નવી પેઢીની નિખાલસતા

સુરેશ દલાલ

| 5 Minute Read

આજની પેઢીનું એકસ્પોઝર એવું અને એટલું બધું છે કે સામાન્ય રીતે સરેરાશ આજનો યુવાનવર્ગ હોશિયાર વિશેષ છે. કમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટીવી ઈત્યાદિને કારણે એની આંખ સમક્ષ બારી-બારણાં ચપોચપ ખૂલતાં જાય છે. હોશિયાર હોવું, સ્માર્ટ હોવું એ જુદી વાત છે. પણ સંવેદનશીલતા જાળવી રાખીને મૌલિક હોવું એ મહત્ત્વની વાત છે.

એક જમાને એવો હતો કે આપણે આપણા વડીલ સાથે ખુલ્લા મને ડાયલોગ નહોતા કરી શકતા. આમન્યાને નામે - વડીલ સાથે આ વાત થાય કે ન થાય - એવા નિષેધોથી અકળાતા હતા.પણ હવેની પેઢી નિખાસપણે કોઈ પણ વિષય પર પોતાના વડીલો સાથે મિત્ર હોય એમ જ વાત કરી શકે છે. આમાં ક્યાંક ક્યાંક અપવાદો હોઈ શકે એ પરિસ્થિતિથી આપણે અજાણ્યા નથી. છતાં પણ ખાસ કરીને શહેરમાં બે પેઢી વચ્ચેનું વાતચીતનું અંતર ભુંસાતું જાય છે અને ખુલ્લી રીતે ચર્ચા થઈ શકે એવો મનમેળ સર્જાય છે. બાપ-દીકરો-દીકરી-દાદા સાથે ચર્ચા-વિચારણા થઈ શકે એવી પરિસ્થિતિ કેટલાંક કુટુંબોમાં સર્જાઈ છે. આકાશનો ઉઘાડ થયો છે. એ આ વાત દીવા જેવી ચોખ્ખી છે પણ સાથે સાથે મુળિયાંની પણ માવજત થવી જોઈએ. માતૃભાષાની પણ માવજત થાય તો વાત છે એના કરતાં વિશેષ જુદી બને. પણ મારે અહીં ભાષાની વાત નથી કરવી.

મોટે ભાગે નવી પેઢી નિખાલસ છે. જીવનમાં શું કરવું કે શું ન કરવું બાબતમાં પ્રમાણમાં સ્પષ્ટ છે. તાજેતરમાં એક મમ્મી એના પુત્રને લઈને ઓક્સફર્ડની ટ્રિનિટી ક્વૉલિટી કોલેજમાં કેવળ કોલેજ બતાવવાના હેતુથી લઈ ગઈ. ત્યારે એના પુત્રે સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે હું કોલેજ જોવા આવું છું ખરો પણ મારે પરદેશની કોલેજમાં ભણવું નથી. પરદેશમાં સ્થિર પણ થવું નથી. મારે તો જરૂર પૂરતું ભણીને માત્ર પૈસા કમાવા છે. મારે જીવનમાં શું કરવું છે એ બાબતમાં મારી પાસે મારા પૂરતો અત્યંત પારદર્શક ખ્યાલ છે. મારે મારા રમતગમતના શોખને પણ જાળવી રાખવો છે.

એક છોકરીનાં લગ્નની વાત ચાલતી હતી ત્યારે એ છોકરીએ એનાં મા-બાપને સ્પષ્ટપણે કહી દીધું કે તમે મારે માટે છોકરો જુઓ છો તે બરાબર છે. પણ મારી અપેક્ષા આટલી જ છે, મને એવું કુટુંબ અને એવો વર જોઈએ કે જે ઘરમાં મારે પચાસ કે પાંચસો રૂપિયા વાપરવા હોય તો કોઈને પૂછવું ન પડે. હું ભણેલી છું એટલે મારા પગ પર ઊભી જ રહીશ. પણ હું માનું છું કે મારી કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા જોખમાવી ન જોઈએ. હું એમ પણ માનું છું કે આર્થિક સ્વતંત્રતા એ આજના યુગમાં કોઈને માટે પણ અનિવાર્ય છે. મારે એવું કુટુંબ જોઈએ કે એમાં હું ઓશિયાળાપણાનો ભાવ ન અનુભવું.

એક સમાચાર આવે છે. આજે ટ્રેન ઊથલી પડી, કાલે બસ ખાબકી પડી, ક્યાંક ભુકંપ તો ક્યાંક નદીમાં પુર આવ્યા, મકાન પડી ગયાં, બસમાં બોમ્બ, ટ્રેનમાં બોમ્બ, આંતકવાદીઓ બોમ્બ બ્લાસ્ટમાં માસ્ટર થઈ ગયા છે, અને આપણે હાથ જોડીને બેસી રહ્યા છીએ. છાપાંઓ પણ રાબેતા મુજબમાં છપાય છે. રોજ ને રોજ જુદી જુદી રીતે સચિનની વાતો કે અમિતાભની વાતો આવે. બધું એનું એ જ જાણે કે છપાતું હોય છે. છાપાં વાંચવા કરતાં જોવાનાં વધારે હોય છે. છાપાંમાં લોહિયાળ દશ્યો દેખાય છે. તો એક વયોવૃદ્ધ માણસે પોતાની પૌત્રીને કહ્યું કે હવે તો સવારના પહોરમાં છાપાં વાંચવાનો પણ થાક લાગે છે, કંટાળો આવે છે. દાદાએ પોતાની પૌત્રી આગળ હૈયાવરાળ કાઢી ત્યારે પૌત્રીએ જવાબ આપ્યો કે એમાં કંટાળવાનું શું ? આપણે સમજી લેવાનું કે રમત એની એ જ છે પણ રમનારાઓ જુદા જુદા છે.

ઘણા વૃદ્ધ માણસો પોતાના જમાનાની વાતો કરે છે ત્યારે વીતી ગયેલા ભુતકાળને બિરદાવતા હોય છે. જ્યારે જયારે માણસ અમારા જમાનામાં આવું હતું કે તેવું હતું એની વાત કરે ત્યારે સમજી લેવું કે આ માણસ વૃદ્ધ થયો છે અને ભુતકાળની કૂચો થયેલી શેરડીને ચાવચાવ કર્યાં જ કરે છે. માણસે પરિવર્તન પામતા સમયને ખુલ્લા દિલથી અને ખેલદિલીથી સ્વીકારવો જોઈએ. જો સમય પરિવર્તન ન પામે તો ગતિ થીજી જાય. નવી પેઢીની પણ મર્યાદા હશે એની ના નહીં પણ નવી પેઢીની નિખાલસતા અને સ્પષ્ટતા બિરદાવવા જેવી છે. આખી નવી પેઢી જાણે કે નકામી છે અને છીછરી છે એવા ઉપરછલ્લા તારણો કાઢવાને બદલે સમતોલપણાથી અને સમદષ્ટિથી નવી પેઢીને સમજવાની કોશિશ કરવી જોઈએ.

[સાભાર :- ઝલક - અધ્યાય, લેખક: સુરેશ દલાલ, પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ]