નવા વરસ ની પ્રાર્થના

નાથાલાલ જોશી

| 2 Minute Read

દીપોત્સવીનો ચોતરફ ઉલ્લાસ અને ઉજાસ પથરાઈ રહ્યો છે.
દીપમાળાઓ ઠેકઠેકાણે પ્રગટી છે.
એના પ્રકાશથી સૌંદર્યવૃદ્ધિ થાય છે.

મહાલક્ષ્મી ! તારા ચરણોમાં નત ભાવે નમું છું.
તારી સમૃદ્ધિ અને વૈભવ, પ્રસાદ સ્વરૂપે જરૂર સ્વીકારીશ.
આ પ્રસાદ આપતાં પહેલાં સદ્બુદ્ધિ આપજે.
જેથી તારા વૈભવનો સદુપયોગ કરું.

લક્ષ્મી ! તું ખરેખર વિષ્ણુપ્રિયા જ છો,
વિષ્ણુની અભિન્ન શક્તિ છો,
તારા મહિમાથી વિષ્ણુ ગૌરવાન્વિત છે!

મહાસરસ્વતી! તું અનુગ્રહ કર.
વીણાવાદિની ! તું જ્ઞાનદા છો;
તારી પાસે વિશુદ્ધ જ્ઞાનની પ્રાર્થના કરું છું.

મહાકાલી ! તારી ધ્વંસાત્મક શક્તિથી
મારી આંતર ચેતનાના ષડ્ રિપુઓનો સંહાર કર !

હે મા! દીપાવલીની જ્યોતશિખાઃ
પરિમિત છે, કાલાધીન છે, પરાધીન છે;
મારા અંતરમાં શુભ્ર જ્ઞાનદીપનો પ્રકાશ શાશ્ચત પ્રગટે,
એનું મધુર તેજ ચોતરફ ફેલાય,
એની સાત્ત્વિકતાની ઝલક સર્વ સ્થળે પ્રસરે !

૦-૦-૦-૦-૦-૦-૦-૦

હે પ્રભુ!
આજના નૂતનવર્ષના નવલા પ્રભાતની
સુભગ પળે શુભ સંકલ્પ કરું છું
જેમાં કૃપાનું અમોઘ બળ ઉમેર.

વર્ષોથી મેં સંકલ્પો કર્યા :
પરંતુ નિષ્ફળ ગયા.
અમૂલ્ય પળો નિરર્થક ચિંતનમાં વ્યતીત કરી,
આયુષ્યનો ક્ષય કર્યો.

હવે અનુગ્રહ કર :
હું અસત્યભાષી ન થાઉં, મધુરભાષી બનું.
કઠોર વચનથી બચું અને
દુઃખી, અભાવગ્રસ્ત, રુગ્ણને
પ્રભુનાં સ્વરૂપ સમજી સેવારત બનું.

આ દૈવી સંપદ્‌ નું રક્ષણ તું કર.
આસુરી સંપદ્‌ થી દૂર તું જ રાખ.
તારી સમૃતિમાં હર પળ વીતે
એમારી નમ્ર પ્રાર્થના છે.

જીવનની અંતિમ પળે તારું સ્મરણ રહે અને
નિરર્થક ચિંતન છૂટે.
તારા તરફ જ મતિ અને ગતિ રહે!

[નાથાલાલ જોશી, અમૃતમ ભાગ-ર માંથી સાભાર]