મોટાની અલ્પતા જોઈને થાક્યો, નાનાની મોટાઈ જોઈ ને જીવું છું

શરદ ઠાકર

| 7 Minute Read

“મારે કોઈ સારી ગિફ્ટ આર્ટિક્લની ચીજ ખરીદવી છે. મિત્રનાં લગ્ન છે. ભેટ આપવા જેવી આઇટમ્સ હોય, તો બતાવશો ?” મેં શહેરના ધમધમતા વિસ્તારમાં આવેલી ખુબ જાણીતી દુકાનમાં જઈને મુદ્દાની વાત જણાવી દીધી.

જવાબમાં દુકાનના માલિકે અવનવી વસ્તુઓનું આખું વિશ્વ મારી સામે ખડકી દીધું.

એમાંથી એક ચીજ મને પસંદ પડી. લાકડાનું બનેલું રમકડાનું પારણું હતું. મોટા, અસલી પારણાની મિની આવૃતિ જ જોઈ લ્યો ! આમાં સાચુકલું બાળક ન પોઢી શકે, પણ ઢીંગલીબાઈને આરામથી સુવડાવી શકાય. મને આ ચીજ ગમી ગઈ. જે મિત્રને મારે ભેટ આપવાની હતી એનાં તાજેતરમાં જ લગ્ન થયાં હતાં. સંજોગવાશાત્‌ હું લગ્નમાં તો હાજરી આપી શક્યો ન હતો, પણ આજે સાંજે મેં નવપરિણીત યુગલને મારા ઘરે ભોજન માટે આમંત્રણ આપેલું હતું. જમાડયા પછી આ ગિફટ એમનાં હાથમાં મૂકવી એ બહુ સાંકેતિક વસ્તુ બની રહેવાની હતી. “હનિમૂન” માણી રહેલા મિત્રને મારા જેવા ગાયનેકોલોજિસ્ટ તરફથી બીજી કઈ શુભેચ્છા હોઈ શકે ?

મે ખિસ્સામાં હાથ નાખતાં પૂછ્યું, “શો ભાવ છે ?”

“આઠસો બત્રીસ રૂપિયા અને પંચાણું પૈસા.”

“તમે પણ બાટાના શૂઝ જેવા ભાવો રાખ્યા છે ને કંઈ ! કાં આઠસો તેત્રીસ લઈ લો, કાં આઠસો બત્રીસ કરી નાખો.”, મેં રૂપિયાની નોટો ગણતાં મજાક કરી.

પણ ત્રીસેક વર્ષનો એ ગર્ભશ્રીમંત વેપારી “મજાક” શબ્દથી સાવ જ અપરિચિત હતો. એણે સપાટ સ્વરે જવાબ આપ્યો,

“એક જ ભાવ છે, માલિક ! પંચાણું પૈસા ઓછા પણ નહિં ચાલે અને પાંચ પૈસા વધારે પણ નહીં ચાલે ‘લાભ-શુભ ડિપાર્ટમેન્ટલ સ્ટોર’ માં ભાવ-તાલ કરવાની મનાઈ છે.”

હું ચમક્યો. એના જવાબમાં રહેલી રુક્ષતાથી નહીં પણ એણે કહેલા દુકાનના નામને સાંભળીને. ‘લાભ-શુભ ડિપાર્ટમેન્ટલ સ્ટોર’ ? આ નામ તો અસંખ્ય વાર સાંભળેલું છે. અમદાવાદની અત્યંત જાણીતી દુકાન છે એટલા માટે નહિં, પરંતુ કોઈના મુખે અત્યંત નિકટની વ્યક્તિના અંગત સંદર્ભે સાંભળેલું છે. કોની પાસેથી ? અચાનક દિમાગમાં અજવાળું થયું.

“તમે ડૉ. ચાર્વીને ઓળખો છો ?”, મારા દિમાગમાં પ્રગટેલા અજવાળાના અર્ક જેવો સવાલ મેં પૂછ્યો.

“હા. ચાર્વી મારી બહેન થાય. સગી બહેન. ઓળખું જ ને ?”

“તો તમારૂં નામ દીપકભાઈ હોવું જોઈએ,”

“છે જ.”

“અને તમારાં પત્ની પરાગીભાભી. સુજોય તમારો બાબો. પાંચમા ધોરણમાં ભણે છે. અને નિયતિ તમારી બે વર્ષની બેબી…”

“સાહેબ તમે તો મારી સાત પેઢીને ઓળખતા હો એવું લાગે છે ! આપનું નામ ?”

“ડૉ. શરદ ઠાકર”

(આ ઘટના અઢાર વર્ષ પહેલાંની છે. હું લખતો થયો એ પહેલાંની. ત્યાં સુધી હું હજી છાપે ચડ્યો ન હતો, એટલે મારા નામમાત્રથી ઓળખાણ પડી જવાની કોઈ શક્યતા ન હતી અને એ બાબતમાં હું નિર્ભાર છું. આપણને કોઈ ન ઓળખે, તો એમાં શરમાવા જેવું શું છે ? નાનકડા માથા ઉપર કાલ્પનિક લોકપ્રિયતાની મસમોટી પાઘડી બાંધી લેવાનો શો અર્થ ?)

દીપકભાઈનો ચહેરો લાગણીનો રેલો બની ગયો.

“અરે સાહેબ ! તમે ? ચાર્વીના મોએથી તમારા વિષે બહુ વાતો સાંભળી છે. તમે તો અમારા ઘરે જમી પણ ગયા છો, પણ હું હાજર ન હતો એટલે…”

એ ગેરહાજરીનો અફસોસ આ ક્ષણે પણ હું દીપકભાઈની આંખોમાં વાંચી શક્તો હતો.

