નારી

ઓશો

| 9 Minute Read

એ કેટલી દુઃખદ વાત છે કે પાછલા વીસ વર્ષના પ્રખ્યાત મનોવિજ્ઞાનીઓનું એ સૂચન છે કે જો મનુષ્ય જાતિને માનસિક રોગોથી મુક્ત કરવી હોય તો બાળકો નું મા-બાપથી અલગ પાલન કરવું પડશે. આ ખુબ નવાઈ ભરેલી વાત લાગે છે કે મનો વૈજ્ઞાનિકોનુ તારણ છે કે મનુષ્ય જાતિને માનસિક રોગોથી સ્વસ્થ કરવી હોય અને લોકોને પાગલ થતાં બચાવવા હોય તો બાળકોનો ઉછેર મા-બાપથી અલગ કરવો પડશે. કારણ કે મા-બાપ એટલા ઉપદ્રવમાં જીવે છે કે બાળકો જીવન જીવતાં પહેલા જ ઉપદ્રવથી ભરાઈ જાય છે. એનાં મનમાં મા-બાપનાં તમામ ઝઘડાઓ ઉતરી આવે છે.

અને એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ચાર વર્ષ માં બાળક જેટલુ શીખી લે છે એ બાકીનાં જીવન માં શીખવાનું છે તેનાં ૫૦% જેટલું હોય છે. બાકીની જીંદગીમાં વધારાનું ૫૦% શીખે છે. ચાર વર્ષની ઉંમર સુધીમા બાળક પોતાની જીંદગીની ૫૦% વાતોના સબંધમાં જાણી લે છે. પછી બાકી વધે છે ૫૦%. જો તે ૮૪ વર્ષ જીવે તો ચાર વર્ષમાં તે જેટલું શીખ્યો તે બાકીનાં ૮૦ વર્ષોમાં શીખશે!

અને પ્રથમ ચાર વર્ષ બાળક મા-બાપ ને જોઈને જીવે છે. એનાં તમામ ક્લહ, તમામ સંધર્ષ, તમામ દ્રેષ, તમામ ઈર્ષા, તમામ નફરત, તેની તમામ ગાળો, તેનાં ખેંચાયેલા ચહેરા, તેની ઉદાસી, તેનાં આંસુઓ આ બધું બાળકમાં આવી જાય છે. એ બાળક આ બધું પી જાય છે. એ બાળક પછી જીંદગીમાં બધું દોહરાવ્યાં કરે છે. એમ કહેવું જોઈએ કે એ બાળક કોમ્પ્યુટર બની ગયું. પોતાના મા-બાપનું બિલ્ટ ઈન કોમ્પ્યુટર બાળક બની ગયું. તેનાં મા-બાપે ચાર-ચાર વર્ષ સુધી જે કર્યું તે તેની ભીતર ઉતરી ગયું. હવે તે એને જ દોહરાવશે. છોકરો પોતાનાં બાપનો જીવનમાં અભિનય કરે છે અને છોકરી પોતાની મા નો જીવનમાં અભિનય કરે છે. એટલા માટે જ આ દુઃખની કહાની જે પાછળની સદીમાં પુનરાવર્તિત થઈ હતી તે ફરી ફરી પુનરાવર્તિત થાય છે. અને માણસ ને છુટકારો દેખાતો નથી કે આમાંથી કઈ રીતે છુટી શકાય?

જો આપણે સ્રી અને પુરુષ વચ્ચેનાં સંબધોને નહીં બદલીએ તો દુનિયાએ આજે નહીં તો કાલે નક્કી કરવું પડશે કે બાળકોને મા-બાપ પાસેથી લઈ લેવામાં આવે, આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઈઝરાયલમાં આવો પ્રયોગ કરવામાં આવ્યો અને ખુબ સુખદ પરિણામ આવ્યું. ઈઝરાયલમાં મોટી સંખ્યામાં બાળકોને મા-બાપ પાસેથી લઈ લેવામાં આવ્યા છે અને નર્સરીમાં ઉછેરવામાં આવી રહ્યા છે. અને જે બાળકો નર્સરી માં મોટા થયા છે તે મા-બાપ પાસે ઉછેરવામાં આવેલા બાળકો કરતાં વધારે સ્વસ્થ, વધારે સબળ અને માનસિક રીતે વધારે આનંદિત અને પ્રસન્‍ન છે.

