પરાક્રમી પરાક્રમ

રશ્મિ બંસલ

| 40 Minute Read

ભારતના પ્રથમ વેન્ટિલેટરના ઉત્પાદક પરાક્રમસિંહ

પરાક્રમસિંહ જાડેજા અને જ્યોતિ CNC હમણાં ખૂબ ચર્ચામાં હતી અને છે. આ લેખ વાંચી સમજાશે કે, આ દેશમાં એકપણ વેન્ટિલેટર બનતું ન હતું ત્યારે દેશ અને રાજ્યની આફતમાં આ માણસે કેવી ધગશ, મહેનત, નિષ્ઠા અને આગવી સૂઝથી “ધમણ-૧” બનાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. જોકે તેમની આ સેવા ભાવના, સૂઝ અને ધગશને રાજકારણનો એરું આભડી ગયો. જેના પોખણા થવા જોઈએ તેને વિવાદનું સ્વરૂપ અપાયું. ગુજરાત સરકારને લોકોની જરૂરીયાત માટે ૮૬૬ વેન્ટિલેટર મફતમાં આપ્યા. “ધમણ-૧” જે માત્ર રૂ. ૧ લાખમાં તૈયાર થયેલ તે જોઈ મેડિકલ માફિયાના પેટમાં તેલ રેડાયું અને એક ઉધમશીલ ઉધોગપતિને હતાશ-નિરાશ કરવાનું ષડયંત્ર થયું. પણ આ લેખ વાંચતા તેમના મિજાજને સમજી શકાશે કે આ ભડવીર મેડિક્લ માફિયા અને ટૂંકી દષ્ટિના મગતરાથી મુંઝાઈ જાય તેવો નથી. સૌને આશા છે કે “ધમણ” વેન્ટિલેટર ભવિષ્યમાં વિશ્વમાં સૌથી વધારે વેચાતું આધુનિક વેન્ટિલેટર હશે. “હિંમતે મર્દા તો મદદે ખુદા”.

આ એક ગુજરાતીની ક્યા વાત કરો છો? ગુજરાતને વિશ્વમાં યશ અને કીર્તિ અપાનનાર કીડની નિષ્ણાત શ્રી એચ.એલ. ત્રિવેદી સાહેબ પરદેશની આન-બાન-શાન છોડી ગુજરાતમાં સેવાભાવે કીડનીનું કામ કરવા આવ્યા ત્યારે આ મેડિકલ માફિયાઓએ તેની ઉપર જે વીતાવી હતી તે ધ્રુજાવી દે તેવી છે. તેની આત્મકથાને વાંચતા આ બાબત સમજાય અને અનુભવાય છે.

સંપાદક મંડળ


પરાક્રમી પરાક્રમ

હું રાજકોટમાં જ જન્મીને મોટો થયો છું. મારા પિતાજી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. હું લક્ષ્મીવાડી નામના કુખ્યાત વિસ્તારમાં રહેતો. દેશી દારૂ, જુગાર તથા વર્લી-મટકાનો આ નામચીન અડ્ડો ગણાય અને રાજકોટના શ્રેષ્ઠ ગરબા ય અહીં થાય. રોજના ૨ થી ૩ હજાર લોકો “લક્ષ્મીવાડીની ગરબી’ જોવા નવરાત્રીમાં આવે. અમે બે રૂપિયામાં ટિકિટ વેચીને પ-૬ હજાર રૂપિયા ગાંઠે કરી લેતા.

હું વિરાણી હાઈસ્કૂલમાં ગુજરાતી મિડિયમમાં ભણ્યો છું. ભણવાનું તો ઠીક, મને સ્પોર્ટસૂનો ગાંડો શોખ હતો. વળી કરસન ઘાવરી તથા યજુવેન્દ્રસિંગ જેવા રાષ્ટ્રીયકક્ષાના ક્રિકેટરો અમારી સ્કૂલની પેદાશ હોવાથી મારા જેવા અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા મળતી. મનેય ક્રિકેટ રમવાનું ખૂબ ગમતું…પણ ચેસ રમવામાં તો હું એક્કો હતો.

ગુજરાત સ્ટેટ ચેસમાં હું નં. ૩ હોવાથી નેશનલ ટૂર્નામેન્ટમાં “બી’ વિભાગમાં મારી પસંદગી થઈ. એ જ વર્ષે બારમાં ધોરણની પરીક્ષાઓ હતી. ૧૯૮૫માં ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન થયું. અમારી પરીક્ષા માર્ચમાં લેવાવાની હતી, ત્યાં સુધી મારું ભણવાનું છૂટી ગયું. ભવિષ્ય કે કારકિર્દી જેવાં શબ્દો તો મારા શબ્દકોષમાં જ ન હતા. હું ચેસ પાછળ આદુ ખાઈને પડી ગયો. મારા પપ્પાએ ય મને એકેય વાર ન પૂછ્યું કે “ભાઈ, તું બારમાં ધોરણમાં છે, ભણીશ નહીં તો કરીશ શું?”

૧૯૮૫થી ૮૮નાં વર્ષો ખેલકૂદમાં ગાળ્યા. મસ્ત લાઈફ હતી. સ્પોર્ટ્સમેન તરીકે હોં કે! ૧૯૮૯માં ઇન્ગ્લિશ કાઉન્ટી ક્રિકેટ સામેની અંડર ૧૯ ટીમમાં મારું સિલેક્શન થયું. હું તો રાજીના રેડ થઈ ગયો. મારે ફક્ત રૂ. ૨૫૦૦૦/-ની જરૂર હતી. હું પપ્પા પાસે ગયો. “પપ્પા પૈસા જોઈએ છે.”

“સારું”, પપ્પા બોલ્યા. એક અઠવાડિયા પછી તેમણે મારા હાથમાં રૂ. ૧૦૦૦૦/- મૂક્યાં. ચારેક દિવસ બાદ બીજા રૂ. ૫૦૦૦/- આપ્યા અને થોડા દિવસ પછી પાછા રૂ. ૫૦૦૦/- ! હું ગિજ્ઞાયો, “પપ્પા, હપ્તે હપ્તે કેમ આપો છો? હું કોઈ તમારો લેણિયાત છું? ત્રણ દિવસમાં મારે ઇન્ગ્લેન્ડ જવાનું છે.”

પપ્પા લાચારીથી બોલ્યાં, “થોડાં પી.એફ.ના ઉપાડ્યા, થોડા ક્રેડિટ સોસાયટી પાસે લોન લીધી અને બે-ત્રણ દિવસમાં થોડા ઉધાર લેવાનો છું. તું ચિંતા ન કરીશ, ભાઈ.”

હું તો ઘીસ ખાઈ ગયો! મારા કુટુંબની આર્થિક સ્થિતિનો મને આછેરો ય અણસાર ન હતો. મારો ખેલકૂદનો શોખ પોષવા પપ્પા આકાશ-પાતાળ એક કરતા….કાળી મજૂરી કરતા હતા! બસ, આ જ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ. મેં રમતનું મેદાન છોડીને જીવનના મેદાન પર બિઝનેસની બાજી ખેલવાનો નિર્ણય કર્યો.

શાળામાં ૯-૧૦માં ધોરણમાં “વર્કશોપ ટેક્નોલોજી” નામનો વિષય ભણવામાં આવતો હતો. મને લેથ મશીન વાપરતાં આવડી ગયું હતું તથા એ લાઈનમાં મજા પણ આવતી હતી. લેથ મશીનમાં કોઈપણ ધાતુ કાપવાનું કામ થઈ શકે. કોઈપણ પદાર્થને ધરી પર ફેરવીને આ કામ થાય છે. જોકે લેથ મશીન ખરીદવાનું મારું ગજું ન હતું. પણ મારા ફ્રેન્ડના મામા પ્રફુલ્લમામાએ મને ઓળખાણમાં લેથ મશીન એ શરતે આપ્યું કે મને કામ આપે અને હું એમને માટે જે જોબવર્ક કરું તે હપ્તા પેટે ગણાય. આ અમારી વણલખી સમજૂતી!

