નવી પેઢી ગાંધીજીને જરૂર સમજશે

અભિયાન

| 5 Minute Read

ઘણા વડીલો અમથા દુઃખી થઈને કહે છે કે નવી પેઢી ગાંધીજીને ભૂલી જવા બેઠી છે. આ રીતે નવી પેઢીને થોડીક ઉતરતી કક્ષાની ગણવાની કુટેવ હજારો વર્ષ જુની છે.

કહે છે કે દુનિયા પર લખાયેલું પહેલું વાક્ય હતું, “આ દુનિયા હવે પહેલાંના જેવી રહી નથી.” નવી પેઢી નિખાલસ છે. એના પેટમાં પાપ નથી એને દંભ જરાય પસંદ નથી. એને ગાંધીજીની કેટલીક વાતો સમજાતી નથી. વળી કેટલીક વાતો એને સાવ વિચિત્ર લાગે છે.

જો યુવાનોને એક વાર ગાંધીજીની ખૂબીઓનો ખ્યાલ આવી જાય તો તેઓ જરૂર ગાંધી નામની ઘટના પાછળ ઘેલા થશે. કેટલા રાજકારણીઓ અને ગાંધીવાદીઓને જોઈને નવી પેઢી નિરાશ થાય તો એમાં એમનો કોઈ વાંક નથી. યુવાનો પુસ્તકો દ્વારા ગાંધીજીના સીધા પરિચયમાં આવે તો જરૂર જાદુ થાય. ગુજરાતના યુવાનોને એક ખાસ વિનંતી કરવી છે. એક ઉનાળુ વેકેશન મહાત્મા ગાંધી માટે જુદું ફાળવો. યુવાન ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં જે પરાક્રમો કર્યા તે અમિતાભ બચ્ચને સિનેમાના પડદા પર અભિનય રૂપે કરેલાં પરાક્રમો કરતાં ઘણાં વધારે દિલધડક હતાં. ગાંધીજી પાસે જાદુ હતો. એક વાર એમની સમીપે પહોંચેલો માણસ જીવનભર એમને છોડી શક્તો ન હતો. યુવાનોને ગાંધીના જાદુનો પરિચય કરાવે તેવા વડીલો ઝટ જડતા નથી. આવું બને તેમાં ગાંધીનો શો વાંક?

વલસાડના આચાર્ય રમેશ દેસાઈ ગાંધીજીના અનુયાયી નથી. એમને કોઈ ગાંધીજન ન કહે. તેઓ ગાંધીજીના જબરા ફેન છે. ક્યારેક તો ગાંધીજીનો કોઈ ભીનો પ્રસંગ સાંભળે ત્યારે તેઓ બાળકની માફક રડી પડે છે. તેઓ નાસ્તિક છે અને નિષ્ઠાવંત રેશનાલિસ્ટ છે. પરંતુ ગાંધીજીની વાત આવે ત્યારે લગભગ ભક્ત જેવા બની રહેછે. એમની પાસે ગાંધીજી અંગેની કેટલીક ઓછી જાણીતી વાતોનો દુર્લભ(Rare) ખજાનો છે. એ ખજાનામાંથી કેટલીક કીંમતી હકીકતો અહીં પ્રસ્તુત છે.

  • જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં બુર્ગોલ્ફ વિસ્તારમાં આવેલા એક માર્ગનું નામ છે : Mahatma Gandhi Road.

  • લંડનમાં ગાંધીજીની પ્રતિમા છે, ન્યુયોર્કમાં પણ છે અને અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મિલવોકી શહેરમાં ૨૦૦૨ની ગાંધી જયંતિના દિવસે મુકાયેલી એક વિશાળ કદની ગાંધી પ્રતિમા ત્યાંની જીરાર્ડ સ્ટ્રીટમાં પણ છે. એ જગ્યાનું નામ છે : ગાંધી સર્કલ. જયોર્જિઆના એટલાંટિક શહેરમાં છ ફુટ ચાર ઈંચ ઊંચી એવી કાંસાની પ્રતિમા મુકવામાં આવી છે.

  • દક્ષિણ આફ્રિકાના મારિત્ઝબર્ગ રેલવેસ્ટેશને પ્રથમ વર્ગના ડબામાંથી ગાંધીજીને ધક્કો મારીને ફંગોળી દેવામાં આવેલા. તે નગરના એક ચોકમાં ગાંધીજીની પૂરા કદની પ્રતિમા નીચે લખ્યું છે : “બર્થ પ્લેસ ઓફ સત્યાગ્રહ.”