ડૉ. ચાર્વી એટલે મારી સહાધ્યાયિની. એ પણ ગાયનેકોલોજિસ્ટ હતી. નદીના પેલે પારના વિસ્તારમાં એનું નર્સિંગહોમ હતું. અનેક વાર હું અધરાતે-મધરાતે એને ઓપરેશનમાં હાથ વટાવવા માટે જતો હતો. અમારી વચ્ચે સારા, પારિવારિક સંબંધો હતા. ચાર્વિને એના ધનિક પિયર પક્ષ પ્રત્યે જબરજસ્ત લગાવ હતો. એ હંમેશાં ભાઈ-ભાભીની, પપ્પા-મમ્મીની, ભત્રીજા- ભત્રીજીની જ વાતો કરતી રહેતી હતી. એનો પિયરપક્ષ આર્થિક રીતે એટલો સમૃદ્ધ હતો કે એના માટે ‘કરોડપતિ’ વિશેષણ દરિદ્રતાસૂચક લાગે !

“બોલો કેટલા રૂપિયા આપું ?”, મેં હસીને પૂછ્યું.

મારા સવાલ પાછળ અમારી ઓળખાણનો કશો ગેરલાભ લેવાની લાલય ન હતી, પણ ભાવ-તાલમાં વેતરાઈ કે છેતરાઈ ન જવાની અમદાવાદી-સહજ મનોવૃત્તિ અવશ્ય હતી. મને અંદાજ હતો કે આ પારણામાં દીપકભાઈને દોઢસોથી બસ્સો રૂપિયાનો ચોખ્ખો નફો કમાવા મળતો હશે.

દીપકભાઈના જવાબમાં પહેલાંના જેવી જ અફર રુક્ષતા હતી.

“એક વાર કહ્યું ને સાહેબ ? એક જ ભાવ. પાંચ પૈસા વધારે નહિં કે પંચાણું પૈસા ઓછા પણ નહીં. ઘરે આવો, તો જમાડી દઉં. બાકી ધંધામાં સંબંધ ન રખાય.”

એક ઝટકો લાગ્યો મનને. આજ સુધીમાં ડો. ચાર્વીને ઓપરેશનોમાં મદદ કરીને પયાસેક હજારની ખોટ ખાધી(એક પણ પૈસો મેં લીધો ન હતો). એને બદલે એને મારા ઘરે જમાડી દીધી હોત તો સારું હતું ને ? પુરી કિંમત ચૂકવીને પારણાના પેકેટ સાથે હું એ મોટી દુકાનના “નાનાં” પગથિયાં ઉતરી ગયો.

૦-૦-૦-૦-૦-૦-૦-૦

“શો ભાવ છે તડબુચનો ?”

ધોમધખતી બપોરે મેં રસ્તે બેઠેલા ગરીબ મુસલમાનને પૂછ્યું. મારા હાથમાં આખા ઢગલામાંથી મેં પસંદ કરેલું એક નંગ હતુ.

“સાડાસત્તર રૂપિયા”, એણે વજન કરીને જણાવ્યું (આ ભાવ પણ અઢાર વર્ષ પહેલાંનો છે.)

“કંઈક ઓછું કર.” મારું બાર્ગેઈન અપેક્ષિત હતું.

“સા’બ, લેના હૈ તો લે લો. એક પૈસા ભી કમ નહિં હોગા.” એનો જવાબ પણ અપેક્ષિત હતો.

મેં માથું હલાવીને સોદો મંજુર રાખ્યો. એણે પ્લાસ્ટિકની કોથળીમાં માલ ધર્યો. મેં વીસની નોટ કાઢી. અચાનક શું થયું એની ખબર ન પડી પણ એણે પૈસા લેવાની ના પાડી દીધી.

“નહીં સાબ ! પૈસા આ ગયા. આપ લે જાઈએ.

“અરે એમ શેના લઈ જઈએ ? પૈસા તો લેવા પડે ને ? મેં આપ્યા નથી, પછી તારી પાસે આવી શી રીતે ગયા ?”

મારો દૃઢ આગ્રહ અને સામે એનો દૃઢતર ઈન્કાર. પૈસા ન લીધા તે ન જ લીધા.

“પણ કારણ શું એ તો કહે. પહેલા તો તું એક પૈસો પણ ઓછો કરવાની ના…”

મારી વાતના જવાબમાં એણે રસ્તાની પેલે પાર, સામેની ફુટપાથ ઉપર બેઠેલા સાઈકલ પંક્યરની કેબિનવાળા તરફ આંગળી ચીંધી,

“મુસ્તાકને ઈશારા કર દિયા હૈ, સાબ ! આપ કે પૈસે નહિં લે સકતા.”

મેં સામે પાર જોયું ગરીબ મુસ્તાક બે હાથ જોડીને “નમસ્તે” ની મુદ્રામાં હસી રહ્યો હતો.

મને યાદ આવ્યું: આ મુસ્તાક એક વાર એની બીવીને લઈને મારી પાસે ચેક અપ માટે આવ્યો હતો બસ આટલી જ… ના, આટલી મોટી ઓળખાણ હતી એની સાથે ! અને વળી આ ઓળખાણનો રેલો છેક એના ધંધા સુધી પણ પહોંચતો હતો !

[ડૉ. દક્ષેશ શાહ સંપાદિત “નાનો માણસ મોટી વાત” માંથી સાભાર]