પાંચાળની ઐતિહાસિકતા

જયમલ પરમાર

| 12 Minute Read

હજી સુધી તો અણઉકેલ રહયો છે એ કોયડો કે જેમ ભારતના મધ્યભાગમાં પાંચાલ આવ્યું, એમ સૌરાષ્ટ્રના મધ્યભાગમાં પાંચાલ ક્યાંથી આવ્યું? પાંચાળ નામ કેમ પડ્યું?

આ પાંચાળમાં જ દ્રુપદનગરી હતી અને અહીં જ અર્જુને મચ્છવેધ કરેલો એવી કેટલીક લોકોક્તિ છે. પાંચાળમાં આવેલા આજના ચોબારી ગામને દ્રુપદનગરી કહે છે ને કેટલાક તરણેતરના સરોવર (આજનો કુંડ)માં મચ્છવેધ થયાનું જણાવે છે. પણ હજી એને કોઈ એતિહાસિક આધાર મળતો નથી. આઠમી સદીમાં ભારતના પાંચાલ કહેવાતા પ્રદેશમાંથી ઊતરી આવેલા પ્રતિહારો (પઢિયાર)એ આ પ્રદેશનું નામ પાંચાલ પાડયું હોય એ પણ એક તર્ક છે. એ જ રીતે પાંચમી સદીના પાંચાળના ઊલ્લેખ મળે છે, જયારે પાંચાળમાં મૈખરી વંશ રાજ કરતો હતો એમ કહેવાય છે. સૌરાષ્ટ્રના પાંચાળના પાંચમી સદી પહેલાના ઉલ્લેખો હજી નથી મળ્યા.

પાંચાળનું કેન્દ્રસ્થાન થાન ગણાય છે. થાનની આસપાસના સવાસો ચોરસ માઈલના પ્રદેશને પાંચાળ કહેવાતો. એક છેડો વાંકાનેરના જડેશ્વરને અને બીજો છેડો જસદણ, ઘેલા સોમનાથને આંબતો. થાન એ પ્રાચીન સ્થળ હોવા છતાં એના મૂળ નામ કે એના પ્રાચીન ઉલ્લેખો માત્ર સ્કંદપુરાણમાં મળે છે. સ્કંદપુરાણ ૧૪મી સદીમાં રચાયું કહેવાય છે. બહુ નજીકના કાળમાં જોડાયેલા એક દુહામાં એને થદપટ્ટણ કહેવાયું છે. થાનને સ્કંદપુરાણ માં “સ્થાન” કહયું છે. “કંડોળપુરાણ” (કંડોળિયા બ્રાહમણોનું) એના અંગે લખાયું કહેવાય છે. એમાં કંડોળા(કંડોળિયા) અથવા કુંડલરૂપે રહેલા પ્રદેશના કેન્દ્ર સ્થાન તરીકે થાનનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. દુહો એવો છે કે :

થાન કંડોળા થદપટણ, નવસો વાવ કૂવા;
રાણા પહેલાં રાજીઆ, થાન બાબરીઆ હુવા.

આ દુહામાં રાણા (ઝાલા) પહેલાં બાબરીઆ રાજ કરતા હતા એમ જણાવ્યું છે. તે ઐતિહાસિ દષ્ટીએ સાચું નથી. ઉલ્લેખો મળે છે તે મુજબ પાંચમી સદીમાં થાનમાં કાઠીઓ આવેલા એ પાછા સ્થળાંતર કરી ગયેલા. એ કાળે પાંચાળમાં મૈખરી વંશ હતો. આઠમી સદીમાં પ્રતિહારો આવેલા. આઠમી સદીમાં એ કાળે વઢવાણમાં ચાવડાઓનું રાજય હતું. સંભવ છે કે પાંચાળમાં પણ ત્યારે ચાવડાઓનું જોર હોય. ૧૪ મી સદીમાં સિંધના પાવારગઢમાંથી અબડા જામે શાખાયત કાઠીઓ ઊપર ભીંસ કરતાં ખસતા ખસતા તેઓ થાન આવ્યા. આ વખતે થાનમાં સાંઢ અને સીંઢ નામના બાબરીઆ રાજ કરતા હતા. એમની પાસેથી કાઠીઓએ થાન જીતી લીધું. બાબરીઆ પાંચાળ અને એની આસપાસના પ્રદેશમાં એ પછી પણ રહેલા. બાબરીઆ બાંધકામમાં ને યંત્રવિધામાં કુશળ ગણાતા અને લડાયક તો હતા જ.

બલુચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી મકવાણા સિંધમાં ઊતર્યા કહેવાય છે. પાટડીનો હરપાળદે મકવાણા શક્તિદેવીને પરણ્યા. દંતકથા કહે છે તે મુજબ હાથીથી બચાવવા શક્તિએ પોતાના કુંવરોને હાથ ઝાલીને બચાવ્યા તે ઝાલા કહેવાયા ને એક ચારણબાળને ટાપલી મારીને ખસેડી લીધો તે ટાપરીઆ કહેવાય છે. ઝાલાવાડનાં તોરણ બાંધવામાં શક્તિદેવીએ બાબરીઆઓનો સાથ લીધેલો. હરપાળદેની બીજી રાણીના પુત્રો મકવાણા કહેવાણા.

ઝાલાઓ ૧૧મી સદીમાં આવ્યા. ૧૩મી સદીમાં રા નવઘણ-બીજા પુત્ર ભીમે પોતાના બીજા નામ સરવા ઊપરથી પાંચાળમાં સરવા ગામ વસાવ્યું. એના વંશજો સરવૈયા કહેવાણા.

૧૩મી સદીમાં મારવાડના ખેડગઢથી ઊતરેલા ગોહિલો સેજક્જીની સરદારી સાથે આવ્યા ને ધાધલપર-સુદામડા આસપાસ વસવાટ કર્યો. સેજકજીએ પોતાના નામ ઊપરથી સેજકપુર વસાવ્યું.

પંદરમી સદીમાં સિંધના થરપારકરથી ઊતરી પરમારો પાંચાળમાં આવ્યા. પાંચાળમાં ત્યારે વાઘેલાઓનાં રાજ હતાં. પરમારોના ઠાકોર લખધીરજીએ મૂળી વસાવ્યું.

આમ, ભારતની વાયવ્ય સરહદેથી આવેલા બાબરીઆ, એશિયા માઈનોરથી પંજાબમાં વસીને સિંધમાં કેટલોક વખત રાજ કરી પાંચાળમાં ઊતરનાર શાખાયત કાઠીઓ, મકરાણ થઈ સિંધમાંથી કચ્છ થઈ સૌરાષ્ટના પૂર્વ ભાગે ઊતરનાર મકવાણા-ઝાલા, જૂનાગઢના ચૂડાસમાઓ, મરુભૂમિના ગોહિલો, સિંધના થરપારકરના પરમારો, કનોજના પઢિયારો, રાજસ્થાનના રાણાઓ, ગુજરાતમાં થઈને પાંચાળમાં ઊતરેલા ચાવડા અને વાઘેલાઓનો સંસ્કૃતિ સમન્વય પાંચાળમાં થયો.

હજી થોડું બાકી રહી જાય છે. આજથી બસોક વર્ષ પૂર્વે થાનમાં નાજા કરપડાનું રાજય હતું. એની પાસેથી એકવાર ઝાલાઓએ આંચકી લીધેલું. ફરી નાજા કરપડાનું રાજય થયું અને એની પાસેથી શેરગઢ-અજાબ(સોરઠ)ના ખીમા મહિયાએ થાન આંચકી લીધું. આ મહિયાઓ ત્યારે વાકાંનેર ને રાજકોટના કુવાડવા સુધી ફેલાયેલા હતા. મહિયાઓ પાસેથી ઝાલાઓએ થાન લઈ લીધું. સ્કંદપુરાણ અને પદ્મ પુરાણ માં પાંચાળનું મહાત્મ્ય છે તે કેટલાક તીર્થો પૂરતું છે. તીર્થો ને પ્રદેશ- વર્ણન બરાબર છે, પણ બીજી વાતો અપ્રતીતિકર છે.

થાનને વાળા વેળાવળજીની બિરાદાવલીમાં સૂરજગઢ કહેવાયું છે. અથવા સૂરજદેવળ આસપાસ કોઈ નગર હોય! પણ થાન અને પાંચાળના ઉલ્લેખ કરતાં થાનના ધર્મસ્થાનક વાસુકિના વધુ પ્રાચીન ઉલ્લેખો મળે છે. મહાભારતના વનપર્વમાં ઉલ્લેખ છે કે :

તત્ર ભોગવતી નામ વાસુકેતીર્થમુત્તમમ્‌

(ભોગવતીમાં “વાસુકિ’ નામનું ઉત્તમ તીર્થ છે.)

