નિયમ બધાંને સમાન રીતે લાગુ થવો જોઈએ

ચંન્દ્રમૌલી વિધાલંકાર

| 1 Minute Read

એ દિવસોમાં પંડિત જવાહરલાલ નહેરુ અલ્હાબાદ નગરની મહાનગરપાલિકાના અધ્યક્ષ હતા.

એક દિવસ એ પોતાના કાર્યાલયમાં બેઠા હતા, ત્યારે જળ વિતરણના ટેક્સ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અબુલ ફજલ ઉપસ્થિત થયા અને એમના ટેબલ પર એક કાગળ મૂકી બોલ્યા : “આ એ લોકોના નામની યાદી છે કે જેમણે ટેક્સ હજુ સુધી ભર્યો નથી. નિયમ પ્રમાણે આ બધાના નળ કનેક્શન કાપી નાંખવા જોઈએ.”

“તો એમાં મારી અનુમતિ લેવાની જરૂર જ ક્યાં છે ?”, જવાહરલાલે પૂછ્યું.

“વાત એમ છે કે આ યાદીમાં જેમના નામ છે એ બધાં અલ્હાબાદના પ્રતિષ્ઠિત નાગરીકો છે”, ડૉ. ફજલે પોતાની ચિંતા જાહેર કરી.

“અરે મિંયા ! નિયમ તો નિયમ છે. નિયમ બધાંને સમાન રીતે લાગુ થવો જોઈએ, એમાં પ્રતિષ્ઠિત કે સામાન્ય નાગરિકોનો ભેદભાવ ન ચાલે”, નહેરુજી નિશ્ચિંન્તપણે બોલ્યા.

આદેશનું પાલન કરવામાં આવ્યું. નહેરુજીના ઘરનું નળ કનેક્શન પણ કપાઈ ગયું. નળ કનેક્શન પંડિત મોતીલાલ નહેરુના નામે હતું, આથી એ પણ નિયમનો શિકાર બન્યા.

મોતીલાલજી ભારે નારાજ થયાં. એમણે જવાહરલાલને બોલાની કહ્યું, “આ કામ કરતાં પહેલા મહાનગરપાલિકાએ કમ સે કમ એક નોટીસ તો મોકલવી જોઈએ !”

જવાહરલાલે નમ્રતા પૂર્વક પિતાજીને કહ્યું : “નાગરિકોનું એટલું તો કમ સે કમ કર્તવ્ય છે કે સમયસર ટેક્સ ભરી આપે. નિયમની સામે હું લાચાર છું, કારણ કે નિયમ બધાને સમાન છે.”

મોતીલાલે પોતાના પુત્રને ધન્યવાદ આપ્યા.

[“૧૦૧ પ્રેરણાદાયી પ્રસંગો” માંથી સાભાર, લેખક : ચંન્દ્રમૌલી વિધાલંકાર]

જીવન ઉપયોગી પ્રેરણાદાયી પ્રસંગોનું દષ્ટાંત સાથે વિગત…

[પ્રકાશક : પ્રવિણ પ્રકાશન, ઢેબર રોડ, રાજકોટ]