મેં મારા પિત્રાઈ ભાઈ સહદેવસિંહ જાડેજાને સાથમાં લઈને ૧૦x૧૫ ની ઓરડીમાં જોબશૉપ શરૂ દીધી. મામા અમને નિયમિતપણે કામ મોકલતા. મારી નાની બહેન પરથી અમે વર્કશોપનું નામ “જ્યોતિ” રાખ્યું. એ જમાનામાં સરકારે જવાહર રોજગાર યોજના અન્વયે ભણેલા યુવાનોને ધંધો કરવાનું પ્રોત્સાહન આપવા વગર વ્યાજની લોન આપવાનું શરૂ કર્યું હતું. અમને રૂ ૩૫૦૦૦/-ની લોન મળી. આમાંથી અમે પ્રફુલ્લમામાની ફેક્ટરીની બરોબર બાજુમાં નાનકડી દુકાન લીધી. એક જ વર્ષમાં અમે લોન ભરપાઈ કરી દીધી.

જોબવર્કની સાથે અમે મામાની જરૂરિયાત મુજબ મશીનરીના નાના-મોટા પૂર્જા બનાવવાનું પણ શરૂ કર્યું. રો મટિરિયલ એમનું, મહેનત અમારી! એક દિવસ મામા ખૂબ અકળાયા હતા. મને કહે, “ભાણાભાઈ, આપણો એક એપ્રોન (મશીનની અંદરનો અગત્યનો પાર્ટ)નો ઉત્પાદક પૈસા લઈને બેસી ગયો છે. હવે માલની ડિલિવરી ય નથી આપતો, ને ગાંઠતો ય નથી. તું જરા એ બાજુ આંટો મારતો આવને. જાધવાણી મિસ્ત્રીને પૂછતો આવ કે આપણા માલનું શું થયું?”

મેં તો સાઈકલ મારી મૂકી. જાધવાણી મિસ્ત્રીની દુકાને પાંચ એપ્રોન લગભગ તૈયાર પડ્યા હતા. મને જોઈને મિસ્ત્રી બોલ્યા. “જા ભાઈ, બધું કામ પતાવીને વળતાં આ લઈ જજે… તારા મામાના જ છે.” હું તો સાંજે આશાભર્યો પેલા પાર્ટ લેવા ગયો તો મિસ્ત્રી સાવ નામક્કર ગયા. ઠંડે કલેજે બોલ્યા, “એક ઘરાક રોકડા લઈને આવ્યો’તો. દરેકના પચાસ રૂપિયા વધારાના આપતો હતો….. તે મેં વેંચી દીધા. જા ભાણિયા, તારા મામાને કહેજે કે આવતે અઠવાડિયે દઈશ.” મારી મગજની નસ ફાટી ગઈ. મેં તેની ફેટ પકડીને મામાના પૈસા પાછા કઢાવ્યા. પૈસા લઈને સીધો મામાની ફેક્ટરીએ પહોંચ્યો. “મામા, એ મિસ્ત્રી તમને વાયદા આપે છે ને ઉલ્લુ બનાવે છે. એ તમને કશુંય નથી આપવાનો. લ્યો આ તમારા રૂપિયા!”

મામા તો હેબતાઈ ગયા… “અલ્યા ભાણિયા, આ તેં શું કર્યું? તારી ફિરકી ફરી ગઈ છે કે શું? આખા રાજકોટમાં આ એક જ મિસ્ત્રી એપ્રોન બનાવે છે. પાણીમાં રહેવું ને મગરથી વેર રાખવું ન પોસાય!”

મેં કશું વિચાર્યા વગર મામાને કહ્યું, “તમે ચિંતાન કરો. હું બનાવીશ.” મામાને વિશ્વાસ ન બેઠો કેમકે એપ્રોન બનાવવાનું કામ ભારે ક્રડાફૂટભર્યું છે. મેં તો પડકાર ઉઠાવી લીધો. મેં મારું લેથ મશીન જ છૂટું કરી કાઢ્યું. એમાં આ પાર્ટ હોય જ. અમે રાત-દિવસ મથીને ડ્રોઈંગ, ડિઝાઈનિંગ અને એસેમ્બલી બધુ જ પાર પાડીને મામાને આપેલ વચન મુજબ દિવસમાં પાંચ એપ્રોન બનાવી આપ્યા.

થોડા જ વખતમાં તો હું આખા રાજકોટમાં એપ્રોન સપ્લાયર કરતો થઈ ગયો. પેલા જાધવાણીનો તો ખેલ ખતમ થઈ ગયો. અમારી ધંધાની હોંશ જોઈને આઈ.ડી.બી.આઈ બેંકના સાહેબોએ ખુશ થઈને પ લાખની લોન ૧% વ્યાજે મંજૂર કરી દીધી. એ વખતે બેંકની સ્કિમ હતી. ૧૯૯૧માં મેં “ઓટેકેડ” નું નામ પહેલીવાર સાંભળ્યું. મને તો કોમ્પ્યુટર ખરીદવાની ધૂન ચડી. આજના છોકરાઓને જાણીને આઘાત અને આશ્ચર્ય થાય કે એ જમાનામાં ૪૮૬ના પી.સી.ની કિંમત ૧.૬ લાખ હતી. બાપરે! કેટલું મોંઘું! પણ મેં તો નક્કી કર્યું હતું કે ધંધો વધારવો હોય તો કોમ્પ્યુટર તો જોઈએ જફ! સ્કૂટર તો મેં બહુ મોડું લીધું….. (પરાક્રમભાઈ હસી પડે છે)

એજ્જિનિયરિંગ ડ્રોઈંગ અને ડિઝાઈન્સ બનાવવા માટે ઓટેકેડથી સારું કોઈ સાધન નથી. એ જમાનામાં મશીનો આજની જેમ “યુઝર ફ્રેન્ડલી” ન હતાં છતાં ય અમારા વિકાસમાં એ ટેક્નોલોજીનો મોટો ફાળો છે.

૧૯૯૨માં અમે રાજકોટના આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ ખરીદો. અમારી નાની વર્કશોપ હવે ફેક્ટરી બની. એપ્રોન ઉપરાંત અમે “નોર્ટન” ના ગિયરબોક્સ પણ રાજકોટના લગભગ બધા જ લેથ ઉત્પાદકોને પૂરાં પાડતાં. કિર્લોસ્કર જેવી પ્રતિષ્ઠિત કંપનીને પણ અમે સપ્લાય કરવા લાગ્યા. ભાવનગરમાં HMT નીનો એક પ્લાન્ટ હતો (ગુજરાત સ્ટેટ મશીન ટુલ્સ કોર્પોરેશન) ત્યાં “વિક્રમ” નામથી લેથ બનતા એમના સપ્લાયર પણ અમે! લેથ મશીનનો સૌથી મહત્વનો પૂર્જો એટલે હેડ. અમારી આમાં માસ્ટરી હતી. ૧૯૯૩માં ભાવનગરનો HTM પ્લાન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો. અમારી ફેક્ટરીમાં માલનો ભરાવો થઈ ગયો. મેં રાજકોટના મશીન ટૂલ્સના વેપારીઓને આ “ગેયર હેડ્ઝ” વેચવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ રાજકોટમાં “બેલ્ટ ટેફ્નોલોજી” વપરાય છે. ગિયરબોક્સ- વાળાં વાહનો તો મોટી કંપનીઓ જ બનાવે તેવી તેમની માન્યતા. મેં એમને ઘણા સમજાવ્યા, “ભાઈ, રાજકોટના મશીન ૧૫ થી રપ હજારમાં વેચાય છે. અદલ આવાં મશીનો કિર્લોસ્કર કંપની એકથી સવા લાખમાં વેચે છે. ફરક એક જ છે. એ કંપનીઓ એમના મશીનમાં રૂ. ૨૦૦૦૦/-નું ગિયરબોક્સ લગાવી દે છે ને ચાર ગણા દામ ઉપજાવે છે. તમેય આ ટેક્નોલોજી અપનાવીને રૂ. €૬૦-૭૦૦૦૦/-માં મશીન વેચો ને! વેચાણ ય વધશે ને નફો પણ!

