ગઢડાના નગર શેઠ મોહનલાલ મોતીચંદ

ગંભીરસિંહ ગોહિલ

| 4 Minute Read

જગુભાઈ પરીખ સાથે ચર્યા કર્યા પછી મહારાજાએ વિચાર્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસતી ખાતાના મિનિસ્ટર હોવાથી તેમની મુલાકાત તો અનિવાર્ય જ ગણાય. પરંતુ પોતે લેવા ધારેલું પગલું દેશના હિતમાં વધારે અસરકારક કેમ બને તેની વિચારણા કરવી જોઈએ. આથી મહારાજાએ ભાવનગર રાજ્યના ગઢડાવાળા શેઠ મોહનભાઈને મળવાનું વિચાર્યું.

મહારાજાનો સંદેશો મળતાં ગઢડાના શેઠ મોહનલાલ મોતીચંદ મળવા આવ્યા. તેઓ ગઢડાના અગ્રણી મહાજન, સુખી દાતા અને ઊંડી નિષ્ઠાવાળા પ્રજાકીય કાર્યકર હતા. તેઓ પ્રજાપરિષદ સાથે સીધી રીતે જોડાયેલા નહોતા. પરંતુ કાઠિયાવાડનાં દેશી રાજ્યોના પ્રશ્નો વિશે તેઓ સારી એવી સૂઝ ધરાવતા હતા. ગાંધીજી અને સરદારને એ બાબતે તેઓ વાકેફ રાખતા. મહારાજા, દીવાન, બળવંતરાય વગેરેને પણ મળતા રહી વહીવટી તથા પ્રજાકીય પ્રશ્નોના ઉકેલમાં કુનેહભરી કામગીરી તેઓ કરતા રહેતા.

“મોહનભાઈ, પ્રજાને જવાબદાર રાજતંત્ર આપવા વિશેની વિચારણા આપણે લાંબા સમયથી કરતા રહ્યા છીએ. હવે આ બાબતે સાનુકૂળ નિર્ણય લેવાનું મેં વિચાર્યું છે. તમારી આ બાબતે શી સલાહ છે?”

“બાપુ, આપ જવાબદાર રાજતંત્ર આપો કે ન આપો, પ્રજાના હૃદયના રાજા તો આપ છો જ અને સદાય રહેવાના છો. પણ સરદારસાહેબ અને એકીકરણ માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા છે, તેમાં હજી સુધી તો સરવાળે શૂન્ય જેવું ચિત્ર છે. પરંતુ તેમાં ઘણું ઊજળું પરિણામ લાવવા માટે આપનું પગલું ખૂબ ઉપયોગી થાય એવો બારીક અને કટોકરી ભરેલો હાલનો તબક્કો છે. મને લાગે છે કે આપ ઘણા જ શુભ ચોઘડિયામાં આવો મજબૂત નિર્ણય લઈ રહ્યા છો.”

“મોહનભાઈ, મને વિચાર એવો આવે છે કે હું મારો નિર્ણય જાહેર કરી દઉં તેના બદલે ગાંધીજી સાથે જ મુલાકાત ગોઠવાય તો કેમ ?”

“તેમ કરવાનું તો ઘણું સલાહભરેલું બનશે. કેમકે તેનાથી બાપુજીના આશીર્વાદ મળશે, તેમની કિંમતી સલાહ લેવાશે અને આપના નિર્ણયનો સારો પ્રભાવ પડશે. બાપુજીને તો આપની વાત રાજાઓની ખટપટો સામેના રામબાણ ઈલાજ જેવી લાગશે.”

પોતાના વિચાર માટે સારો પ્રતિભાવ મળતાં મહારાજા રાજી થયા: “ત્યારે તો તે માટે તમે જ રૂબરૂ દિલ્હી જઈ આવો અને તારીખો વગેરેની અનુકૂળતા જાણી ગાંધીજી સાથેની મુલાકાત નિયત કરાવો.”

મોહનભાઈએ પોતાને સોંપાયેલી કામગીરી ઉત્સાહ અને ચપળતાથી ટુંક સમયમાં પૂર્ણ કરી.

મહારાજા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૭ ના રોજ રાત્રે દિલ્હીના બિરલાભવનમાં ગાંધીજીને મળે તે રીતની મુલાકાત ગોઠવીને તેઓ મળવા ઘણા ઉત્સુક છે, તેમ પણ જણાવ્યું.

