પરિશ્રિમના ખેપિયા મારા બાપુ

ડૉ. શરીફા વીજળીવાળા

| 20 Minute Read

(વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સ્નાતક થઈને આર્ટસના ક્ષેત્ર તરફ વળી જનારાં ડૉ. શરીફા વીજળીવાળાએ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં અને ગુજરાતીના પ્રાધ્યાપિકા તરીકે અમૂલ્ય પ્રદાન કર્યું છે. અનુવાદ, લેખન અને વિવેચન ત્રણે ક્ષેત્રે તેમનું વિશેષે યોગદાન રહ્યું છે. શ્રી કાસમભાઈ વીજળીવાળાની આ દીકરીના લખાણમાં સચ્ચાઈ અને નીડરતા ભારોભાર છલકાય છે.)

આયખાના ઓવારે ગોઠંમડાં ખાતાં ઘણાને અઢળક મળ્યું અને કદાચ મને ઘણુંય નહીં મળ્યું હોય પણ મને એક વાતની ખાતરી છે કે મારા જેવા ઝિંદાદિલ બાપ કો’ કરમીને જ મળે.

હું સમજણી થઈ એ દિવસથી મેં મારા બાપુ કાસમભાઈ વીજળીવાળાને સાઈકલ પર લાદીને જિંદગીને ખેંચતા જ જોયા છે. એકવડિયો બાંધો, પાંચ - સાત થીંગડાંવાળાં કપડાં, સદાની સાથી એવી ખખડધજ સાઈક્લ અને મોઢા પર દુનિયાની બાદશાહી ભોગવતા માણસનું હાસ્ય. બાપુના ચહેરા પર બારે મહિના હાસ્યની ફુલગુલાબી મોસમ ખીલેલી રહેતી.

બાપુનું બાળપણ, અમલદારીની રોનકમાં વીતેલ પણ એ રોનક જ એમની વેરણ બની. બાપનો પ્રેમ કે માની લાગણીથી તેઓ હંમેશાં વંચિત જ રહ્યા . મા-બાપનું એકમાત્ર સંતાન હોવા છતાં શેરીઓમાં ને ખેતરોમાં રખડીને મોટા થયા. એમના બાપુની ભારે ધાક (આજે પણ એટલી જ છે). પસાયતાઓની ફોજ લઈને ફરતા દાદાને બાપુ શું કરે છે, એ જાણવા-જોવાનો સમય જ નો’તો. દાદા દ્વારા લોકો પર ગુજારાતા જુલમ બાપુ ફાટી આંખે જોયા કરે ને તેર-ચૌદ વર્ષની વયે જ આ ફાટી આંખોએ બાળપણને ટપક કરતું ટપકાવી દીધેલ ક્યાંક અજાણી ભોં પર. ભીતર સંકોડાતા બાપુએ “રૂપિયો કેમ થાય છે એ ખબર પડે છે ?” નો જવાબ આપવા સાઈકલ પકડી લીધી અને આ સાઈકલ બાપુને એવી જળોની જેમ વળગી કે હમણાં એકસઠમાં વર્ષે ભાઈએ પરાણે છોડાવી ત્યારે છુટી.

પ્રસંગોપાત વડપણનું છુટા હાથે દાન કરતા દાદાની અમલદારશાહી સ્વરાજ્ય આવતાં ગઈ. એજ અરસામાં બાપુનાં લગ્ન થયાં. એમની પાસે ના મળે ભણતર કે ના મળે વ્યવહારબુદ્ધિ. બાએ પણ નિશાળની પગથાર ભાળેલ નહીં. પણ બાપુ પાસે જમા ખાતે ખુદા પરનો અડગ વિશ્વાસ અને કોઈને પણ છેતરવાનું મન થાય એવું ભોળપણ ભારોભાર હતાં. આવા સધ્ધર ખાતા પર ક્યો ધંધો ચાલે ? બા પાસેથી સાંભળેલી વાતો મુજબ એ વર્ષોમાં બાપુ સાઈક્લ પર આજુબાજુનાં ર૫-૩૦ ગાઉનાં ગામડાઓમાં મોસમે મોસમની ચીજો વેચતા. બરફથી માંડીને બોર સુધીની ફેરી કરી, પણ તોય હાંડલાઓએ કુસ્તી બંધ ન કરી. એકાંતરે બાપુ ધંધા બદલતા હતા, પણ એમનું તકદીર બદલવાનું નામ નહોતું લેતું, આવું જ ચાલ્યું ૧૦-૧૨ વર્ષ. આવક હતી એટલી જ રહી ને કુટુંબની સંખ્યામાં અમારાં પાંચ ભાઈબહેનનો ઉમેરો થયો. જીંથરી રહેવાનું ને બાપુ છેક ધોળા સુધી સાઈકલ પર જાય. ધોળાના શેઠે એમને છાપાં વેચવા આપ્યાં અને બાપુની જિંદગીમાં એક સ્થિરતાનો વળાંક આવ્યો. એક-બે વર્ષ પછી ધોળાના શેઠે સોનગઢ ખાતેની એજન્સી જ બાપુને આપી દીધી. ૯ જણા ખાવાવાળા ને ૪૦૦ રૂ. મહિને મળે. બા અને બાપુને બે છેડા ભેગા કરવા એ નેવાનાં પાણી મોભે ચડાવવા જેવું લાગે. બા બિચારી છાણાં-બળતણ, સીવવાનું, ખેતરની મજુરી વગેરે કર્યે જ રાખે પણ તોય ચાદર ટુંકી જ પડે. જે ઉંમરે છોકરાં નિશાળેથી આવીને માને ચુપચાપ બેઠેલી જોઈ સમજી જાય કે “નક્કી કશુંક હશે.” ત્યારે અમે સમજી જતાં માં ચુપચાપ બેઠી છે તે “નક્કી આજે કંઈ જ નહીં હોય” ને કંઈ બોલ્યા વગર જ થેલા મુકી રમવા દોડી જતાં. લોકો કહે છે, ડહાપણની દાઢ સોળ સત્તર વર્ષે ઉગે છે. પણ અમને ભાઈ-બહેનને સાત-આઠ વર્ષની ઉમરે જ ફુટી ગયેલી. બાળપણને બહુ વહેલું હળવેકથી “આવજો” કહી દીધેલું. અને આ બધું છતાં અમે કોઈ નાસ્તિક ન થયાં. આસ્તિક થયાં એનું મુળ કારણ બાપુ. રાતે રમીને આવીએ ત્યારે બા-બાપુ ખાવાની કંઈ વ્યવસ્થા કરીને બેઠાં જ હોય. મને યાદ નથી અમે ક્યારે પણ ભુખ્યાં સૂતાં હોઈએ. રોજ રાતે આવું શાહી ભોજન આરોગી વિક્રમરાજાના સિંહાસને બેઠા હોય એમ ફળિયામાં બેઠા બેઠા બાપુ ભવિષ્યનાં રંગીન સપનાંને શબ્દોના તારે પરોવતા જાય. એક સીવવાનો સંચો લેવો છે, એક સાઈકલ… યાદી લંબાતી જાય ને બાના હોઠ પરનું હાસ્ય પણ લંબાતું જાય. એને આવતી કાલની આવનારી સાંજ દેખાય. પણ બાપુને એવી કોઈ ચિંતા વળગે નહીં. કીડીને કણ ને હાથીને મણ આપનાર હજાર હાથવાળા પર એને ભારોભાર વિશ્વાસ. “આજે આપ્યું તે કાલે ભુખ્યાં થોડા સુવાડશે?”, “નસીબમાં હોય તે થાય જ” આ બધા બાપુના તકિયાક્લામ.