તમે માનશો! રાજકોટના એકેય ઉત્પાદકને મારી વાત ગળે ન ઉતરી! હવે તો એક જ રસ્તો હતો. હું ખુદ લેથ મશીનો બનાવવાનું શરૂ કરું અને પેલા ગિયર હેડ્ઝ વાપરું! આપણા રામ તો કોલેજનું પગથિયું ય નથી ચડ્યા. હું કોઈ એજ્જિનિયરીંગની ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યોય નથી. પરંતુ ૧૯૯૩માં મેં લેથ મશીનની ડિઝાઈન બનાવી દીધી.

હવે કપરાં ચઢાણ શરૂ થયા મશીનોનું માર્કેટિંગ શી રીતે કરવું? અમારે ત્યાં રાજકોટમાં બધા ઉત્પાદકો મોટાં શહેરોનાં ડિલર દ્વારા આ કામ કરતા. હું તો જાતે જ નીકળ્યો. બેંગલોર, કોઈમ્બતૂર અને છેલ્લે ચેજ્ઞાઈ પહોચ્યો. ત્યાંના એક મોટા ડિલરે મને બપોરે બે વાગ્યોનો સમય આપ્યો હતો. હું તો એક વાગ્યામાં પહોંચી ગયો. એ સાવ નવરોધૂપ હતો તે છતાં તેણે મને ત્રણ કલાક બેસાડી રાખ્યો. છેવટે જ્યારે તેણે મને કેબિનમાં બોલાવ્યો ત્યારે મારાથી ન રહેવાયું. મેં કહ્યું, “તમે જ મારા મશીન માટે પૂછપરછ કરી હતી, તમે મને એપોઈન્ટમેન્ટ આપી હતી છતાં મને કેમ બેસાડી રાખ્યો?”

પેલાનું ગુમાન તો જુઓ! મને કહે, “ઠીક છે…. ઠીક છે…. હું તો રાજકોટ આવું છું, ને ફ્લાઈટમાંથી ઊતરું છું, ત્યારે તમારા જેવા પચાસ મશીન ટૂલ્સવાળા મારી પાછળ પડે છે! અમે તો મોટા જથ્થામાં અને વાજબી દામમાં મળે તો જ માલ ઉપાડીએ છીએ. તમારા રાજકોટમાં ગિયરવાળા લેથ બને છે ખરા?”

હવે મારાથી ન રહેવાયું. હું સટાક દઈને ઊભો થઈ ગયો. મેં હાથ જોડીને તેને નવ ગજના નમસ્કાર કર્યા અને કહ્યું “થૅન્ક યુ…. તમારા જેવા સાથે હું ધંધો નહીં કરી શકું.” એ દિવસે હું જિંદગીમાં પહેલીવાર વિમાનમાં બેઠો, ચેન્નઇથી બેંગલોર થઈને હું રીતસર અમદાવાદ ભાગ્યો! મનોમન નક્કી કર્યું… ભલે મારી કંપની નાની હોય.. અમારું ટર્નઓવર રપ લાખ અને કર્મચારીની સંખ્યા ૧૯ની હતી. હું કોઈની ય શેહમાં નહીં તણાઉં. ડિલરોના પગથિયાં નહીં ઘસું અને ખુદ સીધો ગ્રાહકનો સંપર્ક કરીશ.

રાજકોટમાં ભરાયેલા એક ઔદ્યોગિક મેળામાં અમે ભાગ લીધો. અહીં અમારા સર્વપ્રથમ ગ્રાહક સુરેન્દ્રનગરના ટેક્સટાઈલ સ્પિન્ડલના ઉત્પાદક શ્રી ભીખાભાઈ પરમાર સાથે મારો પરિચય થયો. તેમણે એકસામટાં નવ મશીનનો ઓર્ડર આપ્યો, પણ શરત મૂકી. તમે મને દરેક મશીનમાં મારી જરૂરિયાત મુજબ ફેરફાર કરી આપશો? દરેકમાં હાઈડ્રોલિક સિલિન્ડર અને હાઈસ્પીડ સ્પિન્ડલ મૂકી દો. મેં કહ્યું. “અમે આવું કામ આજ સુધી કર્યું નથી પણ તમે મને સહેજ ગાઈડ કરશો તો બનાવી દઈશું…. સાહેબ.”

‘૯૩ થી ‘૯૮માં અમે ઘણું શીખ્યા. “જ્યોતિ”ની ઝડપી પ્રગતિ થઈ તથા ગ્રાહકની જરૂરિયાત મુજબના “સ્પેશિયલ પર્પઝ મશીન” બનાવવાની કળામાં અમે પારંગત થતા ગયા. ગિયરબોક્સ અને એપ્રોન ઉપરાંત હવે આ મશીનો બે-ત્રણ લાખની કિંમતે વેચાવા લાગ્યા.

જાહેરાતતો અમે કરી જ નથી… પણ વાતને ફેલાતાં વાર લાગે? મને અને મારી ટીમને મશીનરીના ઉત્પાદન વિષે ખૂબ પ્રેક્ટિકલ જ્ઞાન મળ્યું. ૧૯૯૮માં ‘CNC’ નામની નવી ટેક્નોલોજી બજારમાં આવી. રાજકોટની એક જ કંપની પાસે આ મશીન આવ્યું હતું. હું એ મશીન જોવા ગયો ત્યારે તેના માલિકે મારી હાંસી ઉડાવતાં કહ્યું, “ભાઈ, આમાં તો ટી.વી. છે, કોમ્પ્યુટર છે. તારી ચાંચ નહીં ડૂબે.” મને હાડોહાડ લાગી આવ્યું. એ જ વર્ષે “ઇન્ડિયન મશીનટૂલ્સ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન(IMTA) દ્વારા દિલ્હીમાં IMTEX નામનું પ્રદર્શન યોજાયું હતું. ત્યાં વિવિધ લેટેસ્ટ મશીનો જોઈને મને ખાતરી થઈ ગઈ, કે મિકેનિકલ લેથનો મૃત્યુઘંટ વાગવામાં ઝાઝા દિવસો બાકી નથી. જાણે મારી મુરાદ પારખીને પ્રભુએ પ્રસાદી મોકલી હોય, તેમ રાજકોટમાં જ ‘CNCમાં પહેલ’ નામનો એક સેમિનાર IMTAએ અને UNIDO (યુનાઈટેડ નેશન્સ ઇન્ડ્સ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા યોજાયો. આવા સેમિનારોથી ઘણીવાર ધંધો કરવાની દષ્ટિ બદલાઈ જાય છે. મારો તો ધંધો જ બદલાઈ ગયો!

CNC એટલે ‘કોમ્પ્યુટરાઈઝડ ન્યુમેરિકલ કન્ટ્રોલ’’ આમાં ધાતુનું કટિંગ કમ્પ્યૂટરના આદેશથી થાય છે. પરિણામે કામમાં ખૂબ જ ચોકસાઈ આવે. આ ટેક્નોલોજીનું ઉત્પાદન વિશ્વમાં બે જ કંપનીઓ કરતી. જાપાનની ‘Fanuc’ અને જર્મનીની ‘Siemens’! સેમિનારમાં બંનેના સ્ટોલ તથા પ્રેઝન્ટેશન હતાં.

