પણ ભાગ્ય પટણીનાં ક્યાંથી કાઢવા?

ધીરૂભાઈ ઠાકર

| 3 Minute Read

“ભલા માણસ, તારા જેવા ભડ માણસના મોઢામાંથી મને એક બાળક જેવા માણસને દારૂ પાવાના શબ્દો નીકળે છે? સ્નેહી તો તે જ કહેવાય કે જે ખરાબ રસ્તેથી સારા રસ્તે લઈ જાય. વળી તું આહીરનો દીકરો મને ચારણને દારૂ પાવા ઊભો થયો તે તને શોભતું નથી.” કવિ દૂલા ભાયા કાગ મિત્ર હીપો આયર તેમને દારૂ પીવાનો આગ્રહ કરે છે ત્યારે ઉપર પ્રમાણે ઊદ્ગાર કાઢે છે.

ઉગતા કવિ કાગની આ અરસામાં કાવ્યસરવાણી ફૂટતી હતી.એટલે કોઈક રાજા-દરબારને કવિતાથી ખુશ કરવાના ચારણસહજ મનોરથ તેમને થયા, પણ એક ગુણ બીજા ગુણને લાવે તેમ દારૂના અસ્વીકારે તેમને અજાચકવ્રત લેવરાવ્યું. મિત્ર હીપો તેમનો ગુરૂ બન્યો. રાજયાશ્રયના વિચારને તેણે નિર્મૂળ કર્યો. તેણે કવિને કહયું, તારે કોઈ દિવસ ક્યાંય પણ પૈસાની માગણી કરવી નહીં. આપણું ઘર એક જ કહેવાય. પૈસાની જરૂર પડે ત્યારે સાંગણીએ ચાલ્યા આવવું. ભાયા કાગનો દીકરો ડેલીએ ભટકે એ વાત સારી ન કહેવાય.

મહિનાઓ સુધી મિત્ર હીપાને ઘેર રહીને કવિ કાગે રામાયણ અને મહાભારત વાંચ્યાં, પ્રભુભક્તિ કરી અને સાધુસંતોનો સત્સંગ કર્યો; સાથે તીર્થયાત્રા કરી, પછી હીપો, મિત્રને મરસિયાં ગાતો મૂકીને ગામતરૂં કરી ગયો!

અયાચી કવિની વાણીમાં સત્યનું તેજ આપોઆપ પ્રગટ થાય છે. કવિનું હૃદય જેટલું સરળ અને ઋજુ તેવી જ તેમની વાણી સાચી. સાચું કહેતાં ન અડે કોઈની શેહ કે ન રહે સંકોચ.

સર પ્રભાશંકર પટણી એ વખતે ભાવનગર રાજયના દીવાન હતા. ચારણ નિર્વંશ જતાં તેનો ગરાસ રાજમાં દાખલ કરવો, એવા અન્યાયી કાયદાની સામે ફરિયાદ કરવા માટે પાંચસો ચારણ

સ્ત્રીપુરૂષોનું મંડળ પટણી સાહેબ પાસે ગયેલું. તેમાં જુવાન કવિ કાગ પણ હતા. ર૭ દિવસની તપસ્યા અને ૩ દિવસના ઊપવાસ બાદ પટણીસાહેબની મુલાકાત થઈ.

તેમણે કહયું, “શું તમો ચારણો આંહીં મોખડાજી ગોહિલનીયે પહેલાં ગરાસ લઈને બેઠા હતા?” જુવાન કવિથી ના રહેવાયું. બોલ્યા, “સાહેબ, તમે મોખડો ગોહિલ, મોખડો ગોહિલ શું કરો છો? અમારા ઘરમાં તો પેશ્વા, સીદી સરકાર, ખસિયાઓ અને વાળાઓ વગેરેના આદુકા લેખ-પરવાના છે ને ભાવનગરનો પૂર્વજ મોખડો તો હજી ગઈ કાલ રાણપુરથી ઉતરીને પેરંભ આવેલો… સાહેબ, ડાહયા તો અમે તમારી કરતાં છીએ, પણ અમારી પાસે તમારાં ભાગ્ય નથી ના ! નીકર તમારી એકોએક દલીલનો અમે બરાબર ઉત્તર દઈએ પણ ભાગ્ય પટણીનાં ક્યાથી કાઢવાં?… અને સાહેબ, તમારી કવિતાની લીટીયું મને મોઢે છે કેઃ

જનમન અંદર પેસી થકીને, દુઃખમાં ભાગીઓ થાઉં;
બની શકે તો શાંતિ પમાડું, ને એને આંસુએ ન્હાઉં.

તે સાહેબ, આજ અમારાં આસું શું ન્હાવાલાયક નથી? શું ભોરીંગણાના કણબી પટેલનાં જ આંસુ નહાવા જેવાં હતાં? તમારી કવિતા જો સાચી હોય તો સાહેબ, અટાણે અમારે આંસુએ નહાવ. ને ખોટી હોય તો તમે જાણો.”

કવિના શબ્દોથી પહેલાં તો પટણીજી કતરાયા; પણ કવિતાના ઉલ્લેખે તેમને ઢીલા કરી દીધા. ચારણોને પૂરો ન્યાય મળ્યો. તે દિવસથી પટણી અને કવિ કાગનો કાયમનો સ્નેહસંબંધ બંધાયો.

[સાભાર : “અનુભવનું અત્તર”, લેખક: ધીરૂભાઈ ઠાકર]