માનવ જિંદગી

નિલેષ મહેતા

| 2 Minute Read

ચીનમાં એક સમ્રાટ ખૂબ જ કલાપ્રેમી, તેમણે મહાન વ્યક્તિઓની સાડા ચારસો મૂર્તિઓ બનાવી હતી અને મોટું સંગ્રહાલય ઉભું કર્યું હતું. રોજ તેમની સાફ સુફી થતી. સમ્રાટની આજ્ઞા હતી કે આમ કરવામાં કલાકૃતિને સહેજ પણ નુક્સાન થશે તો મોતની સજા થશે.

સંગ્રહાલયનું સ્થાન બદલવાનું નક્કી થયું. ભવ્ય ઈમારત અને વિશાળ જગ્યામાં નવી રીતે ગોઠવણી કરવાની હતી. પહેલાં બધી મૂર્તિઓ મૂકી દેવામાં આવ્યા પછી યથાસ્થાને વ્યવસ્થિત ગોઠવવાનો સમય આવ્યો. સમ્રાટ પોતે સામે બેઠો. મજૂરો એથી ગભરાયા, ભયનું લખલખું શરીરમાં વારંવાર ફરી વળવા લાગ્યું. મૂર્તિને કંઈ થાય તો મોતની સજા નક્કી હતી.

ચિત્ત અસ્થિર તો બધું અસ્થિર. એક મજૂર પૂતળું ઝાપટવા જતાં જોર વધુ થઈ ગયું. મૂર્તિની ગરદન નમી પડી. સમ્રાટ ગુસ્સે થયા અને મજુરને મોતની સજા કરવામાં આવી. ત્યાં ફરી એક મજૂરથી મૂર્તિ તૂટી ગઈ. તે મજૂરને પણ મોતની સજા કરવામાં આવી.

મજૂરો બીકને લીધે થરથર કાંપે. કામ પર ન આવવા માટે જાત જાતનાં બહાના કાઢે. સમ્રાટને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેમણે જાહેર કર્યું, કોઈ મજૂર કામે ન આવે તો પાંચ મજૂરોને મોતની સજા.

એક મજૂર સામેથી આ કામ કરવા આવ્યો. તેણે કહ્યું કે પોતે એકલો બધી જ મૂર્તિને વ્યવસ્થિત ગોઠવી દેશે પણ શરત એવી હતી કે સમ્રાટે સામે ન બેસવું. મૂર્તિ ખંડિત થાય તો મોતની સજા કબૂલ.

સમ્રાટ ત્યાંથી ચાલ્યો ગયો. મજૂરે બારણાં બંધ કર્યા અને હથોડો લઈ એક પછી એક બધી મૂર્તિઓ તોડી નાખી.

સમ્રાટને ખબર આપવામાં આવી. ગુસ્સામાં સમ્રાટ દોડતો આવ્યો.

મજૂરે મસ્તક ઝૂકાવી મોતની સજા માગી અને સમ્રાટને કહ્યું કે, “પોતે ચારસો પિસ્તાલીસ માણસના જીવ બચાવ્યા છે. જે રાજ્યમાં માણસ કરતા મૂર્તિનું મહત્ત્વ વધુ હોય ત્યાં જીવવું કે મરવું સરખું જ છે.” ત્યારે સમ્રાટની આંખ ખૂલી.

[નિલેષ મહેતા લિખિત “ક્ષણે ક્ષણે ઉજાસ” માંથી સાભાર, પ્રકાશક : નવયુગ પુસ્તક ભંડાર, રાજકોટ]