સેમિનાર પૂરો થયો ત્યારે મેં ‘ફાનુક’ કંપનીના પ્રતિનિધિનો સંપર્ક સાધીને મારી ફેક્ટરીની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું. મારે ઓર્ડર આપવો હતો તે પણ સ્પષ્ટતા કરી હતી. મારી સામે જોઈને પેલો કહે, “આ ફોર્મ ભરો, તમારી કંપનીમાં કેટલા એન્જિનિયર છે? તમારો વાર્ષિક ટર્નઓવર કેટલો છે?” મને તો નવાઈ લાગી… આ બધી પંચાત કરવાની એને શી જરૂર? અરે ભાઈ, ગ્રાહકને તો ભગવાન સમજવાનો હોય ને તું એની કુંડળી કાઢવા બેઠો છો?

મેં પૂછ્યું, “મારો ટર્નઓવર જાણીને તમારે શું કરવું છે?”

પેલો બટકબોલો કહે, “અમારા મશીનની કિંમત ૨૦ લાખ છે. તમને નહીં પોસાય.”

મારો પિત્તો ગયો…જા ભાઈ જા, તારે વેચવું હોય, તો ય મારે તારું મશીન નથી લેવું…

હું તો સીધો “સિમેન્સ”ના પ્રતિનિધિને મળ્યો. બપોરે બે વાગે તો મેં ૨૦ લાખના મારા સર્વપ્રથમ CNC મશીનનો ઓર્ડર આપ્યો. હા, એક ખાનગી વાત કહું? મારી કંપનીનો ટર્નઓવર ફક્ત સાંઈઠ લાખ હતો… તે છતાંય મને નાણાંની ચિંતા ન હતી. મશીનને હું ઓપરેટ કેવી રીતે કરીશ એની જ મને ચિંતા હતી! મેં તો સાવ સ્વચ્છ હૃદયે સિમેન્સની ટેકનિકલ ટીમને ચોખ્ખી વાત કરી. “ભાઈ આ મશીનમાં કાંઈ ગતાગમ નથી પડતી. તમારે જ મને તાલિમ આપવી પડશે.”

જે થાય તે સારા માટે. પેલી જાપાનિઝ કંપની કરતાં જર્મન કંપની સાથેનો સહયોગ અમારા હિતમાં ઠર્યો. જાપાનિઝ કંપની ક્યારેય તેમની ટેકનોલોજી શેર ન કરે. બધું જ છુપાવે, સંતાડે અને બારણાં જડબેસલાક બંધ રાખે. સિમેન્સ તો અમને શીખવવા આતુર. બીજી કંપની તેમનો ધંધો હડપ કરી જશે તેવી બીક રાખ્યા વગર ધંધાની આંટીઘૂટીઓ પણ શીખવે.

આવી વિશ્વકક્ષાની ટેક્નોલોજી લાવ્યા એટલે હોશિયાર માણસો ય લાવવા જ પડે! મેં મારા કાકાના છોકરા હિરેનને પૂછ્યું. એ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અને એમ.બી.એ થઈને આઈ.બી.એમ.માં નોકરી કરતો હતો. એ તો ન માન્યો પણ થોડા જ દિવસમાં હિરેનનો કૉલેજનો મિત્ર હિતેશ મારી ઓફિસે આવ્યો. એ ફેક્સ મશીનનું માર્કેટિંગ કરવા જ આવ્યો હતો. મેં એને પૂછયું. “ભાઈ હિતેશ, તું તો આટલું ભણેલો છે આવી નોકરીમાં કેમ ટાઈમ બગાડે છે.”

હિતેશ કહે, “શું કહું મોટાભાઈ! રાજકોટમાં ઇલેક્ટ્રોનિક એન્જિનિયર માટે નોકરી જ ક્યાં છે? તમે મને રાખો. તો હું ફેક્સ વેચવાનું બંધ કરું!”

હિતેશ અમારી કંપનીનો પહેલો એન્જિનિયર. સિમેન્સ સાથે ઘણી ભાંગજડ-માથાઝીંક કરીને અમે પહેલે જ વર્ષે છ CNC લેથ મશીન વેચ્યા. ૧૯૯૯માં સિમેન્સે પેરિસમાં “વર્લ્ડ મશીન ટૂલ એક્સપો” માટે વિશ્વભરમાંથી તેમના ત્રણ ચુનંદા ગ્રાહકોને આમંત્રણ આપી સ્પોન્સર કર્યા. એ મારો સર્વપ્રથમ વિદેશપ્રવાસ! પેરિસની સુંદરતા કરતાંય ત્યાંના લેથ મશીનની આંખે ઊડીને વળગે તેવી “લિનિયર મોટર ટેક્નોલોજી” થી હું વધુ આકષયો. ડી.એમ.જી નામની એક કંપનીની વિશ્વના સૌથી ઝડપી લેથ મશીનો બનાવતી હતી.

પ્રદર્શનનો છેલ્લો દિવસ હતો… અમારા ગ્રુપના બધા ડિઝનીવર્લ્ડ (પેરિસ) જોવા ગયાં. મેં વિચાર્યું અરે… સિમેન્સ જેવી માતબર કંપની સામેથી પૈસા ખર્ચનિ નવી ટેક્નોલોજી જોવા-જાણવા અહીં સુધી બોલાવે છે… અને આપણે ફાલતુ સાઈટસીઈંગમાં ટાઈમ બગાડીએ છીએ? મેં ફરવા જવાનું માંડી વાળ્યું. હું પ્રદર્શનમાં જ ફરતો રહ્યો. જોતજોતામાં જાદુ થયો! સાંજ પડવા આવી. પ્રદર્શન પુરું થવા આવ્યું મોટી મોટી કંપનીઓ સ્ટોલ સંકેલવા લાગી તથા મશીનોના નાના-મોટા પાર્ટ્સ છૂટા કરવા લાગી. મારા સ્વપ્નનું પેલું મશીન મેં આખું ખુલેલું જોયું અને મને ટ્યૂબલાઈટ થઈ! અરે….. આવું મશીન તો આપણે ય બનાવી શકીએ!

મેં પેરિસમાં જ સિમેન્સ સાથે મિટિંગ કરી. “મારે આવું લિનિયર મશીન રાજકોટમાં બનાવવું છે. તમે મને મોટર સપ્લાય કરશો?” એમને શો વાંધો હોય?…. છતાંય એમણે મને ચેતવ્યો, “અમે મોકલી દઈશું, પરંતુ તમારે ત્યાં મુશ્કેલી થશે.” આ વિદેશી કંપનીઓ આપણા દેશની કામ ન કરતી સરકારોની રગ પારખી ગઈ છે! મોટર ભારત આવી પહોંચી અને મારા કસ્ટમ વિભાગના આંટા શરૂ થઈ ગયા. “મોટર લાંબી છે, તેમાં બોલબેરિંગ નથી, તે ફરતી નથી…તો અમારે આને મોટર શા માટે ગણવી?” ઓફિસર માનવા તૈયાર જ ન હતા કે આ માત્ર મોટર છે… મશીન નથી. ત્રણ મહિને વાત પતી!

એમટેક્સ નામના મેળાવડામાં મારે એલ્ટ્રામોર્ડન સુપરફાસ્ટ સોફિસ્ટિકેટેડ મશીનનું અનાવરણ કરવું હતું. મને સો ટકા ખાતરી હતી કે આ મશીનનો ઘરાક નહીં જ મળે કેમકે આ લેથમશીનની કિંમત રૂ ૧ કરોડ હતી!

સાચું કહું તો મેં વેચવા માટે આ મશીન બનાવ્યું જ ન હતું. મારે તો “રાજકોટવાળા ક્વોલિટી ન આપી શકે” તે મહેણું ભાંગવું હતું. રાજકોટની ક્વોલિટી વિષે લોકોના મનમાં પડેલી છાપ ભૂંસવી હતી. એ વર્ષે અમારો ટર્નઓવર રૂ. ૧.૩ કરોડે પહોંચ્યો હતો છતાં ય માત્ર મારી બેંકોની સહાયથી મેં રૂ. ૨.૮ કરોડ માત્ર એમટેક્સ પ્રદર્શન માટે ખર્ચી કાઢ્યા હતા! હું શેખચલ્લી ન હતો. મને મારી પ્રોડક્ટમાં અમાપ શ્રદ્ધા હતી.

રૂ. ૧ કરોડવાળું મશીન તો અમે શોભાના ગાંઠિયાની જેમ જ સ્ટોલમાં મૂક્યું હતું. વેચવાનું તો પેલું રૂ. પંદર લાખનું લેથ મશીન જ હતું.

એ લિનિયર મશીન એટલે અમારી કંપનીનો સુખદ વળાંક! એ મશીન જોયા પછી કોઈએ મને પૂછ્યું જ નથી કે “તમારી કંપની ક્યાંની છે?” એ વર્ષથી જ અમે વર્ષોવર્ષ ૧૦૦%નો વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. ૨૦૦૨માં અમે મટોડામાં આકાર લઈ રહેલ નવા ઔદ્યોગિક વિસ્તારમાં ફેક્ટરી માટે જમીન લીધી. એ જમીન “એ.એમ.બી બેરિંગ્ઝ” નામની કંપનીના નામે હતી. જી.આઈ.ડી.સી.ના નિયમો મુજબ જમીનનું નામ ટ્રાન્સફર ન થઈ શકે અમે રસ્તો કાઢ્યો…. જમીન શું, આખી કંપની જ ખરીદી લઈએ તો એનું નામ પણ “જ્યોતિ CNC” થઈ જાય, ને પ્લોટ નામે થઈ જાય!

૨૦૦૩માં અમે ઇટાલીના મિલાન શહેરમાં થતા વિશ્વવિખ્યાત “ઈ.એમ.ઓ. ટ્રેડ-શો”માં ભાગ લેવાનું નક્કી કર્યું. આવા મેળાઓમાં સ્ટોલના ભાવ ટીંચર હોય છે! ભારતના લઘુઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ‘IMTA’ તથા ‘UNIDO’ નામની બે સંસ્થાઓએ ૧૦૦ ચોરસ મીટર જગ્યા બુક કરાવવી હતી. ભારતીય સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી (SSI)ને ૧૫-૧૫ ચોરસ મીટર જગ્યા સાવ ફ્રી મળવાની હતી. મેં થોડી હોશિયારી વાપરીને બે નામે અરજી કરી. “જ્યોતિ” અને “જ્યોતિ CNC” મારી જરૂરિયાત તો ૧૦૦ ચો.મી.ની હતી. જેથી લિનિયર મશીન તથા લેથ મશીન ડિસ્પ્લે કરી શકાય…. પણ મફતમાં તો જે મળે તે! ધરમની ગાયના દાંત થોડા ગણાય? જો કે, એક્ઝિબિશનમાં જવાનું હોય ત્યારે અમેં ખર્ચાનો વિચાર જ નથી કરતા. ભારે હિંમત અને એનર્જી સાથે પહોંચી જઈએ છીએ! અમને ૩૦ ચો.મી.ની જગ્યા તો મળી જ ગઈ. બાકીના ૭૦ ચો.મી. માટે જે ખર્ચવા પડે તે ખર્ચવા અમે તૈયાર હતા પરંતુ અમને આનંદ-આશ્ચર્ય થયું કે બીજી કોઈ કંપનીની અરજી જ ન હોવાથી આપમેળે ૧૦૦ ચો.મી.ની જગ્યા અમને મળી ગઈ!

ભારતની બધી જ કંપનીઓ કરતાં મારો સ્ટોલ મોટો હતો. હોય જ ને! એ બધા પૈસા ખર્ચીને આવ્યા હતા તેથી જ સ્તો! વળી હું મારી ૧૫ સભ્યોની ટીમ લઈને મિલાન ગયો હતો. મારા માણસો ય જુએ ને કે ભાઈ.. દુનિયા કેટલી આગળ વધી ગઈ છે… ક્યાં શું ચાલે છે! મારા કર્મચારીઓ પશ્ચિમની દુનિયા જુએ તો તેમનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે.

ત્યાંથી પાછા આવ્યા બાદ TAMTAએ “વિઝન એક્સરસાઈઝ” નામનો ત્રણ દિવસનો સેમિનાર રાખ્યો હતો. અમારા ઉદ્યોગના પીઢ અને વિચક્ષણ ઉદ્યોગપતિ શ્રી શૈલેષભાઈ શેઠ દ્વારા આયોજિત સેમિનારમાં ભાગ લીધા પછી હું આખેઆખો હલી ગયો! અરે… આજ સુધી તો અમે રેતીમાં જ હલેસા માર્યા છે! આ કંપનીને અહીંથી આગળ લઈ જવી હશે તો હોડીને દરિયામાં લઈ જવી પડશે. વિઝન-મિશન નક્કી કરવાં પડશે. અમે તો બસ આંધળાનો ગોળીબાર જ કર્યે રાખ્યો છે!

સેમિનારમાં અમને ૧૯૪૨ની ‘ક્વિટ ઇન્ડિયા’ની ચળવળનો દાખલો આપવામાં આવ્યો હતો. રાજકોટ પહોંચીને મેં મારી ટીમ સાથે મિટિંગ કરી. મે કહ્યું. “બધા આજથી જ આપણી કંપનીના ‘વિઝન’ અને ‘મિશન’ વિષે વિચારવા લાગો. લો આ કાગળ અને પેન.”

અમે રોજ મળતા! ખૂબ ચર્ચા વિચારણા અને આત્મમંથન બાદ ૮-૯ મહિના પછી ‘જ્યોતિ CNC’નું વિઝન અને મિશન નક્કી થઈ શક્યું. “૨૦૧૧ સુધીમાં ટેકનોલોજી, ક્વોલિટી તથા વોલ્યુમ ત્રણેય ક્ષેત્રે ભારતની નં. ૧ મશીનટુલ્સ કંપની બનાવવી તથા ટર્નઓવર ૭ કરોડમાંથી ૧૦૦૦ કરોડ પર પહોંચાડવો.”

આ હવાઈ કિલ્લા ન હતા. અમે વિઝન-મિશન માટે જબરદસ્ત પ્લાનિંગ પણ કર્યું હતું. ૧૦૦૦ કરોડે પહોંચવા માટે નાણાં, મશીનરી તથા મેનપાવર જોઈએ. સ્વપ્નોને હકીકતમાં બદલવા માટે ઝીણામાં ઝીણી બાબતને નજરઅંદાજ ન કરાય. બધું જ પ્લાનિંગ અમે એક પણ બહારના કન્સ્લટન્ટની મદદ વગર કર્યું હતું! એક્ચ્યુલી અમે બે-ત્રણ કન્સ્લટન્ટ્સને મળ્યા હતા પણ બધાંની એક જ વાત… “તમે તો ભાઈ બહુ મોટા મિનારા બાંધો છો… નીચે પછડાશો!”