મહાભારત ત્રીજા-ચોથા સૈકામાં લખાણું હોય તો વાસુકિ તીર્થ તેનાથી પણ પ્રાચીન કહી શકાય. ભોગવતી એટલે ભોગાવો. આ ભોગવતી નદી સરસ્વતીનો ફાંટો ગણાય છે. સરસ્વતીનો બીજો ફાંટો પ્રભાસ પાસે હીરણ્ય ને કપીલા સાથે મળી ત્રિવેણી સંગમ રચે છે. સરસ્વતી સાત પ્રવાહરૂપે વહી કહેવાય છે. કૃષ્ણ યાદવો સાથે સરસ્વતી દ્રારા સૌરાષ્ટ્રમાં આવ્યા કહેવાય છે. સૌરાષ્ટ્ર ત્યારે બેટ હતો. કચ્છથી ઝાલાવાડના, આજના ઝીલાણંદથી ઝીંઝુવાડા ને ખારાઘોડા થઈ આજના નળસરોવરને સાંધી આ સાગરજળ પ્રભાસ-પાટણે ભેળાં થતાં. સરસ્વતીના માર્ગે કૃષ્ણ સૌરાષ્ટ્રના કોળીઓને કુરુક્ષેત્રમાં લઈ ગયેલા કહેવાય છે.

સરસ્વતીનું બીજું નામ ભોગાવતી છે. આ ભોગાવતીના કાંઠે ભોગાવતી નગરી હતી અને એ નગરીમાં વાસુકિ નામે નાગજાતિનો રાજા હતો. સમુદ્રમંથનમાં પણ વાસુકિ નાગનાં નેતરાં કર્યાનો ઉલ્લેખ છે. કચ્છ અને સૌરાષ્ટ્ર જે કાળે પાતાળ પ્રદેશ કહેવાતા હતા, ત્યારે દરિયાકાંઠે કર્કોટક કુળના નાગલોકોનું અને જમીન ઉપર તક્ષકકુળના નાગલોકોનું રાજય હતું.

ત્યારે પાંચાળ વાસુકિનું સ્થાનક બે હજાર વર્ષ જેટલું પ્રાચીન કહી શકાય. નાગપૂજા પાંચાળમાં એટલી પ્રાચીન છે. બીજાં નાગપૂજાનાં સ્થાનકમાં બાંડિયાબેલી, તલસાણીયા અને ચરમાળિયાને ગણાવી શકાય.

તરણેતરનું જૂનું મંદિર દસમી સદીમાં બંધાયાનું કહેવાય છે. એમ તો ઠાંગનાથ, ઝરીયા મહાદેવ, અનંતેશ્વર વગેરે છે. પણ શિવપૂજા એ બધાથી ઘણી પ્રાચીન હોવી જોઈએ.ત્ર્યમ્બક એટલે ત્રણ નેત્રોવાળાનો ઊલ્લેખ યજુર્વેદમાં છે. જો સૌરાષ્ટ્રમાં આર્યેતર પ્રજા હોય અને તે સિંધુ સંસ્કુતિવાળી હોય તો શિવપૂજાથી પણ પ્રાચીન હોવી જોઈએ. નાગજાતિ શિવપૂજક હતી. સૌરાષ્ટ્રમાં રાજ કરતી હતી. એમ કહેવાય છે કે શિવનું શરણ લેવા જ શિવને વીંટળાઈને એ રહેલી છે. શિવને નાગ વીંટાળમાં આવે છે તે નાગજાતિનો સંસ્કાર છે.

એમ તો સૂર્યપૂજા પણ પાંચાળનો પ્રાચીન સંસ્કાર છે. દંતકથા એમ કહે છે કે સૂરજના રથને પાંચાળમાં ખેંચી લાવનાર સાત નાગભાઈઓ હતા. દસમી-અગીયારમી સદીના સૂર્યસ્થાનકોના અવશેષો પાંચાળમાં છે : પરબડીમાં, રેશમિયામાં જૂના અને નવા સૂરજદેવળ તથા મૂળીના માંડવરાય. કાઠીઓ, ચારણો, પરમારો તો સૂર્યપૂજકો હતા, પણ બધી રીતે વિચારતાં પાંચાળનો એ લોકધર્મ પણ લાગે છે.

