નિષ્ફળતા વધુ મોટી સફળતાનું આહવાન છે!

ભુપત વડોદરિયા

| 5 Minute Read

અમેરિકાના મહાન પ્રમુખ અને ગુલામોના મુક્તિદાતા અબ્રાહમ લિંકન બાવન વર્ષની ઊંમરના થયા ત્યાં સુધીનું તેમનું જીવન એક પછી એક નિષ્ફળતાઓ ભરેલું હતું.

તેમના રાજકીય પક્ષે તેમને ચુંટણીમાં - રાષ્ટ્રપતિની ચુંટણીમાં - ટિકિટ એટલા માટે આપી હતી કે પક્ષના આ હોશિયાર સંચાલકોનો ખ્યાલ એવો હતો કે આપણો પક્ષ જીતવાનો નથી. એટલે આપણા કોઈ લાયક માણસને ઉભો રાખીને શું કરવાનું? આપણા કોઈ લાયક માણસને પરાજયનું કલંક મળે તેવું શું કામ કરવું? છતાં કોઈ નબળો તો નબળો ઉમેદવાર ખડો તો કરવો પડશે ! ચાલો અબ્રાહમ લિંકનને ઊભા રાખીએ. જીતવાની શક્યતા નથી. હારીશું તો પણ વાંધો નથી. આવા નબળા ઉમેદવાથી હારીએ તો આબરૂ ઓછી ગઈ ગણાશે. લિંકનને તો ખાસ કંઈ ગુમાવવાપણું છે જ નહીં!

અબ્રાહમ લિંકન ચુંટણીમાં ઉભા રહ્યાં. પછી પણ તેમનાં પત્ની એવું મેણું મારતાં રહ્યાં હતાં કે તમને પરણીને હું ક્યાંયની ના રહી! તમારી સામે ઉભેલા ડગ્લાસને પરણી હોત તો ચોક્કસ વ્હાઈટ હાઉસમાં પહોંચી જવામાં શંકા ના રહેત! લિંકનના શ્વસૂર પક્ષના અન્ય સભ્યો પણ તેને ઠોઠ જમાઈરાજ ગણતા હતા. પાર્વતીના પિતાનો અભિપ્રાય ભગવાન શંકર માટે ખાસ ઉંચો નહોતો. પણ માણસ શક્તિ બતાવે, સફળતા હાંસલ કરે એટલે ચિત્ર એકદમ બદલાઈ જાય છે. એનો એ જ માણસ ઉપડયો-ઊપડતો નથી. સ્વામી વિવેકાનંદનું નિરીક્ષણ સાચું છે કે,

સંસાર શક્તિને પૂજે છે. સામર્થ્યને પૂજે છે. નિર્બળની કોઈ ઉપાસના કરતું નથી.

પણ સફળતા શું માણસના હાથની વાત છે? માણસમાં ભરપૂર શક્તિ હોય, લોહી પસીનો એક કરી પુરુષાર્થ કરવાની વૃતિ હોય અને તે બધું કરે છતાં તેને સફળતા કે વિજય ના મળે એવું બનતું નથી? આવું જરૂર બને છે પણ માણસનો નિર્ધાર પાકો હોય અને પરમ શક્તિની કૃપા થાય તો તે ક્યાંક ને ક્યાંક વહેલો કે મોડો સફળતાને વરે છે. ઉપરા ઉપરી પરાજયો મળવા છતાં તેણે જંગ જારી રાખવો જોઈએ. એ જો મેદાન છોડી દે તો પછી એ પોતે જ સૌથી મોટો પરાજય છે.

