મૂલ્યાંકનકાર્યમાં નઘરોળ બેજવાબદારી સામે કશુંય થઈ શકે ખરું?

| 4 Minute Read

થોડા અઠવાડિયા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ. સેમેસ્ટર-પ ની અર્થશાસ્ત્ર વિષયની પરિક્ષાની ઉત્તરવહીઓમાં મધ્યવર્તી મૂલ્યાંકનમાં હેતુલક્ષી પ્રશ્નોને તપાસ્યા વગર જ ગાંધારી પદ્ધતિએ ઉત્તરવહીના બહારના પાના ઉપર માર્ક્સ મૂકી દેતાં જામનગરની એક કોમર્સ કોલેજના મહિલા અધ્યાપક રંગે હાથ પકડાયાની ઘટના પ્રકાશમાં આવી છે. ખેર, આ કિસ્સામાં તો યુનિવર્સિટી યોગ્ય લાગશે તો અને તેવાં પગલાં લેશે પરંતુ આ કિસ્સાથી કોઈની પણ અધ્યાપકીય સંવેદના ઉપર સહેજ પણ થરકાટ થયો છે કે કેમ તે સંશોધનનો મુદ્દો છે.

આ એક ઘટના તો “છિંડે ચઢ્યો તે ચોર” જેવી પ્રકાશમાં આવી પરંતુ આ ઘટના એક માત્ર ઘટના નથી. એક કિસ્સો અહીં ટાંકવાનું મન થાય છે.

આજથી આશરે ત્રીસેક વર્ષ પહેલાં જયારે મધ્યવર્તી મૂલ્યાંકન પદ્ધતિ અસ્તિત્વમાં ન હતી ત્યારે ટી.વાય.બી.કોમની અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં હું અધ્યક્ષ હતો. જુદા જુદા પાસેથી જ્યારે વિગતવાર પરિણામપત્રકો મારી પાસે આવ્યા ત્યારે મોટા ગજાના એક દિગ્ગજ અધ્યાપક પરીક્ષકના પરિણામ અને અન્ય પરીક્ષકોના પરિણામની ટકાવારી વચ્ચે ખાસ્સી મોટી વિસંવાદિતા જોવા મળી. આ પરીક્ષકશ્રીએ કરેલા મુલ્યાંકનમાં જરૂર કાંઈ ગરબડ હોવાનો અંદેશો આવતાં મેં કુલપતિશ્રી સમક્ષ લેખિત રજૂઆત કરીને એ પરીક્ષક ગમે તેવા મોટા ગજાના હોય તો પણ તેમને યુનિવર્સિટીમાં જ પુનઃ મુલ્યાંકન કરવવાનું સુચન કર્યું. કુલપતિશ્રીએ મારું સુચન સ્વીકાર્યું. આ પરિક્ષકે પુનઃમૂલ્યાંકનના પ્રથમ દિવસે જ સ્વીકાર્યું કે આ બધી જ ઉત્તરવહીઓ તેમના બદલે તેમના ધર્મપત્નીએ ચકાસી છે. તેમણે તો માત્ર સહીઓ જ કરી છે. કેટલીક ઉત્તરવહીઓમાં સહી કરવાનું પણ રહી ગયું હતું! પુનઃ મુલ્યાંકન તો થયું. પરંતુ પાછળથી કેટલાક વર્ષ પછી આ મોટા ગજાના અધ્યાપક એક યુનિવર્સિટીમાં કુલપતિ બની ગયા હતા! મિત્રો, આ ઉપજાવી કાઢેલી કાલ્પનિક કથા નથી, સત્ય ઘટના છે.

કારણ ગમે તે હોય, પરંતુ તેનાં પરિણામો ખુબ જ વિઘાતક છે. વિધ્યાર્થીની ભાવિ કારકિર્દી માટેના અનિવાર્ય પ્રવેશદ્વારા જેવી પરીક્ષાના મૂલ્યાંકનમાં આવી અક્ષમ્ય બેજવાબદારી અત્યંત ધૃણાસ્પદ અને જઘન્ય કૃત્ય છે. ગેંગરેપ કરતાં સહેજ પણ ઓછી સજાને પાત્ર આ કૃત્યને નહીં ગણવું જોઈએ. અત્યંત ઊંચા માનસિક તનાવ સાથે તૈયારી કરીને વિધ્યાર્થીએ આપેલી પરીક્ષાના મૂલ્યાંકનમાં આવી બેવફાઈ?