આ સમયે મારી ચેસની તાલિમ ખૂબ જ કામમાં આવી. કોઈપણ નિર્ણય લેતા પહેલાં હું પરિણામોનો તાગ મેળવી શકતો. ચેસમાં રાણી ખેલવી કે વજીરની ચાલ ચાલવી….. તથા એ ખેલ ખેલ્યા પછી પરિણામ શું આવશે તે પણ વિચારવું પડે છે તેમ. બીજાને ન દેખાય તે ય મને દેખાઈ જાય. બીજાને જે બ્લાઈન્ડની બાજી લાગે, તે જુગાર હું તો પત્તાં જોઈને જ ખેલતો હતો!

ચેસની રમતને કારણે મારામાં ધીરજનો ગુણ પણ ખીલ્યો હતો. મારા ધંધામાં મને આ ગુણ ખૂબ કામ લાગ્યો છે. અમે જ્યારે નિકાસ ક્ષેત્રે પ્રવેશવાનું નક્કી કર્યું ત્યારે ઈએમઓ-૨૦૦૩ તથા ૨૦૦૫માં અમે સ્ટોલ રાખ્યા હતા. બંને વખત અમારો સ્ટોલ જોવા ઘણા ગ્રાહકો આવ્યા. અમારી પ્રોડક્ટના વખાણ પણ થયાં. પણ ગાજ્યાં એવાં વરસ્યાં નહીં. એકેય ઓર્ડર ન મળ્યો. ત્રીજીવાર ૨૦૦૭માંય મેં એટલા જ ઉત્સાહથી એ મેળામાં ભાગ લીધો. કરોળયાવૃત્તિથી મેં અથાગ પરિશ્રમ કર્યો. ૨૦૦૭માં અમને વિદેશથી સર્વપ્રથમ ઓર્ડર મળ્યો.

અમારી મશીનટુલ્સની ઇન્ડસ્ટ્રી બહુ જૂની છે તથા ક્વોલિટી માટે અત્યંત સજાગ છે. અહીં નવી કંપની પર કોઈ જલ્દી વિશ્વાસ નથી મૂકતું. અમને દર બે વર્ષે મેળામાં આવતા જોઈને વિદેશીઓને પણ વિશ્વાસ બેઠો હશે કે આ વિશ્વાસપાત્ર કંપની છે. મશીન માથે મારીને ભાગી નહીં જાય.

૨૦૦૭ની ઈએમઓ પછી ઘણાં ડિલર્સ અને મૂળ ઉત્પાદકો રાજકોટ આવીને અમારી ફેક્ટરી જોઈ ગયા. બધા ખૂબ પ્રભાવિત થઈને ઓર્ડર્સ આપીને વિદાય થયા. એ વર્ષે મેં પણ પેલી જાપાનીઝ કંપની Fanuc સાથે કામ નહીં કરવાની મારી જીદ છોડી. છેલ્લાં પ-૬ વર્ષથી તો અમારા સંબંધો ઘણા ગાઢ થયા છે.

અમારા પ્લાન મુજબ ૨૦૦૩માં ૭ કરોડથી ૨૦૦૮માં ૧૫૦ કરોડ તો અમે પહોંચી ગયા. બેંકો પાસે લોન મેળવવાની અમને ક્યારેય તકલીફ નથી પડતી કેમકે મેં હપ્તા ભરવામાં ક્યારેય અખાડા નથી કર્યા. મારો તો નિયમ છે. હપ્તો ભરવા માટે બીજી બેંકમાંથી લોન લેવી પડે તો લેવાની, પણ હપ્તો ભરવામાં મીનમેખ ન જ થવી જોઈએ.

અમારા વિઝન પ્રમાણે આગળ વધવા માટે હવે અમારે એક કંપની હસ્તગત કરવી પડે તેમ હતી. આ કંપની અમારી હરીફ કંપની હતી. જોકે એમના મેનેજમેન્ટને કંપની વેચવામાં રસ ન હતો. એક દિવસ અમારી કંપનીમાં ફ્રાંસથી એક મહેમાન આવ્યા હતા. તે ફ્રાંસની જાણીતી મશીન ટુલ્સ કંપની Heronના જનરલ મેનેજર હતા. હું અને મારી ટીમ પેલી હરીફ કંપનીના ટેઈકઓવરની નિષ્ફળતાની ચર્ચા હિન્દી-ઇંગ્લીશમાં કરતા હતા. ત્યાં તો પેલા ફ્રેન્ચમેન શુદ્ધ હિન્દીમાં બોલ્યા, “ખરીદના હો તો મેરી કંપની ખરીદ સકતે હો!” હું તો ઘીસ ખાઈ ગયો! (એ ફ્રેન્ચભાઈએ કંપનીના કામે ઘણાં વર્ષો ભારતમાં ગાળ્યા હતાં.)

એ બોલ્યા : “મેરી ઉમ્ર સત્તર સાલકી હૈ…. બહોત ધંધા કિયા અબ તુમ કરો…”

હું તો શું બોલું ‘જ્યોતિ CNC’ કરતાં તેમની Heron કંપની અઢી ગણી મોટી હતી! એવડી મોટી કંપની ખરીદવાના પૈસા વળી હું ક્યાંથી લાવવાનો હતો?! અમે “સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા”ના જૂના ગ્રાહક હતા. એ વર્ષોમાં SBI વિદેશી કંપનીઓને હસ્તગત કરવા ઇચ્છતી ભારતીય કંપનીઓને ઉદારતાથી મદદ કરતી હતી. અમે પેરિસની SBIની બ્રાંચમાં ગયા. ત્યાંના ફોરેક્સ વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર અમારી ફેક્ટરીની જાતતપાસ કરવા ભારત-રાજકોટ અમારી ફેક્ટરીમાં આવ્યા. તેમણે સંમતિની મહોર મારી એટલે ૨૦૦૮માં ‘હ્યુરોન’ને ઓફર આપી. વેચાણખત થઈ ગયું!

હવે નાણા ચૂકવવા માટે અમારી પાસે ત્રણ મહિનાનો સમય હતો.

અમારી ફેક્ટરી ગિરવે મૂકવા સામે ૧૦૦% લોન આપવાનું બેંકે અમને વચન આપ્યું હતું. એટલે અમે તો નિશ્વિંત હતા પરંતુ થોડા વખતમાં જ તેઓ આઘાપાછા થવા લાગ્યા. તેમના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરે જાતજાતના વાંધા કાઢયા. અમારા જેવી નાની કંપનીમાં તેમને વિશ્વાસ ન પડયો. અને તેના નાણાં ન ચૂકવી શકીએ તો? હ્યુરોન જેવી ગંજાવર કંપનીને મેનેજ કરવાનું રાજકોટની કંપનીનું શું ગજું? અમે ખૂબ મહેનત કરી પરંતુ તે તો પાણીમાં જ બેસી ગયા. એકેય રૂપિયો આપવા નામક્કર ગયા!

હવે? મારી તો ઇજ્જતનો સવાલ હતો! હું રાજપૂત છું…. પ્રાણ જાયે પર વચન ન જાયે! પેલા ડી.એમ.ડી એક બહેન હતાં. અમે કહ્યું, “મેડમ, ગમે ત્યાંથી લાવીને ૧૫% નાણા અમે મૂકીશું. તમે અમારા પર વિશ્વાસ મૂકો! બહેન કહે “મિ. જાડેજા, તમે ‘ઈન્ટેગ્રેશન પ્લાન’ બનાવ્યો છે? બે કંપની એકમેકમાં ભળશે કેવી રીતે? તમારા એકીકરણનો પ્લાન જોયા વગર હું એક રૂપિયો ય ન આપી શકું.”

