નીતિ-સૂત્રો

સંત તિરૂવલ્લુવર

| 3 Minute Read

 • ગુહસ્થનાં પાંચ કર્તવ્ય છે. (૧) પિતૃ-તર્પણ (૨) દેવ-તર્પણ (૩) અતિથિ સત્કાર (૪) સ્વજનોની સેવા (૫) આત્મોન્નતિ

 • પતિની આવકમાં પોતાની જાતને ગોઠવી, ગૃહસ્થે જે કર્તવ્ય બજાવવાનું હોય તેમાં સમાનભાવે જે પત્ની પ્રવૃત થાય છે તેજ જીવનસખી છે.

 • સ્ત્રીને બંધનમાં રાખવાનો શો અર્થ? એના શીલની સાચી રક્ષા તો એનું અંતઃકરણ જ કરે છે.

 • વ્યકિત પર ગમે તેટલા આશીર્વાદો વરસે પણ કર્તવ્યદીપને અજવાળે ઊછરતાં બાળકો મેળવ્યાના આનંદની સરખામણીમાં કોઈ ન આવી શકે.

 • પિતાનું પુત્ર પ્રત્યેનું કર્તવ્ય શું? સમાજમાં એ અગ્ર પંક્તિમાં બિરાજી શકે એવી એને પાત્રતા આપવી તે.

 • હોઠ પર સ્મિત ધરીને જે સુપાત્ર અતિથિઓનો સત્કાર કરે છે તેમનો મહિમા કરો. લક્ષ્મી પણ એ ઘરોમાં નિવાસ કરવામાં કૃતાર્થતા અનુભવે છે.

 • મધુરવાણીથી કામ સરતું હોય ત્યારે કઠોર વાણીનો ઊપયોગ કરનાર મનુષ્યને કેવો ગણવો? તે પક્વ ફળ કરતાં અપકવ ફળ પસંદ કરે છે.

 • અણીને વખતે કરેલો ઊપકાર ભલે ઓછો હોય, એનું મૂલ્ય અખિલ વિશ્વ કરતાંયે અધિક છે.

 • સન્માર્ગેથી ચાતરીને ચાલી આવતી સંપતિનો સ્પર્શ પણ ન કરતા, પછી ભલે તેમાંથી ગમે તેટલો લાભ મળતો હોય !

 • અગ્નિનો દાહ કાળે કરી રૂઝાય છે. વાણી નો દાહ કયારેય રૂઝાતો નથી.

 • જે પાડોશીની સમૃધ્ધિથી રાજી થવાને બદલે ઈર્ષા કરે છે એ મનુષ્ય ન સદ્ગુણને જાણે છે, ન માનસિક શાંતિને.

 • ભાગ્યલક્ષ્મી ઈર્ષાળુ સાથે રહી શકતી નથી:આવા માણસને તે પોતાની મોટી બહેન વિપત્તિને આશરે છોડી દે છે,અને પોતે ખસી જાય છે.

 • લોભવૃતિથી પ્રેરાઈને એકઠી કરેલી સંપત્તિથી લલચાતા નહિ. સુખના દિવસોમાં પણ એ ફળ કટુ હોય છે.

 • જે પોકળ શબ્દોની લીલામાં રાયે છે તે પોતાની જ અપાત્રતા જાહેર કરે છે.

 • ગરીબોને આપવું એ જ ખરૂં દાન છે. બીજા બધાં દાન ધીરાણ જેવાં છે.

 • કંજુસે પોતાના માટે સંગ્રહેલું ભોજન ભિખારીની રોટીના ટૂકડા કરતાં પણ વધારે ભૂંડુ છે.

 • દયાથી ઊભરાતું હૃદય એ જ મુખ્ય સંપતિ છે. ભૌતિક સમૃધ્ધિ તો નીચ માણસો પાસે પણ હોય છે.

 • જયારે તને નબળાને પીડવાનું મન થાય ત્યારે અધિક બળવાન આગળ ભયથી કંપતા તને અંદરથી કેવું લાગતું હતું તે યાદ કરજે.

 • અન્ય જીવંત પ્રાણીઓને ભોગવવી પડતી મનોયાતનાનો મનુષ્યને ખ્યાલ આવે તો તે માંસ ખાવાનો વિચાર નહિં કરે.

[સાભાર : “કુરળ”, લેખક: સંત તિરૂવલ્લુવર , ભાવાનુવાદ : કાંતિલાલ કાલાણી]