માનસ બોધ

મોરારિ બાપુ

| 2 Minute Read

સ્વર્ગમાંથી એક બાળકને પૃથ્વી પર જન્મ લેવાનો સમય થયો. એ બાળક સ્વર્ગમાં પ્રભુની છેલ્લી ઘડીની મુલાકાતે ગયો.

ભગવાનને કહ્યું, “તમે મને પૃથ્વી પર મોક્લો છો, મને ત્યાં કેમ ગમશે ? હું ત્યાં કેમ રહીશ ? ત્યાંના માણસો કેવા હોય, મને શું ખબર પડે ?”

ભગવાન કહે, “ચિંતા કરમાં, મારો કોઈ ફરિસ્તો, દેવદૂત પૃથ્વી પર હશે. એ તને ત્યાં મદદ કરશે.”

બાળક પૂછે છે, “પણ પ્રભુ, હું ત્યાંની ભાષા કેમ સમજું ?”

ભગવાન જવાબ આપે છે, “મારો દેવદૂત તને સમજાવી દેશે.”

બાળક કહે, “પણ હું પૃથ્વી પર જાઉં અને મારે તમારી જોડે વાત કરવી હોય તો કઈ રીતે કરૂં ?”

પ્રભુ કહે, “પૃથ્વી પરના માણસો છે ને એમની મારી સાથે વાત કરવાની એક રીત છે. બે હાથ જોડીને પ્રાર્થના કરે, એ મારી સાથે વાત કરવાની એમની પદ્ધતિ છે. મારો દેવદૂત તને સમજાવશે.”

બાળક કહે, “પણ પ્રભુ મને ત્યાં લોકો ડરાવશે.”

પ્રભુ કહે, “અરે,મારો દેવદૂત તારી રક્ષા કરશે.”

બાળક કહે, “પણ પછી મને ભૂખ લાગશે તો ?”

ભગવાન કહે, “મારો દેવદૂત તને ખવડાવશે.”

બાળક કહે, “પણ મને તમારી યાદ આવશે, તમારા વિના કયાંય ગમે નહીં તો ?”

પ્રભુ કહે, “તું ચિંતા કરમાં, મારી વાતો કહીને એ દેવદૂત તને બહુ જ પ્રોત્સાહિત કરશે.”

હવે આ બાળકે છેલ્લી નજરે પ્રભુ સામે જોઈ લીધું, કારણ નીચે બધી તૈયારીઓ થઈ ગઈ છે એના જન્મની. છેલ્લી નજર કે પાછું કયારેય મળાય ?

છેલ્લી વાર પૂછ્યું, “આ જે દેવદૂત છે એનું નામ તો કહો.”

ભગવાન કહે, “તને નામની જરાયે જરૂર નથી.”

બાળકને જવાનો સમય થઈ ગયો છે, બાળકને પૃથ્વી પરનાં અવાજો સંભળાવા માંડ્યા છે. ધમાલ સંભળાઈ રહી છે. ભગવાનની સામે છેલ્લે દયામણું મોં કરીને કહે, “પ્રભુ, નામ તો આપો.”

બાળક ઉદાસ થઈ ગયો, નામ નથી આપતાં પ્રભુ.

એમાં પ્રભુએ કહ્યું, “જા, નામ આપું છું. એ દેવદૂત તારી મા છે. તને મા મળશે. એ તને કાંટામાંથી માર્ગ કરી આપશે. એ તને પડતા આખડતા બચાવીને ઉછેરશે. તારૂં પોષણ કરશે. એ જ તને ખોળામાં સૂવડાવી મારી વાર્તાઓ કરશે. એ દેવદૂતનું નામ મા છે.”

[“જીવન રાહ બતાવે રામાયણ” માંથી સાભાર, સંપાદક : યોગેશ ચોલેરા, મોરારિબાપુની રામચરિત માનસ કથામાંથી, પ્રકાશક : વન્ડરલેન્ડ પબ્લીકેશન અમદાવાદ]