નાની વાતોની મોટી વાતો

મુકેશ મોદી

| 6 Minute Read

અંગ્રેજીમાં એક કહેવત છે કે “ડેવિલ લાઈઝ ઈન ડિટેઈલ્સ(Devil lies in details)”. આપણામાં જે અસુરી વૃત્તિઓ છે એ આપણા જીવનની નાની નાની ઘટનાઓમાં વ્યક્ત થાય છે. એક ભાઈ ઓશો પાસે ગયા અને ધાડ મારવા માંડયા કે એમણે આ વાંચ્યું છે તે વાંચ્યું છે. આ કર્યું છે તે કર્યું છે વગેરે વગેરે. ઓશોએ શાંતિથી કહ્યું કે ભાઈ પહેલા આ તમારા પગ જે યાંત્રિક રીતે હલ્યા કરે છે એની ઉપર અંકુશ મેળવો, પછી આત્મા-પરમાત્માની વાતો કરીશું.

બ્રુસ બાર્ટને એટલે જ સ્તો કહ્યું કે જ્યારે જોઉં છુ કે નાની નાની વાતોને કારણે જ અદ્ભુત પરિણામો મળે છે ત્યારે થાય છે કે નાની વાતો જેવું કંઈ છે જ નહીં ! બસ્સો પાનાંની ભવ્ય નવલક્થા પણ દરેક વાક્યની ભવ્યતા થકી જ આકાર પામે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આમીરખાન પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે. એ ફિલ્મની નાનામાં નાની વાત તરફ ધ્યાન આપે. અભિજાત જોષીએ એક ઈન્ટવ્યુમાં કહયું હતું કે તે અને રાજુ હિરાણી એમની ફિલ્મોની સ્ક્રીપ્ટ લખતી વેળા એક બાબતનું ધ્યાન રાખે છે કે લખેલો સીન જો ભરપુર હસાવી શકવા સમર્થ ન હોય કે ઓડિયન્સ મૂવ કરી શકવાનું સામર્થ્ય ન ધરાવતો હોય તો એને કાઢી નાંખવાનો. રાજ કપુર માટે એવું કહેવાય છે કે ગ્રેટેસ્ટ શો-મેન એટલા માટે બન્યા કારણ કે ફિલ્મ નિર્માણની દરેક બાબતને તેઓ ધ્યાનપૂર્વકમઠારતા. પછી એ સંગીત હોય, કેમેરાનું કામ હોય, એડિટિગં હોય કે આઉટડોર શુટિંગ. સચિન તેંડુલકરે એક વાર શેન વોર્નનો સામનો કરવાનો હતો ત્યારે આગલા દિવસે ભારતના ભૂતપૂર્વ લેગસ્પીનર નરેંદ્ર હીરવાણીને સ્પેશ્યલ આમંત્રણ આપી નેટ્સમાં બોલિગં કરવા બોલાવ્યો હતો. અને એને ખાસ કહ્યું હતું કે લેગ સ્ટમ્પની બહાર બોલ નાંખ. એન્ડલેસ દાખલાઓ આપી શકાય જે આખરે સિદ્ધ કરે છે કે જો નાની નાની વાતોમાં બરાબર ધ્યાન આપીએ, એમાં પરફેક્શન લાવીએ તો આપોઆપ અદ્ભુત પરિણામો મળે છે. કમનસીબે આપણે મોટી મોટી બાબતોમાં જ ધ્યાન આપીએ છીએ. આપણે એવું માની લીધું છે કે નાની બાબતો ક્ષુલ્લક છે, એમાં તો વળી શું સમય બગાડવો?

એક મહાત્માના આશ્રમમાં જવાનું બન્યું હતું. અમારી સાથેના એક ભાઈએ એ આશ્રમમાં રહેતા એક બહેનને એ સ્વર્ગરથ મહાત્માની થોડીક વાતો કહેવાની વિનંતી કરી. પેલા બહેને કહ્યું કે, “તેઓ (પેલા સ્વર્ગસ્થ મહાત્મા) જે પણ કામ કરતાં તેને અતિશય પ્રેમપૂર્વક અને પોતાની સંપૂર્ણ હાજરીથી કરતાં. શાક સુધારે તો એવું લાગે કે જાણે શાકભાજી સાથે વાત કરતાં હોય!…” એ વાત અલગ છે કે પેલા ભાઈ દુ:ખી થઈ ગયા કારણ કે તેઓ તો મોટા ચમત્કારોની વાત સાંભળવાજ આતુર હતા! કમનસીબે, આપણને ભવ્ય બાબતોની એવી તો આંધળી તરસ રહે છે કે નાનકડી વાતોની ભવ્યતા જોવાનું ચુકી જએ છીએ.