  • ન્યુયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં જગતના કેટલાક મહામાનવોનાં સુવાક્યો વાંચવા મળે છે. એક સુવાક્યની નીચે લખ્યું છે એમ.કે.ગાંધી(ઈન્ડિયા)

  • કૂર્દ પ્રજાના નેતા જમાવ ગુમ્બલેટે, મેકિસકોના ખેતમજુરોના નેતા લિઝારે, પોલંડના નેતા લેક વાલેસા, અમેરિકા માર્ટિન લ્યુથર કિંગ, ઈઝરાયેલના નેતા શિમોન પેરેઝ, દક્ષિણ આફ્કિાના મહાન નેતા નેલ્સન મન્ડેલા અને મહાન વિજ્ઞાની આઈન્ટાઈને મહાત્મા ગાંધીના પ્રભાવનો સ્વીકાર ગૌરવભેર કર્યો છે.

  • દુનિયાભરના દેશોએ ગાંધી જન્મ-શતાબ્દીના વર્ષ (૧૯૬૯)માં ગાંધીજીના ફોટાવાળી ટપાલ ટિકિટો બહા પાડી હતી. વિશ્વમાં આવું માન કોઈને મળ્યું નથી.

  • હોંગકોંગના એશિયાટિક સાપ્તાહિકે તંત્રીલેખ લખીને ગાંધીજીની હત્યા પછી ૫૦ વર્ષે એમને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મળે અને નોબેલ કમિટી પોતાની ભુલ સુધારી લે એવું સૂચવ્યું હતું.

  • ૧૯૫૨માં બી.બી.સી. એ ગાંધીજી અંગેના કાર્યક્રમ માટે ૨૭ કલાકનું રેકોર્ડિંગ કરેલું.

  • અમેરિકાના ટાઈમ મેગેઝિનમાં છેલ્લાં હજાર વર્ષ (સહસ્ત્રાબ્દી) ના મહામાનવોની યાદી (મેન ઓફ ધ મિલેનિયમ) માં ગાંધીજીનું નામ મોખરે છે.

  • ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથના રાજ્યારોહણ વખતે એમને મળેલી દેશદેશાવરની કિંમતી ભેટોનું કાયમી પ્રદર્શન બકિંગહમ પેલેસમાં રાખવામાં આવ્યું છે. તેમાં એક ખાદીના નાનકડા ટેબલ-ક્લોથ પર પંજાબી બહેને ભરતકામ કરેલું છે. એમાં દોરાભરતથી લખ્યું છે “વીથ બેસ્ટ વિશીસ ફ્રૉમ એમ.કે. ગાંધી.” રાણી પોતાના ખાસ મહેમાનોને એ મૂલ્યવાન ભેટ ગૌરવપૂર્વક બતાવે છે.

ગાંધીજીને દુનિયા કદી ભૂલી શકે તેમ નથી. ગાંધીજી સત્યના ઉપાસક હતા તેથી સત્યનું આયુષ્ય એમની સાથે જોડાયું છે. સત્યનું આયુષ્ય કેટલું? સત્ય સ્વાભાવે જ શાશ્વત છે, તેથી સદીઓ વીતે સાથે ગાંધીજી જરૂર જીવંત રહેવાનાં ! ગાંધીજી જેવા મહામાનવો કદી અપ્રસ્તુત નથી થતા કારણ કે સત્ય કદી અપ્રસ્તુત થતું નથી. નવી પેઢી ગાંધીજીને જરૂર સમજશે કારણ કે વડીલો કરતાં યુવાનો વધારે નિખાલસ જણાય છે. ગાંધીજી અને નવી પેઢીને જોડનારો સેતુ નિખાલસતાનો છે. નવી પેઢી તોફાની અને અલ્લડ જણાય છે. એ થોડીક સુખવાદી પણ જણાય છે. ગાંધીજી પણ સુખવિરોધી ન હતા. તેઓ સર્વના સુખમાં રાજી એવા સર્વોદય વિચારના પ્રણેતા હતા. સુખ કેવળ અમુક વર્ગને જ પ્રાપ્ત થાય તે એમને મંજુર ન હતું. તેઓ ગરીબોના બેલી હતા. પરંતુ ગરીબીના ચાહક ન હતા. એમણે કહેલું,

ગરીબી અહિંસાનું સૌથી વરવું સ્વરૂપ છે.

એક વાર ગાંધીજીના જાદુનું રહસ્ય સમજાય તો યુવાનો જરૂર ગાંધીજી પાછળ ઘેલા થશે. માત્ર સમયનો સવાલ છે.

[સાભાર: અભિયાન પ ફેબ્રુઆરી ૨૦૦૫]