ખૂબ હેરાનીની વાત છે. આપણી ખૂબ જુની માન્યતા છે કે મા-બાપ વિનાં બાળકોનો ઉછેર થાય તો તે સારા બનતા નથી આ વાત ખોટી સાબિત થઈ છે. પરંતુ હું માનું છું કે મા-બાપ સારા હોય તો તેની પાસે બાળકોનો જે ઉછેર થાય તે નર્સરીમાં ઉછરેલા બાળકો કરતાં વધારે સારો થઈ શકે.

પરંતુ મા-બાપ કેવી રીતે સારા બની શકે? આપણે તો સ્ત્રી અને પુરુષને દૂર રાખતા જઈએ છીએ. ઘરમાં એક છોકરી જન્મે તો ઘરનાં લોકો એક રીતે સ્વીકારે છે અને છોકરો જન્મે તો બીજી રીતે સ્વીકારે છે. અને મજાની વાત એ છે કે આ બધી સ્વીકૃતિઓમાં સ્ત્રીઓ મહત્વનો ભાગ ભજવે છે. આમાં નેવું ટકા સ્ત્રીઓનો હાથ હોય છે કારણ કે ઘરમાં સ્ત્રી પુરેપૂરી માલિક હોય છે. ઘરમાં મા જો છોકરી ને જન્મ આપે તો મા પણ ઉદાસીનતા સાથે તેને આવકારે છે. ખબર નહીં કે સ્ત્રીઓ આવનારી (જન્મનારી) સ્ત્રીઓ પર ક્યારે દયા કરશે? તેની કઠોરતાનો ક્યારે અંત આવશે?

તો હું તમને એ કહેવા માંગુ છું કે તમારી દિકરીઓ સાથે સદ્વ્યવહાર કરજો. અત્યાર સુધી માતાઓએ પોતાની પૂત્રીઓ સાથે સારો વ્યવહાર નથી કર્યો. તેમણે પૂત્રોને વિશેષતા આપી છે. ખરેખર તો માતાઓ પણ પુરૂષોથી એટલી પ્રભાવિત છે કે તેને એ ખ્યાલજ નથી કે પૂત્રીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. આ અન્યાય બધી જ તરફથી થઈ રહ્યો છે. કોઈ તફાવત કરવાની જરૂર નથી. દુનિયા પૂત્ર વિના પણ નહીં ચાલે અને પૂત્રી વિના પણ નહીં ચાલે, દુનિયા ચલાવવા માટે બન્નેની જરૂર છે. દુનિયા ચલાવવા માટે બન્નેની સરખી જરૂર છે. બન્નેને એક સાથે આવકારવા એ સમજી શકાય છે પરંતું બન્ને વચ્ચે ભેદ બહુ ખતરનાક બાબત છે.

છોકરીઓને આપણે શિક્ષણ આપીએ છીએ તો પણ એ એટલા માટે નથી આપતા કે તે શિક્ષણનો કોઈ ઉપયોગ કરે. છોકરીઓ ને એટલા માટે શિક્ષિત કરવામાં આવે છે કે તે યોગ્ય પતિ મેળવવામાં સફળ રહે. છોકરી ઓને આપણે એ માટે શિક્ષિત નથી કરતા કે તેની જિંદગીમાં શિક્ષણનો કોઈ સર્જનાત્મક ઉપયોગ થાય. પણ આપણે એટલા માટે શિક્ષણ આપીએ છીએ કે તેની બઝાર કિંમત (લગ્ન) વધી જાય. આથી વધારે બીજા કોઈ ઉપયોગ માટે આપણે છોકરીઓને ભણાવતાં નથી.

પરંતુ આટલા માટે જ જો આપણે છોકરીઓને શિક્ષિત કરતાં હોઈએ તો આપણે શિક્ષણ ખોટી રીતે ખોઈ રહ્યાં છીએ અને છોકરી ઓની બઝાર કિંમત વધારવા જો તેને શિક્ષિત કરતાં હોઈએ તો તે છોકરીઓનું અપમાન છે. તેની બઝાર કિંમત તો તે છોકરી હોવાથી જ નક્કી થઈ જાય છે. આના માટે અલગથી શિક્ષણ આપવું એ ખતરનાક બાબત છે.