હું મારા વિધ્યાર્થીઓને હંમેશા કહેતો કે રેસ્ટોરન્ટ ગમે તેવું આકર્ષક હોય તોપણ તેના રસોડામાં ડોક્યું કરવું નહીં નહીંતર તમને ઉબકી આવશે. તેવી જ રીતે કોઈ અધ્યાપક મૂલ્યાંકન કાર્ય કરતો હોય ત્યાં ડોક્યું કરવું નહીં, નહિંતર તમને ભણવા ઉપરથી વૈરાગ્ય આવી જશે. એક હાથમાં ગાંઠિયાનો ટુકડો અથવા ચ્હાનો કપ હોય અને બીજે હાથે લાલ લીટા તણાતા જતા હોય એ દશ્ય કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ કેવી રીતે સહન કરી શકે.

અધ્યાપકોને એકાએક પોતાની અધ્યાપકીય જવાબદારીનું ભાન થાય, ફરજ પ્રત્યેની વફાદારી જાગી ઊઠે અને પોતાના વ્યવસાય માટેનો સમર્પિત ભાવ ઉત્પન્ન થાય તો જ આ દૂષણમાંથી મુક્ત થઈ શકાય તેવું છે. પરંતુ અધ્યાપકોના માનસ પરિવર્તનનો આવો કોઈ ચમત્કાર થવાનો નથી. થવાનો હોત તો અત્યાર સુધીમાં થઈ ગયો હોત. વ્યક્તિને તેની જવાબદારીનું ભાન અને પાલન કરાવવા માટે જ્યારે શાન એટલે સમજાવટ નિષ્ફળ જાય અને દામ એટલે ઊંચા તગડા પગારથી ઊલટો તે વધુ બેજવાબદાર બની જાય ત્યારે ન છુટકે દંડના ભયનું શાસ્ત્ર વાપરવું જ પડે. વિધ્યાર્થીઓની કારકિર્દિ સાથે મલીન રમત રમાવાની અક્ષમ્ય બેદરકારી જો સાબિત થાય તો તેવા અધ્યાપકને માત્ર પરીક્ષાકાર્યમાંથી જ નહીં સમુળગા નોકરીમાંથી જ કાઢી મૂકવાની સજાની જોગવાઈ કરતા નિયમો લાવવાની સત્તાવાળાઓએ હિંમત દાખવવી પડશે. અભય જો માણસને આસુરીવૃત્તિનો, બેજવાબદાર બનાવી દેતો હોય તો તેની સામે ભયનું જ શસ્ત્ર બાકી રહે છે.

મને યાદ છે કે થોડા મહિના પહેલાં એક આચાર્યે અધ્યાપકોનાં બિનજવાબદાર અધ્યાપકીય વર્તન માટે અભિદ્રષ્ટિના પાના ઉપર બળાપો ઠાલવ્યો ત્યારે ખુણે ખુણેથી અધ્યાપકો વ્યક્તિગત અને સંગઠિત રૂપમાં આવા અધ્યાપકોની સખાતે અભિદ્રષ્ટિ ના પાનાં ઉપર જ ઉમટી પડ્યા હતા. ઘણો મોટો વિવાદ ચાલ્યો હતો આ મુદ્દા ઉપર. હવે જ્યારે એક અધ્યાપક પરીક્ષા મૂલ્યાંકનના કાર્યમાં અક્ષમ્ય બેજવાબદાર વર્તન કરતા રંગે હાથ પકડાયા છે ત્યારે તેને વખોડવા માટે કેટલા અધ્યાપકો બહાર આવે છે તે જાણવાનું આપણને સૌને જરૂર ગમશે.

[સાભાર :- અભિદ્રષ્ટિ, એપ્રિલ-૧૩]