લોકોએ અનેકમાં એકને ઉપાસ્યા છે. થાન પાસેથી મળેલી આઠમી સદીની એક વરાહમૂર્તિ વૈષણવપૂજાનો અવશેષ છે. એ જ રીતે એના પ્રીતમકુંડ ને કમલકુંડ, સ્કંદપુરાણ માં પાંચાળના “પાપનારૂદ્ર”- પાપનાશણાના થાનકનો ઉલ્લેખ છે. એ તરણેતર પાસે છે. ચોબારી ગામમાંથી શેષશાયી વિષ્ણુની કાળા આરસની મૂર્તિને એજન્સીના વખતમાં રાજકોટ મ્યુઝિયમમાં ખસેડી હતી. અવાલિયા ઠાકર અને વડવાલિયા પણ વિષ્ણુપૂજાના જ સંસ્કાર છે.

શક્તિપૂજા તો આદિકાળનો સંસ્કાર હોઈ શકે. ચોટીલાના ચામુંડામાતા, બીજે છેડે સુંદરીભવાની, ભરવાડોની મચ્છોમાતા અને મૂળી પાસેના વિહોત માતા આજેય એટલી આસ્થાથી પુજાય છે.

દસમી સદીમાં વલભીપુરનો નાશ થયો એની સાથે બૌદ્ધ ધર્મ પણ સૌરાષ્ટમાંથી વિલીન થયો. સૌરાષ્ટ્રના અન્ય સ્થળોની જેમ પાંચયાળમાં પણ બાંડિયાબેલીમાં બૌદ્ધ ગુફાઓના અવશેષો છે. બૌદ્ધોના એક ભાગે નાથ સંપ્રદાયને અપનાવી લીધેલો એને સિદ્ધમાર્ગ કહે છે. આ નવ નાથોમાંથી ચાર નાથની મૂર્તિઓ સૌરાષ્ટ્રમાંથી મળી છે. જલંધરનાથ, મચ્છંદરનાથ, કનીફનાથ અને ચોથી મૂર્તિ ધજાળા પાસેના ધાધલપુરની વાવના ઓટા ઉપર છે. મૂર્તિ ૬ ફૂટ ઉંચી અને વિકરાળ છે, તે ધુંધળીનાથની કહેવાય છે. એ બારમી સદીની હોવાનું કહેવાય છે. આ દસમા નાથ તરીકેની સાધના ધુંધા નામનો કોળી કરતો હતો, જેના શ્રાપથી ઢાંકપાટણનું પતન થયું કહેવાય છે. લોકવાયકા પ્રમાણે આવા અઘોર કૃત્યથી નવ નાથોએ એની સિદ્ધિ હરી લીધી ને તે અલોપ થઈ બાર વર્ષે ઢાંકથી ધાધલપર નીકળ્યો. આમ બૌદ્ધ અને નાથ સંપ્રદાયની અસર પણ ખરી. આપા રતાએ ઉપાસેલા તે ગેબીનાથમાં આજેય પાંચાળની પ્રજા માને છે ને જય બોલાવે છે.

સૌરાષ્ટ્ર સાગરકાંઠે ભ્રમણશીલ લડાયક જાતિઓ ઉતરતી રહી છે ને કાંઠાળે વસતી જાતિઓ ઊંડાણમાં ધકેલાતી ગઈ છે. આમ સૌરાષ્ટ્રના મધ્યભાગે સૌરાષ્ટ્રની મૂળ વસતિ ભરાતી ગઈ છે. એ આર્યેતર તે કહેવું કઠણ છે. પણ નાગલોકો, કોળીઓ, ભરવાડો ને રબારીઓ સૌરાષ્ટ્રની આદિવાસી કોમો હોવાનો સંભવ છે. યાદવો પણ મૂળ સૌરાષ્ટ્રમાંથી ગોકુળ-મથુરા તરફ ગયેલા ને ફરી સ્થળાંતર કરી કૃષ્ણ સાથે પાછા સૌરાષ્ટ્રમાં આવ્યાં. આ યાદવો, આહીરો, પછીની રાજપૂત જાતિઓનું સૌરાષ્ટ્રની આદિ જાતિઓમાં લોહી મિશ્રણ થયું છે ને આહીરો, ભરવાડો, કોળીઓ અને બીજી અનેક કોમોમાંથી રાજપૂતોની શાખ મળી આવે છે.