આજે દુનિયા આખીમાં સ્ત્રીઓ શિક્ષિત થઈ રહીં છે પરંતુ જેટલા મોટા પાયે શિક્ષિત થઈ રહીં છે તેટલા પ્રમાણામાં તેનો કોઈ ઉત્પાદક ઉપયોગ થઈ રહ્યો નથી. એક છોકરી એમ.એ. સુધી ભણશે અને પછી સાસરે જઈને ગૃહિણી બની જશે. અને હું નથી જાણતો કે તેનાં શિક્ષિણ નો તે શું ઉપયોગ કરી શકશે! એનાં શિક્ષણથી શું થશે? મારી પોતાની સમજ એવી છે કે તે જો કદાચ અભણ હોત તો વધારે સારી ગૃહિણી બની શકી હોત. શિક્ષિત થઈને તે સારી ગૃહિણી પણ નહીં બની શકે કારણ કે શિક્ષણમાં તેને ગૃહિણી બનવાનું કોઈ શિક્ષણ જ આપવામાં નથી આવ્યું અને જે શિક્ષણ આપવામાં આવ્યું છે તેને સારી ગૃહિણી બનવા સાથે કોઈ સંબંધ નથી. અને જે શિક્ષણ આપવામાં આવ્યું છે તેનાથી તેને ખાસ પ્રકારથી તૈયાર કરવામાં આવી છે. જેનો ઉપયોગ કરવાની ઈચ્છા થશે પણ ગૃહિણી હોવાથી તેને તેનો ઉપયોગ કરવાની કોઈ તક નહીં મળે.

એટલા માટે આધુનિક શિક્ષિત છોકરી જેટલી વિષાદગ્રસ્ત છે, જેટલી દુઃખી છે એટલી અ-શિક્ષિત સ્ત્રીઓ પણ નથી. શિક્ષિત સ્ત્રીને જિંદગી માટે આપણે એ રીતે તૈયાર કરી છે જેવી રીતે એક આદમીને આપણે વીણા વગાડવા માટે વીસ વરસ તૈયાર કરીએ અને પછી આખી જિંદગી તેને વીણા વગાડવાની તક ન મળે તો તે આદમી વધારે દુઃખી થશે. આખરે વીસ વરસ તૈયારી એટલા માટે હતી કે ક્યારેક તે વીણા વગાડશે. વીસ વરસ તૈયારીમાં પરેશાન થયો અને જ્યારે વીણા વગાડવાની તક આવી ત્યારે અચાનક ખબર પડી કે હવે વીણા વગાડવાની કોઈ જરૂર નથી. અને વીણા વગાડવાનો કોઈ અર્થ પણ નથી. તો વીસ વર્ષનું જે શિક્ષણ છે જેમાં તેની જિંદગી ખરાબ થઈ. જો તેનો ઉપયોગ ન હોય તો આપણે તેની જિંદગીને ખતરનાક વળાંક પર લાવીને મુકી દીધી. હવે એણે જે કરવું પડશે તેનું તેને કોઈ શિક્ષણ આપ્યું નથી. એ મામલામાં તે બિલકુલ અશિક્ષિત છે. અને જે તેણે કરવાનું છે. જેનાં માટે શિક્ષણ આપવામાં આવ્યું છે તે એણે કરવાનું નથી.

સ્ત્રીઓનાં ચિત્તનાં બે ભાગ થઈ ગયા છે. એક ભાગ જે શિક્ષિત છે પરંતુ અનુપયોગી છે. બીજો ભાગ જે અશિક્ષિત છે પરંતુ તેનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે શિક્ષિત ગૃહિણી અશિક્ષિત ગૃહિણી કરતા પણ ખરાબ હાલતમાં મુકાઈ જાય છે.

હું એમ નથી કહેતો કે સ્ત્રીઓને શિક્ષણ ન આપવામાં આવે. હું એમ કહુ છું કે સ્ત્રીઓએ શિક્ષણ લેવાની સાથે તેનાં ઉત્પાદક ઉપયોગની માંગ પણ કરવી જોઈએ. એણે કહેવું જોઈએ કે શિક્ષિત બનીને અમે પણ અમારા શિક્ષિણનો પૂરો ઉપયોગ કરવા માંગીએ છીએ.

અને મારી પોતાની સમજ એવી છે કે જે દિવસે દુનિયામાં સ્ત્રીઓ ઉત્પાદક બની જશે તે દિવસે આપણે દુનિયાને સમૃધ્ધ કરવામાં ખૂબ મોટું કામ કરી શકીશું. અડઘી દુનિયા કંઈ ન કરે તો એકલી અડધી દુનિયાથી દુનિયા સમૃધ્ધ નહિં બની શકે. સ્ત્રીઓએ સૃજનાત્મકતામાં લાગવું પડશે.

[સાભાર : નારી ઔર કાંતિ - ઓશો]