એટલે જ સ્તો બાર્ટન સાહેબ કહે છે કે નાની વાતો આપણું ખરું દર્પણ છે. અને એટલે જ સ્તો એવું લાગે છે કે નાની વાતો જેવું કશું હોતું જ નથી. એક મિત્રએ વાત કરી હતી કે એક મોટા અધ્યાપકને સ્ત્રી-સ્વાતંત્ર્ય અંગે લેકચર આપવા જવાનું હતું. ઉતાવળમાં હતા. એમનાં મોજાં-હાથરૂમાલ મળતાં નહોતાં એટલે ચિલ્લાવા માંડયા એમની પત્ની ઉપર! હવે દુનિયા તો એમને સ્ત્રી-સ્વાતંત્ર્યના હિમાયતી તરીકે ઓળખે છે. પણ હકીક્ત એમની પત્નીને પૂછવી પડે. એટલે જ સ્તો આપણો કહીએ છીએ ને કે પત્ની અંગે પતિ જે કહે, અને પતિ અંગે પત્ની જે કહે એ જ સત્ય. મોટા મોટા નકાબ કરવા સહેલા છે. પણ સાચો માનવ સ્વભાવ નાનકડી વાતોમાં જ પ્રદર્શિત અથવા તો વ્યક્ત થતો હોય છે. આમ એડવેન્ચરની વાતો કરતા હોઈએ, ડિસ્કવરી તો મારી ફેવરિટ ચેનલ એવો વહેમ રાખતા હોઈએ, પણ અડધી રાતે પંક્યર પડે ત્યારે જે ધીરજ રાખીએ અને સાહસ બતાવીએ એ જ ખરું.

હું તો હંમેશા કહું છુ કે સગાઈ કરતાં અગાઉ સાથે પ્રવાસનું આયોજન કરવું જોઈએ. દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે. આપણું ઈરીટેશન લેવલ કેટલું છે એ પ્રવાસના પાંચમા દિવસે ધ્યાનમાં આવી જાય. આપણે હોટલમા જઈએ ત્યારે શીખેલી હોટલ-મેનર્સનું પ્રદર્શન કરીએ છીએ, અવાજ ધીમો રાખીએ, બેસીએ ત્યારે પગન હલાવીએ, જમતી વખતે મોથી અવાજ ન કરીએ. ઠીક છે, આ બાબત સારી છે, પણ જો વેઈટર સર્વિસ મોડી આપે કે આપણી વાત બરાબર ન સાંભળેતો તરત જ ગુસ્સે થઈ જઈએ. વેઈટર સાથે જે રીતે વાત કરીએ એ નાની વાતમાં જ તમારા મોટા સ્વભાવ ની સાબિતી મળી આવે છે. જે જણ વેઈટર સાથે સોફટ રીતે વાત ન કરી શકે એના ઘરે કે એને દીકરી ના અપાય. શક્ય છે એ કાલે તમારી દીકરી સાથે પણ એ રાક્ષસી રીતે વાત-વર્તન કરે.

અગાઉ લખી ગયો છું, પુનરાવર્તનનો દોષ સ્વીકારીને પણ પુનઃ ટાંક્વાનું મન થાય એવી વાત ગીતામાં આવે છે. ભગવદ્ ગીતામા જ્યારે અર્જુન કૃષ્ણને સ્થિતપ્રજ્ઞના લક્ષણો પૂછે છે ત્યારે અર્જુન જે પ્રશ્ન પૂછે છે એ મહત્ત્વનો છે. અર્જુન પૂછે છે કે જેની બુદ્ધિ સ્થિર છે એવો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ ચાલે છે કેવી રીતે, બોલે છે કેવી રીતે, બેસે છે કેવી રીતે? બુદ્ધિ સ્થિર થઈ ગઈ હોય કે મતિ સ્થિર હોય તો તે વાણી - વર્તનમાં વ્યક્ત થવી જ રહી. ગીતાકાર આપણને એમ સૂચવવા માંગે છે કે સ્મોલ ઈઝ બિગ! નાનકડી વાતો જ ખરા અર્થમાં મોટી હોય છે, અથવા તો નાની બાબત જેવું કશું છે જ નહીં.

[સાભાર : ચિનગારી, લેખક: મુકેશ મોદી]