અમે તો પૈસાની વ્યવસ્થામાં જ એવા અટવાઈ ગયા હતા કે બેંકોની જરૂરિયાત મુજબનો ભારે ભરખમ ‘ઇન્ટેગ્રેશન પ્લાન’ ક્યાંથી બનાવીએ? કાળા વાદળમાં રૂપેરી કોરની જેમ એક દિવસ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી કે. આર. કામથનો ફોન આવ્યો! તે રાજકોટ આવ્યા હતા. તેના માનમાં બેંકે ડિનર ગોઠવ્યું હતું તથા નાના-મોટા ઉદ્યોગપતિઓ-ક્લાયન્ટ્સને આમંત્ર્યા હતા. આ એ જ કામથ હતા, જેમણે મને સર્વપ્રથન લોન આપી હતી. એ જમાનામાં તેઓ કોર્પોરેશન બેંકમાં હતા તથા મારી રૂ. ૩૫૦૦૦/-ની લોન તેમણે જ મંજૂર કરી હતી.

અમારા સંબંધો માત્ર ધંધાકીય નથી… કૌટુંબિક થઈ ગયાં છે. મને તેમણે વાતવાતમાં પૂછયું, “શું ચાલે છે? ધંધા-પાણી કેમ છે?”

મેં માંડીને મારી મૂંઝવણ વ્યક્ત કરી. મેં કહ્યું “હવે તો માત્ર ‘જ્યોતિ’ની નહીં, દેશની ઇજ્જતનો સવાલ છે. હ્યુરોન સાથેના કરાર ફોક કરવાની નોબત આવશે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો વારો આવશે.”

કામથ સાહેબે તેમની બેંકના ફોરેન એક્સચેઇન્જ ડિપાર્ટમેન્ટ સાથે મારી મિટિંગ ગોઠવી. બે જ દિવસ બાદ હું અને મારાં ચાર્ટડ એકાઉન્ટન્ટ પેરિસ પહોંચ્યા, માત્ર વીસ જ દિવસમાં બેંક ઓફ ઇન્ડિયાએ ૭૦% નાણાં ચૂકવી દીધાં. ૩૦% અમે અમારી તાકાતથી ચૂકવી દીધાં અને હ્યુરોનની ડિલ પાર પડી!

૧લી જાન્યુઆરી, ૨૦૦૮નો એ દિવસ કેમ ભુલાય!? બંને કંપનીઓનો મિશ્ર ટર્નઓવર ૫૦૦ કરોડ! ૨૦૧૧માં ૧૦૦૦ કરોડ પર પહોંચવાનું મારું સ્વપ્ન જાણે હાથવેંતમાં હતું. ત્યાં જ ૨૦૦૯-૧૦માં ભારતના બજારોમાં ભયંકર મંદીનો માહોલ છવાયો. હ્યુરોનને પણ ઘણું નુકશાન થયું. આવા તંગ વાતાવરણમાંય અમે બેમાંથી એકેય કંપનીના એકપણ કર્મચારીને પાણીચું નથી પકડાવ્યું. અંદરખાને અમારી ટોપ મેનેજમેન્ટ ટીમે ઘણું મનોમંથન કર્યું… આપણે બહું મોટી બાથ તો નથી ભીડી દીધી ને?… જોકે બધાનો અભિપ્રાય એક જ હતો. સહું સારાવાના થશે. ધંધામાં તેજી-મંદીનું ચક્ર તો ચાલ્યા જ કરે.

એવામાં એક ચાઈનીઝ કંપની અમને ખરીદવા તલપાપડ થઈ રહી હતી. અમે અડગ રહીને તેમની ઓફરનો અસ્વીકાર કર્યો. જ્યોતિનો ટર્નઓવર ૫૦ ટકા ઘટી ગયો. અમે ભયંકર નાણાભીડ અનુભવી રહ્યા હતા. મારી જગ્યાએ કોઈપણ હોત, તો એકાદ પ્લાન્ટ બંધ કરી દેત. થોડા કર્મચારીઓને છૂટા કરી દેત… પરંતુ મારે બીજાને મારીને બચવું ન હતું! મેં અમારી કૌટુંબિક જમીનો વેચવા કાઢી. બેંકોના હપ્તા ભરી દીધા. મારા નસીબે એ વર્ષે જમીનના ભાવ આસમાને પહોંચ્યા હતા.

મુશ્કેલીઓ માનવીને મનોમંથન કરતો કરી દે છે. મેં ધંધા વિષે એ સમયે ખૂબ વિચાર્યું : હવે માત્ર ઔધોગિક એકમોને સપ્લાય કર્યે નહીં ચાલે એ બાબત સ્પષ્ટ થઈ ગઈ. સરકારી ઓર્ડર્સ લેવા જ પડશે. ડિફેન્સ, ઇન્ડિયન રેલ્વેઝ, ઇસરો વગરે બધે જ માર્કેટિંગ કરવું પડશે. હવે ૩૦ ટકા ધંધો સરકાર તરફથી આવે તેવી બાજી ગોઠવવાની હતી.

આપણે સહુ જાણીએ છીએ કે સરકારમાં કામો કેવી રીતે થાય છે? ત્યાં આદર્શો અને નૈતિકતાની કિતાબી ફિલસૂફી નેવે મૂકવી પડે. જે હોય તે, અમે ટકી શક્યા છીએ. માર્ચ ૨૦૧૧માં અમારી આવક ૬૫૦ કરોડ પહોંચી. હ્યુરોનનો વિકાસ પણ ૩૦ ટકાની ઝડપે થઈ રહ્યો હતો તે વધુ આનંદની વાત હતી.

અમને ફ્રેન્ચ કંપની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેમનું ડિઝાઈનીંગ, તેમના હાઈ સ્પીડ મશીનો તથા કાર્યપદ્ધતિને તો સલામ છે! ત્યાંનો કર્મચારી ફક્ત ૩૫ કલાક કામ કરીને આપણા દેશના કર્મચારીના ૫૦ કલાકથીય વધુ કામ ઊંચું મૂકી દે છે. આર્સેલર-મિત્તલના એકીકરણમાં જે તકલીફો પડી તેવી અમને આ ફ્રેંચ કંપની સાથેના મર્જરમાં નથી પડી. અમારી કંપનીને કારણે ફ્રાંસના કેટલાય કર્મચારીઓ સચવાઈ ગયા. તેમની નોકરી બચી ગઈ. તેમને પણ આપણી પાસેથી ઘણું શીખવા જેવું લાગ્યું છે. ગુજરાતીઓ જેવી વેપારીબુદ્ધિ તો કદાચ કોઈની પાસે દુનિયાભરમાં નથી.

છેલ્લાં દોઢસો વર્ષથી આ ફેંચ કંપની ‘ફિયાટ’ અને ‘એલ્સ્ટોમ’ની મુખ્ય સપ્લાયર હતી. જ્યારે કંપની વેચવાની વેળા આવી ત્યારે ઈટાલિયનોએ તેના ભાગલા પાડી દીધા. એરોસ્પેસ ડિવિઝન કંપનીના જનરલ મેનેજરે ખરીધું જે પછીથી જ્યોતિ CNCને વેચાઈ ગયું. અમે તો મૂળ કંપનીમાં માત્ર બે જ મહત્ત્વના ફેરફાર કર્યા છે.

હ્યુરોન પાસે ઓટોમોટિવ, પાવર તથા જનરલ એનજિનયરિંગની ઘણાં બધી પ્રોડક્ટ્સની ડિઝાઈ હતી. અમે એ ડિઝાઈન્સનો વપરાશ ફરીથી શરૂ કર્યો છે તથા હ્યુરોન અગાઉ માત્ર હાઈ-એન્ડ પ્રોડક્ટ્સ જ બનાવતી. બજારમાં બધી હ્યુરોનને ‘રોલ્સરોયસ’ કહેતાં. અમે સામાન્ય ગ્રાહકને પોસાય તેવા મશીનો બનાવવાના ચાલુ કરીને ‘કસ્ટમર-બેઈઝ’ વધારવાનો પ્રયત્ન કર્યો છે.

