નોળિયાની વાર્તા

સ્વામી વિવેકાનંદ

| 5 Minute Read

સંપૂર્ણ સ્વાર્થત્યાગના વિચારનો ખ્યાલ નીચેની વાતમાંથી આવશે.

કુરૂક્ષેત્રના યુદ્ધ પછી પાંચ પાંડવોએ મહાયજ્ઞ કર્યો અને ગરીબોને મોટાં દાન કર્યા. યજ્ઞની મહત્તા અને સંપન્નતા જોઈ સર્વ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું, અને જગતમાં આવો યજ્ઞ અગાઉ કોઈ વખત થયો ન હતો એમ કહ્યું.

પણ યજ્ઞ પૂરો થયા પછી ત્યાં એક નાનો નોળિયો આવ્યો. આ નોળિયાનું અર્ધું શરીર સોનેરી હતું અને બાકીનું અર્ધું શરીર ભૂખરૂં હતું.

યજ્ઞની ભૂમિ ઉપર આ નોળિયો આળોટતાં આળોટતાં બોલ્યો : “આ યજ્ઞ ખોટો છે.”

પાસે ઊભેલા લોકોએ નવાઈ પામી પૂછ્યું : “શુ ? યજ્ઞ ખોટો છે ? આટલું ધન ગરીબોને છૂટે હાથે વહેચ્યું. ગરીબો બધા પૈસાદાર અને ન્યાલ થઈ ગયા એ તને ખબર નથી ? કોઈ દિવસ કોઈએ ન કર્યો હોય તેવો સરસ આ યજ્ઞ તો હતો !”

આ સાંભળી નોળિયાએ એક વાર્તા કહી :

એક નાનું ગામ હતું. આ ગામમાં એક બ્રાહ્મણ તેની પત્ની, પુત્ર અને પુત્રવધુ સાથે રહેતો હતો. એ સૌ ગરીબ હતાં. વિધાર્થીઓને ભણાવવા અને કથાવાર્તામાંથી તેમને જે કાંઈ મળતું તેના પર તેઓ ગુજરાન કરતાં.

એ ગામમાં એક વખત ત્રણ વર્ષનો દુકાળ આવ્યો, અને ગરીબ બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો.

દિવસો સુધી ભૂખ્યા રહ્યા પછી એક દિવસ સવારે બ્રાહ્મણ થોડો જવનો લોટ ઘેર લાવ્યો. આ એને નસીબજોગે મળ્યો હતો. લોટના એણે ચાર ભાગ પાડ્યા - એકેક ભાગ કટુંબના એકેક જણ માટે એ રીતે એણે ચાર ભાગ પાડ્યા. એમાંથી એમણે ખાવાનું બનાવ્યું અને જમવા બેસતાં હતાં ત્યાં કોઈએ બારણું ખખડાવ્યું બ્રાહ્મણે બારણું ઉઘાડ્યું. બારણે અતિથિ ઊભો હતો.

ભારતમાં અતિથિ પવિત્ર મનાય છે, દેવતા સમાન મનાય છે અને દેવતા તરીકે તેનું સન્માન થાય છે. આથી પેલા ગરીબ બ્રાહ્મણે કહ્યું : “પધારો. આપનું હું સ્વાગત કરૂં છું.” અને અતિથિ સામે પોતાનો ભાગ એણે ધરી દીધો.

અતિથિ ખૂબ ભૂખ્યો હતો. એક જ કોળિયે તે બધું આરોગી ગયો અને બોલ્યો : “અરે ભાઈ ? તમે તો મને મારી નાખ્યો; હું દસ દિવસનો ભૂખ્યો છું. આટલાથી ઊલટી મારી ભૂખ ઊઘડી.”

આ સાંભળી બ્રાહ્મણની પત્નીએ કહ્યું : “મારો ભાગ એમને આપો.”

પણ પતિએ કહ્યું : “ના, એમ નહીં.”

પણ પત્નીએ પોતાનો આગ્રહ ચાલુ રાખતાં કહ્યું : “આ ગરીબ માણસ આપણે ત્યાં આવ્યો અને ગૃહરથ તરીકે તેને ખવડાવવું એ આપણું કર્તવ્ય છે; પત્ની તરીકે મારો ધર્મ છે કે ખોરાકનો મારો ભાગ મારે તેમને આપવો, કેમકે ખોરાકનો તમારો ભાગ તમે એને આપી દીધો છે અને તમારી પાસે આપવાને કશું છે નહિ.” આમ કહી બ્રાહ્મણપત્નીએ પોતાનો ભાગ અતિથિને આપ્યો. અતિથિ એ પણ આરોગી ગયો.

હજુ ભૂખનો અગ્નિ એનો શમ્યો નહીં. તેથી પુત્રએ કહ્યું: “મારો હિસ્સો પણ લઈ લો, પિતાનાં ક્તવ્ય-પાલન માટે પુત્ર તરીકેની મારી ફરજ છે.” અતિથિએ એ પણ આરોગ્યો, તેમ છતાંયે તે અતૃપ્ત રહ્યો. તેથી બ્રાહ્મણપુત્રની પત્નીએ પોતાનો ભાગ પણ પેલા અતિથિને આપ્યો. બસ, તૃપ્ત થઈને અતિથિએ ત્યાંથી વિદાય લીધી અને એમને આશીર્વાદ આપ્યા.

તે રાત્રે પેલાં ચારે જણાં ભૂખથી મૃત્યુ પામ્યાં. પેલા લોટના બહુ થોડા કણ જમીન પર વેરાયેલા હતા; હું એના પર આળોટ્યો ત્યારે જુઓ છો એ મારૂં અર્ધું શરીર સોનેરી થઈ ગયું. તે દિવસથી આજ સુધી હું જગતભરમાં પ્રવાસ કરી રહ્યો છું. એના જેવો કોઈ બીજો યજ્ઞ મને મળે એવી આશાથી હું પ્રવાસ કરી રહ્યો છું. પણ અત્યાર સુધી એવો કોઈ યજ્ઞ મને મળ્યો નથી. કોઈ યજ્ઞસ્થળે મારૂં આ બીજું અર્ધું અંગ સોનેરી થયું નથી. તેથી હું કહું છું કે, “આ યજ્ઞ ખોટો છે.”

દાનનો આ મહાન વિચાર ભારતમાંથી અદશ્ય થતો જાય છે, મહાન માનવોની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે.

કર્મયોગ એટલે શું એ હવે તમને સમજાયું હશે. મૃત્યુ દ્વાર ખખડાવતું હોય ત્યારે પણ કોઈ પ્રશ્ન પૂછ્યા વગર હરકોઈને સહાય કરવી એટલે કર્મયોગ.

લાખોવાર ભલે છેતરાઓ પણ પ્રશ્ન પૂછો નહીં, અને તમે શું કરી રહ્યા છો તેનો વિચાર ન કરો. ગરીબોને આપેલી સહાયની બડાશ ન મારો. એમની કૃતજ્ઞતાની આશા ન રાખો. ઊલટું એમણે દાનનો અમલ કરવાનો પ્રસંગ આપ્યો તે માટે તમે એમના કૃતજ્ઞ બનો. આથી તમને સ્પષ્ટ થશે કે આદર્શ સંન્યાસી થવું તેના કરતાં આદર્શ ગૃહસ્થ થવું એ વધારે મુશ્કેલ કાર્ય છે; ખરા સંન્યાસીના જીવન જેવું જ કર્તવ્યપરાયણ ગૃહસ્થ જીવન પણ કઠિન છે; કદાચ વિશેષ કઠિન ન હોય તો પણ તેના જેવું કઠિન તો છે જ.