ગ્રીસ પછી એશિયાની ઘણી જાતિઓનાં આગમન સૌરાષ્ટ્રમાં થયાં અને ધર્મ તથા જાતિઓનાં સાંસ્કૃતિક સમન્વય થયા. પાંચાળ સૌરાષ્ટ્રનો પ્રતિનિધિ પ્રદેશ છે. એમાં વાણી, વિચાર, રહનસહન, નીતીરીતિ, નેક-ટેક, બહાદુરી, દિલાવરી, એના ધીંગા પ્રણય અને જબ્બર ધીંગાણાં, એની આસ્થા અને સાધક-શૂરા સંતો, જતિ, સતી અને ભક્તિની તવારીખ ગામડે-ડુંગરે, વહેળે-વોંકળે, નદી-તળાવે અને દેવ-દેવળના કાંકરે-કાંકરે કંડારાયેલી છે. ઝીલાણંદથી માંડીને સુખભાદરના સાગર-મિલન સુધી અને જડેશ્વરથી માંડી જસદણ સુધી. એને એટલે જ “દેવકો પાંચાળ” કહે છે. થાન આસપાસ ૬૦ થી વધારે તીર્થો છે.

પાંચાળની પ્રજાનાં નેકટેકનાં ખમીરની એ સંસ્કારિતા જમાનાની જડતા પર ઘડીક ટેકો લઈ ગયેલી લાગે છે, પણ તપનાં પાણી મોળાં નથી પડયાં. હજી થોડાં જ વર્ષો પૂર્વે ભોગાવાને તીરે એવો એક તપસ્વિ પાક્યો, ગાંધીયુગના ફૂલચંદભાઈ. મેઘાણીએ લખ્યું છે કે :

ભોગાવાની રેતના હે તપસ્વી !
રાની રાણકદેવડીની ચિતાને
બેઠો છો તું તાપતો હે જતિશા
વર્ષોથી? ના ના યુગોથી એકલો?

રાણકદેવીની સતની ચિતાના અંગારા ધીખતા જ રહે. જેવા વીર ભગતસિંહની ચિતાના, મહાત્મા ગાંધીની ચિતાના અંગારા ધખે છે તેમ. ટાઢી ઠારો તોય એ અણબુઝ રહે, એવી સતની ચિતાઓ પર જતિ, સતી અને તપી તપતા જ રહે છે. ફૂલચયંદભાઈને મેઘાણીભાઈ કહે છે કે : હે જતિશા ! તું વર્ષોથી તપે છે? યુગયુગાંતરથી જતિ,સતી અને તપી સતની અગન ઝાળે તપતા આવ્યા છે. ફૂલચંદભાઈ એના પ્રતિનિધિ હતા.

પાંચાળના ભક્તમંડળમાં વધુ નહિ તો છેલ્લાં બસો વરસ દરમિયાન થાનનો કુંભાર મેપો, મોલડીના આપા રતા, આપા ગોરખા અને આપા જાદરાએ જેની આંખે બ્રહમતેજ આંજયા એ આપા દાના, આપા વિસામણ અને પાંચાળના સંત વડલાની વડવાઈ ઠેઠ આપા ગીગાના સતાધાર સુધી પહોંચી. ત્યારે દલડીના ઠાંગો ભગત, વાંટાવદરનાં સાધ્વી રામબાઈ, કેરાળાના રાણીમા, સાયલાના લાલા ભગત, ઝીંઝુડાના હકા ભગત અને કાત્રોડીના કેશવ ભગતને કેમ ભૂલી જઈ શકીએ? હકા ભગતને તો તરણેતરના મેળાની જાત્રાએ ઝોળીમાં લાવેલા મેં મારા બચપણમાં જોયેલા.

સાધકોની, સંતો-ભક્તોની, જતિ-સતીની, દિલાવરો અને શૂરાઓની આ સંસ્કૃતિનાં ઝરણાં લોકધરતીમાં ઊતરે છે ને એ લોકસેવામાં જ સંતોએ ભગવત્‌ સેવા ભાળી. સંતો એ લોકધરતીની સંસ્કૃતિ (પાતાળગંગા)ના અમર ઝરા છે. લોકોની દેખાતી મૂઢતા કે જડતાના ખડકો નીચે એ અમર ઝરા ખળકી રહયા છે.

[સાભાર: “અતીતના આયનામાં સૌરાષ્ટ્ર”, લેખક: જયમલ પરમાર]