શરૂઆતમાં યુરોપની આખી ફેક્ટરી બંધ કરીને પ્રોડક્શન માત્ર ભારતમાં કરીને હ્યુરોનની બ્રાન્ડથી વેચવાનો ય અમે વિચાર કર્યો હતો પરંતુ થોડા જ વખતમાં અમને યુરોપમાં ફેક્ટરી ચલાવવાનું મહત્વ સમજાયું. તમને જાણીને આનંદ થશે કે એ પછી તો અમે ફેક્ટરીનું વિસ્તરણ તો કર્યું જ પરંતુ ફ્રાંસની બીજી એક કંપની પણ એક્વાયર કરી છે.

ભારતમાં જે મશીનરી વપરાય છે તેમાંની ૭૦ ટકા ઇમ્પોર્ટેડ હોય છે તે તમે જાણો છો? આપણી ફેક્ટરીઓમાં મશીનો તો જર્મની-ફ્રાંસ અને જાપાનથી જ આવે છે. હવે અમે આ બજારને કબજે કરવા માંગીએ છીએ. માર્ચ ૨૦૧૩ માં અમારો ૧૦૦૦ કરોડનો લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો! હવે કંપનીનો પબ્લિક ઇશ્યુ વિચારણા હેઠળ છે.

ભારતના ૧૨૦૦ અને ફ્રાંસના ૧૫૦ કર્મચારીઓ માટે સમાન ડ્રેસકોડ છે. કંપનીના લોગોવાળું ગ્રે ટી-શર્ટ. આ યુનિફોર્મને કારણે કર્મચારીઓમાં કંપની માટે ગર્વ અને ભાઈચારાની ભાવના રહે છે. આ ડ્રેસ પ્રેક્ટિકલ તથા કંફર્ટેબલ પણ છે.

રાજકોટની ફેક્ટરીમાં સૌરાષ્ટ્રની કૉલેજોના યુવાન એન્જિનિયરોને લેવામાં આવે છે. હાલમાં બી-ટેકના છેલ્લા સેમિસ્ટરમાં ભણતા વિધાર્થીઓ માટે “જ્યોતિ CNC”એ ખૂબ સુંદર પહેલ કરી છે. શનિ-રવિની રજાઓમાં તેઓ જ્યોતિમાં કામ કરવા આવી શકે છે. આને કારણે એશ્જિનિયરીંગની ડિગ્રી મળતાં જ તેઓ ધંધા-ઉદ્યોગમાં જોડાવાની લાયકાત ધરાવતા થઈ જાય છે. તેમના આત્મવિશ્વાસમાં તથા બોડીલેગ્વેજમાં જ ફરક પડી જાય છે.

સીઈઓ તરીકે હું સવારે ૮ થી સાંજ ૭ સુધી સતત ઓફિસમાં રહું છું. ઓફિસના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડર્મિટન અને ટેબલટેનિસ અચૂક રમી લઉં છું. તથા વર્ષમાં એકવાર હિમાલયના પર્વતો કે સ્વીસ આલ્પસના કોઈ રમણીય સ્થળે વેકશનની મજા મારી પત્ની રાજેશ્રી તથા તેર વર્ષની દીકરી પ્રાર્થના સાથે માણું છું.

ધંધામાં આજકાલ કરતાં ચોવીસ વર્ષ થઈ ગયાં. સમયની રેતીને સરતાં કાંઈ વાર લાગે છે? ક્યારેક નિરાશા અને ચિંતાના વાદળો ઘેરાઈ વળે છે ત્યારે ૧૯૯૫નો એ દિવસ યાદ આવે છે. હું ખૂબ મુશ્કેલીમાં હતો.. ચારે બાજુથી ઘેરાઈ ગયો… કાંઈ સૂઝતું ન હતું. મારા પપ્પા મારા અંગત મિત્ર પણ છે. તેમની સામે મેં હૈયાવરાળ ઠાલવી. “પપ્પા, હું ચેસ રમ્યા કરતો હતો ત્યારે તમે મને ભણવાની સલાહ કેમ ન આપી! તમે મને એન્જિનિયર કેમ ન બનાવ્યો? તમને મારી લેશમાત્ર ફિકર ન હતી.”

પપ્પાએ જે કહ્યું હતું તે કદાચ આજના દરેક મા-બાપે જીવનમાં ઉતારવા જેવું છે. “જો ભાઈ, મેં તો રજનીશજીને ગુરુ માન્યા છે. તેઓ હંમેશા કહે છે, કે આપણે બાળકોને જન્મ આપીએ તેથી તેમના માલિક બનવાનો હક આપણને નથી મળી જતો. પોતાનો રસ્તો તૈયાર કરવાની તેને છૂટ હોવી જ જોઈએ. બાળક, એ માતા-પિતાનાં અધૂરાં સ્વપ્નાં સાકાર કરવાનું સાધન નથી. મને તો તારા પર વિશ્વાસ હતો કે તું જે કરીશ તે સમજી વિચારીને જ કરીશ.”

હવે તો હું પણ ઓશોભક્ત બની ગયો છું. અનાથ બાળકો માટે એક સુંદર આશ્રમ કે વસાહત ઊભું કરવાનું મારું સ્વપ્ન છે. મારે બાળકો રમતગમતમાં વધુ રસ લેતાં થાય, તેમને તે અંગેની તાલિમ અને તક મળે તે વિષે વિચારવાનું છે. કંપની તો ચાલ્યા કરશે.

ખરેખર ઉત્સાહથી કામ કરનાર માટે જીવન જ રમત બની જાય છે. તમે પણ મેદાને પડો! ટીમ ઇન્ડિયાને આવા ઘણાં પરાક્રમીઓની તાતી જરૂર છે.

યુવા ઉધોગસાહસિકોને મારી શીખ

  • તમારું દિલ જે કહે તે કરો!

  • ભગવાને દરેકને સમાન તક આપી છે. યુવાનો, બીજા કહે તેમ કરવાનું છોડીને તમારા આત્માનો અવાજ સાંભળો.

  • તમારી પાસે જો કોઈ આઈડિયા હોય તો અજમાવી તો જુઓ! એમાં તમારે કાંઈ ગુમાવવાનું નથી.

  • એન્ટરપ્રિન્યોરશીપ એટલે ધંધો શરૂ કરી દેવો? ના, તમે જે કંપનીમાં નોકરી કરતા હો ત્યાં સાહસિક ઉધોગપતિની માનસિકતાથી કામ કરો તો સફળતા મળશે.

  • તમારો મુકામ ક્યા છે તેનું સચોટ ચિત્ર તમારા મનમાં હોય તો જ તમારી ટીમને તમે એ યાત્રામાં સહભાગી બનાવી શકશો. વિઝન એટલે પરિણામ નહીં. એક વિચાર, આઇડિયા! એની સ્પષ્ટતા હોય તો કર્મચારીઓને દિશા મળી જાય.

  • હું જ્યારે પહેલીવાર ફાંસમાં હ્યુરોનની ફેક્ટરી જોવા ગયો ત્યારે એ કંપનીના ફ્રેંચ માલિકે મુખ્ય દરવાજા પર મોટો ત્રિરંગો ફરકાવ્યો હતો. ધેટ વોઝ ધ પ્રાઉડેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ!!

[સાભાર: ધરતીનો છેડો ઘર, લેખક: રશ્મિ બંસલ, ભાવાનુવાદ : સોનલ મોદી]