રશિયાના મહાન વાર્તાકાર દોસ્તોવસ્કીના મિત્રો એની મશ્કરી કરતા. દોસ્તોવસ્કી સામુદ્રિક વિજ્ઞાનમાં શ્રદ્ધા રાખતા હતા. કોઈક ક્રોનોલોજિસ્ટે તેમને કહેલું કે તમારી ખોપરી સોક્રેટિસને મળતી આવે છે! મિત્રો મજાક કરતા કે દોસ્તોવસ્કીને આ આગાહીને લીધે મનમાં રાઈ ભરાઈ ગઈ છે, એને વહેમ છે કે એ મોટો માણસ થવાનો છે. દોસ્તોવસ્કીની જિંદગી તેની અડતાલીસ વર્ષની ઉંમર સુધી દારિદ્રય, દેવું, બંધન અને તરેહતરેહની કમનસીબીઓથી ભરેલી હતી પણ તેણે જે કંઈ સહન કર્યું તેમાંથી તેને એટલું બધું મળ્યું કે તે માલામાલ થઈ ગયો. માત્ર વાર્તાકાર તો ઠીક, એક ફરિસ્તો બની ગયો.

સૌ કોઈ જાણે છે કે મહાત્મા ગાંધીને અવલમંજલ પહોંચાડી દેવાની બધી તૈયારી કરીને અંગ્રેજો બેસી ગયા હતા. મહાત્મા માટે સુખડના લાકડાં પણ તેમણે ખરીદી લીધાં હતા. પણ ગાંધીજીએ એ રીતે ખતમ થઈ જવાની ના પાડી. સ્વરાજનો અરુણોદય નિહાળ્યા પહેલાં આંખો મીંચી જવાની એમની તૈયારી નહોતી.

જીવનમાં એવું બને છે કે ઘણી વાર આપણને આસુરી બળોની જીત થતી લાગે છે. પાશવી બળોને પ્રબળ બનતાં જોઈને આપણી શ્રદ્ધા ડગવા માંડે છે. ત્યારે આપણને લાગે છે કે કુદરતને ઘેર કોઈ ન્યાય નથી અને જેની પાસે પાશવી બળ છે તે જ જીતે છે. પણ ઘણી વાર પાશવી બળોની આ જીત તેનાં છેલ્લાં પુણ્યોની આખરી ચેતવણી જ હોય છે.

મહાભારતની વાત જાણીતી છે. યુધિષ્ઠીર સ્વર્ગમાં પહોંચ્યા ત્યારે યુધિષ્ઠીરે સ્વર્ગમાં દુર્યોધનને જોયો. દ્રોપદી અને ભીમ - અર્જુન જેવા સ્વજનો નરકમાં હતા, યુધિષ્ઠીર તો ખળભળી ઉઠયા. ઈન્દ્ર ભગવાનને તેમણે ઘણુંબધું સંભળાવ્યું. આ કઈ જાતનો ન્યાય? જેણે અત્યાચારો કર્યા, અધર્મ આચર્યો અને નરી હીનતા બતાવી તે દુર્યોધન પણ સ્વર્ગમાં? આ કઈ જાતનુ સ્વર્ગ? જે સ્વર્ગમાં દુર્યોધનને સ્થાન મળે એ મારે માટે સ્વર્ગ હોઈ ના શકે! મારે આવું સ્વર્ગ જોઈતું નથી. યુધિષ્ઠીરને પછી સાચી સમજ પડી અને મનનું સમાધાન થયું. દુર્યોધન તેના થોડાક જ પુણ્ય માટે ઘડી વાર સ્વર્ગનો મહેમાન બન્યો હતો અને પાંડવો તેમના પુણ્યમય જીવનમાં પણ થોડાક પાપ માટે નરકના મહેમાન બન્યા હતા. પાંડવો માટે સ્વર્ગ છેવટનું ધામ હતું - કૌરવ માટે છેવટનું ધામ નરક હતું.

ખરેખર માનવીની જિંદગીમાં નિષ્ફળતા એટલે શું? અમુક અપેક્ષિત ફળ ના મળ્યું તે. એવું ના બને કે આપણી અપેક્ષાનું ફળ નાનકડું અને નજીવું હોય જયારે આપણને ઈશ્વરકૃપાથી - ભાગ્યથી જે ફળ મોડેથી મળવાનુ હોય તે વધુ હિતકારક હોય? નિષ્ફળતાને વધુ મોટી સફળતાનું આહવાન ગણી લેવું જોઈએ.

[સાભાર : “ઉપાસના”, લેખક: ભુપત વડોદરિયા]