નાના બાળકનો નિબંધ

ડૉ. આઈ. કે. વીજળીવાળા

| 3 Minute Read

એક પ્રાથમિક શાળાનાં શિક્ષિકા બહેને પોતાના વિધાર્થીઓને એક નિબંધ લખવા આપ્યો. વિષય હતો : “ભગવાન તમારા પર કઈ કૃપા કરે તો તમને ગમે ?”

બધા વિદાર્થીઓએ મન દઈને પોતાના વિચારો કાગળ પર ઉતાર્યા. શિક્ષિકાબહેન એ બધા કાગળ લઈને ઘરે આવ્યા. દિવસના અંતે એ નિબંધો તપાસવા બેઠાં. એમાંથી એક બાળકનો નિબંધ વાંયીને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.

બરાબર એ જ વખતે એમના પતિ કામેથી પાછા આવ્યા. ઘરે આવતા જ પત્નીને રડતી જોઈને એ બોલ્યા, “કેમ શું થયું ? તું કેમ આટલું બધું રડે છે ?”

“આ બાળક નો નિબંધ વાંચો !”, શિક્ષિકાબેને રડતાં રડતાં જ પોતાના પતિને કાગળ હાથમાં આપતા કહ્યું.

એમના પતિએ નિબંધ લખેલો કાગળ હાથમાં લીધો. એક નાનકડા બાળકે એમાં લખ્યું હતું કે,

“હે ભગવાન ! હું તમને મારા ઉપર એક ખાસ કૃપા કરવાની પ્રાર્થના કરૂં છું. તમે મને ટેલિવિઝન (ટીવી) બનાવી દો. મારે ટીવી બનીને મારા ઘરમાં ટીવીની માફક જીવવું છે. જેથી કરીને આખું જ ઘર મારી આસપાસ રહે. હું જ બધાના રસનું અને આકર્ષણનું કેન્દ્ર બની રહું. મને સાંભળતી વખતે કોઈ વચ્ચે ન બોલે કે કોઈ કાંઈ સવાલ ન કરે. બધા મારી ખૂબ જ કાળજી રાખે. મારાં માતાપિતા તેમ જ ભાઈ-બહેનોને પણ મારી કંપની ગમે. મારૂં કુટુંબ મારી સાથે રહેવા માટે એનાં હજાર કામ પડતા મૂકી દે. એ લોકો મારી સાથે સમય ગાળવા આતુર હોય. અને હે ભગવાન ! હું પણ એ બધાને સુખી કરી શકું અને ખુશ પણ કરી શકું. માટે મારી ઈચ્છા છે કે તમે મને એક સરસ મજાનું ટીવી બનાવી દો ! બસ, મારા પર એટલી કૃપા કરજો, પ્રભુ !”

નિબંધ પૂરો કરીને એમના પતિએ શિક્ષિકાબહેનની સામે જોયું. પછી કહયું, “માય ગોડ ! અરે ભગવાન ! કેવો દુ:ખી છોકરો છે આ ! અને કેવું ખરાબ કુટુંબ મળ્યું છે એને ! ખરેખર દયા આવે છે મને તો !”

આંખમાં આંસુની ધાર સાથે શિક્ષિકાબહેને પોતાના પતિ સામે જોયું. પછી કહ્યું, “એ નિબંધ આપણા દીકરાએ લખ્યો છે !”

[ડૉ. આઈ. કે. વીજળીવાળા સંપાદિત “પ્રેમનો પગરવ” માંથી સાભાર]


ઈશ્વર એ પ્રેમનું સ્વરૂપ છે. સારા વિચારો, ઘટનાઓ તેમજ પ્રસંગો એ આવા, પ્રેમના અવતરણના પ્રતીકરૂપ હોય છે. એ અદ્દભુત પ્રેમના પગલાં આપણા દિલમાં થાય એ તો આપણા જીવનની ધન્ય ક્ષણો કહેવાય. પ્રેમના આગમન પૂર્વે સંભળાતો એના આવવાનો અવાજ - પગરવ આપણને ઈશ્વરના આગમનનો સંકેત આપે છે. “પ્રેમનો પગરવ” ઈશ્વર પ્રત્યે તેમજ એક માનવીની માનવી પરત્વેની ફરજ, પ્રેમ, સંવેદનાનું સાદું નિરૂપણમાત્ર છે. એનો ઉદ્દેશ દરેક હદયમાં પ્રેમનો આવો જ પગરવ સંભળાય એટલો જ છે.

અહી આલેખાયેલ પ્રસંગ ઇન્ટરનેટ/ઇમેલ પરથી લીધેલ છે. હું આશા રાખું છું કે આ પ્રસંગો દરેક માનવીના મનમાં એવી જ સંવેદના જન્માવે જેવી વાતોના પાત્રોનાં હૃદયમાં ઉદ્દભવી છે અને એવી જ કોઈ સંવેદનાની સીડી, પરથી ઊતરીને ઈશ્વર આપણા દરેકના હૃદયમાં આગમન કરે ! — ડૉ. આઈ. કે. વીજળીવાળા