું, “મારે એક ઢીંગલી લેવી છે.” બંને આલીશાન વિશાળ સ્ટોરમાં દાખલ થયાં.

કાઉન્ટર પર બેઠેલા વૃદ્ધાવસ્થાએ પ્રેમથી સ્ટોરમાં પ્રવેશતા બાળપણને જોયું. માનવંતા નાનકડાં ગ્રાહકોને જોઈ દાદા ખુશ થયા. સ્ટોરમાં અનેક પ્રકારનાં પુસ્તકો, વિવિધ પ્રકારનાં રમકડાં, ચિત્રો અને બીજી અનેક આકર્ષક વસ્તુઓ જોઈ બંને મૂંઝાઈ ગયા. શું ખરીદવું-શું ન ખરીદવું?

એમાં બહેન ઢીંગલી જોઈ ગઈ. સુંદર મજાની ઢીંગલી અને એવો જ આકર્ષક તેનો પોશાક. વળી આભૂષણો પણ એવાં જ ચમકદાર. બાળકી આ ઢીંગલી પાસેથી ખસી જ ન શકી. તેણે ભાઈને કહયું, “આ જ ઢીંગલી મારે લેવી છે.”

ભાઈએ કહયું, “લઈ લે.”

અને સ્ટોરના કર્મચારીને રુઆબથી કહયું, “આપી દ્યો એને ઢીગલીં.” માલિકનું ધ્યાન આ ગ્રાહકો તરફ જ હતું.

બાળકે ઢીગલીં આપવાનું કહયું એટલે કર્મચારીએ માલિક સામું જોયું અને માલિકની માત્ર સ્મિત દ્વારા સંમતિ મળતાં કર્મચારીએ ઢીંગલી બાળકીને આપી દીધી. અતિ-ઊત્સાહમાં બંને કાઊન્ટર પાસે પહોંચ્યાં.

જીવતરને ઘોળીને પી ગયેલા, અનુભવી વૃદ્ધે સ્નેહથી બાળકોને પૂછયું : “શું ખરીદ કર્યું?”

બંનેએ કહયું : “ઢીંગલી.”

માત્ર કુતૂહલ ખાતર વૃદ્ધ માલિકે પ્રશ્ન પૂછયો, “પણ પૈસા છે તમારી પાસે?”

બહેન મૂંઝાઈ ગઈ, પણ ભાઈએ આત્મવિશ્વાસથી કહયું, “હા” અને તેણે ચડ્ડી ના ખિસ્સામાં હાથ નાખી સમુદ્રનાં છીપલાં ટેબલ પર મૂક્યાં. વૃદ્ધે એક ક્ષણ છીપલાં સામે જોયું, કિંમતી ઢીંગલી તરફ જોયું અને પછી બંને બાળકોના ચહેરા તરફ જોયું. વૃદ્ધ વિચારમાં પડી ગયો.

તેમની મૂંઝવણ પારખી જતો હોય તેમ ભાઈ બોલ્યો, “ઓછા છે? લાવો, વધુ આપું?” આમ કહી તેણે ચડ્ડીના બીજા ખિસ્સામાં હાથ નાખી બીજાં છીપલાં કાઢી ફરી ટેબલ પર મુક્યાં.

વૃદ્ધે પૈસા ગણતા હોય તેટલી ગંભીરતાથી છીપલાં ગણી “આટલાં તમે વધુ આપી દીધાં” એમ કહી થોડાં પાછાં આપ્યાં. બાકીનાં રાખી લીધાં . પૂરતું નાણું ચૂકવી આપ્યાનો સંતોષ લઈ ખુશખુશાલ બાળકો ચાલતાં થયાં.

જીવતરની ભાષા નહિ સમજનાર એક અણઘડ નોકરે માલિકને પ્રશ્ર કર્યો, “આ આટલી બધી કિંમતી ઢીંગલી માત્ર સમુદ્રનાં છીપલાંના બદલે બાળકો લઈને હાલતાં થયાં અને તમે આપી પણ દીધી?”

વૃદ્ધે કહયું કે, “આપણે મન એ છીપલાં છે, એને મન તો સાચાં મોતી છે. આ બાળકો મોટાં થશે ત્યારે તો તેમને ખબર પડશે ને કે આપણે એક વાર છીપલાંને બદલે ઢીંગલી લઈ આવ્યાં હતાં?”

નોકર કહે, “હા, મોટાં થશે ત્યારે તેમને ખબર પડશે.”

વૃદ્ધ કહે, “એ વખતે મોટાં થયેલા આ બાળકો બીજાં બાળકોને આ પ્રમાણે છીપલાંને બદલે ઢીંગલી આપી દેશે અને અત્યારે જો તેમની પાસેથી આ ઢીંગલી છીનવી લેવામાં આવે અને તેમનાં મામુલી છીપલાં ફેંકી દેવામાં આવે તો વિદ્રોહની એક આગ હૈયામાં સંઘરીને એ મોટાં થશે. અને તેઓ એમ જ વિચારશે કે,

જલા દો ઈસે ફૂંક ડાલો યે દુનિયા
મેરે સામને સે હટા દો યે દુનિયા
તુમ્હારી હૈ તુમ્હી સંભાલો યે દુનિયા

[સાભાર: શાહબુદ્દીન રાઠોડનો ચિંતન-વૈભવ, સંપાદક: ડૉ. જગદીશ ત્રિવેદી]