મહારાજાએ અનંતરાયને એક દિવસ વહેલા ભાવનગર બોલાવી લીધા. ટુંકી વાતચીત કરી પોતે લીધેલો નિર્ણય તેમને જણાવ્યો અને સાથે દિલ્હી આવવા માટે સૂચના આપી. નિર્ણય મહારાજાનો હતો. પણ દીવાન અનંતરાય સાથે હોય તે જરૂરી હતું. નિર્ણયના અમલીકરણ માટે મહારાજાએ ગાંધીજી જે ભાવનાથી દેશી રાજ્યોના દેશ સાથેના કાળજીપૂર્વકની વ્યવસ્થા ગોઠવી લીધી.

ભાવનગર રાજયની ધારાસભા

ધારાસભાના કાયદામાં ચુંટણીનું ધોરણ હોવા છતાં બીજા મહાયુદ્ધનું વાતાવરણ વગેરે સંજોગો ધ્યાનમાં લઈ ચુંટણીને બદલે નિયુક્તિનું ધોરણ સ્વીકારાયેલું હતું. આથી મહારાજાએ તમામ પપ ધારાસભ્યોની નિયુક્તિ કરી હતી. તે પૈકી હોદ્દાની રૂએ નિયુક્ત સભ્યોમાં દીવાન(પ્રમુખ), નાયબ દીવાન, જ્યુડિશિયલ આસિસ્ટન્ટ, વસૂલાતી અધિકારી તથા દરબારી હિસાબખાતાના ઉપરીનો સમાવેશ થતો હતો. આ છ સભ્યો તે મહારાજાનું પ્રધાનમંડળ અથવા ધારાસભાની ટ્રેઝરી બૅન્યના સભ્યો ગણી શકાય. ધારાસભાના કાયદા પ્રમાણે આ કારોબારી સમિતિના સભ્ય તરીકે ચૂંટાયેલા એક સભ્યને લેવાની જોગવાઈ હતી, પરંતુ બધાની નિયુક્તિ થયેલ હોવાથી એક નિયુક્ત સભ્ય હરજીવનદાસ કાલિદાસ મહેતાને તેમાં કેળવણી આસિસ્ટન્ટ તરીકે નીમવામાં આવ્યા હતા.

તો ઉપરાંતના રાજ્યની પ્રજાના અગ્રણીઓમાંથી વિવિધ ક્ષેત્રોના નિયુક્ત પ્રતિનિધિઓમાં રાઓળ પ્રતાપસિંહ રામસિંહ, રાઓળ રણજીતસિંહ ભૂપતસિંહજી, કર્નલ સરદારસિંહ, ગેમાભાઈ વગેરે ભાયાતો, રાજપૂતો, વ્રજલાલ ભગવાનદાસ નગરશેઠ, વૈકુંઠરાય લલ્લુભાઈ, રામરાય ગુલાબરાય દેસાઈ, ડૉ.કેશવલાલ ઠક્કર, વીરેન્દ્રપ્રસાદ દેસાઈ, ભોગીલાલ મગનલાલ, ઘનશ્યામલાલ ઠક્કર, હરિલાલ મોનદાસ, મોહનલાલ મોતીચંદ, દુર્લભજી વકીલ, વેણીલાલ ભટ્ટ વગેરે પ્રતિષ્ઠત આગેવાનો અને મહાજનો, પ્રાગજી ગગજી, ભીખા ગોવિંદ, લીંબા જસમત, દેવશી નથુ, ગીગાભાઈ શામળા વગેરે ખેડૂત આગેવાનો, પરમાણંદ ત્રાપજકર અને કવિ દુલા કાગ જેવા સાહિત્યકારો, તારાબહેન પારેખ, નર્મદાબહેન રાવલ, શાંતિલાબહેન ત્રિવેદી, વગેરે મહિલા અગ્રણીઓ, ફાજલઅલી વકીલ, અબ્દુલ્લાભાઈ હસનભાઈ કામદાર, કાસમભાઈ ઉસમાનભાઈ વગેરે મુસ્લિમ આગેવાનો તેમજ રુસ્તમજી રાણીના, ખાચર ભાણાભાઈ નાજાભાઈ, ખુમાણ રામ ડોસલ વગેરે અન્ય સમાજોના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો.

[ગંભીરસિંહ ગોહિલ લિખિત પ્રજાવત્સલ રાજવી માંથી સાભાર. પ્રકાશક : રાજવી પ્રકાશન, ભાવનગર]