બાપુની એક ખેવના જે ઝંખનાનું રૂપ પકડી ગયેલ તે એ કે અમને ભાઈ-બહેનોને ભણાવવાં; એને માટે ભલે પછી તુટી જવું પડે. અને એમના સુકલકડી શરીરને એમણે તોડી પણ નાખ્યું. રાજકોટથી ભાવનગરની સાઈકલ રેસમાં માત્ર ૧૦૦૦ રૂપયડી માટે ઝંપલાવ્યું ને શિહોરનું ફાટફ નડતાં ત્રીજા નંબરનું માત્ર પ્રમાણપત્ર પકડી હસતાં હસતાં ઘરે આવેલ.

દિવસના મોટા ભાગના કલાકો એમના સાઈકલ પર જ જતા. વહેલા પાંચ વાગ્યે ઊઠી એક આખી તપેલી ચા ગટગટાવી નીકળી પડે. એમની ખખડધજ સાઈકલ પર ખુલ્લા ગળે કંઈ લલકારતા હોય. જરૂરી નથી કે ભજન જ ગાતા હોય, કંઈ પણ ચાલે. એક વાર મેં એમને “દુનિયા કા મેલા, મેલે મેં લડકી…” ગાતા ટોકેલા. પણ એમને ખબર નહોતી કે તેમણે એવું કશું ગાયેલું છતાં એમની હંમેશની આદત મુજબ એ મારી સામે હથિયાર ટેકવી દે. હવે નહીં ગાઉં. પણ બીજે દહાડે એના એ. આજુ બાજુનાં ગામોમાં બાપુ માટે એક કહેવત કે “સવારે ઊઠીને કાસમભાઈનું મોઢું જોનારનો દિવસ સુધરી જાય.”

મા-બાપને મન બધાં જ સંતાન સરખાં જ હોય છતાં એકાદ સંતાન પર વિશેષ ભાવ રહેવાનો જ. બાપુના વિશેષ ભાવની અધિકારિણી હું બનેલ. નાનપણથી જ ભાઈ - બહેનો મને “બાપુના ગળાનું હાડકું” કે “ચમચો” કહી ખીજવે. ઈર્ષા કરે. બાપુને ફરિયાદ કરું તો હસીને ટાળી નાખે. એ ઘણુંય નક્કી કરે પક્ષપાત નહીં કરવાનો પણ એમનાથી રહેવાય નહીં. જોકે આની પાછળ આજે મને એ કારણ દેખાય છે કે હું બાની સામું બોલતી પરિણામે મોટા ભાગે બા મારા પ્રત્યે ચિડાયેલ જ રહે. એટલે કદાચ બાપુ મારા પ્રત્યે વધારે ને વધારે ઢળતા ગયા. હું મામાને ઘરે કે ગમે ત્યાં જાઉં મારા માટે બાપુ બધાં છાપાં સાચવી રાખે, ખોટ ખાઈને પણ, બા ગુસ્સે થાય તોપણ. પાંચમા ધોરણમાં હતી ત્યારથી જ ૧૦-૧૨ ગાઉ દુર આવેલ શિહોર છાપાં લેવા મોકલે, જૈનોના મેળાવડામાં છાપા વેચતા, લહેકા કરતા શિખવાડે. આજે ૫૦ માણસ વચ્ચે પણ જે ખુમારી સાથે બોલી શકું છું એનાં બી બાપુએ વાવેલા. મારાથી બે જ વર્ષ મોટા ભાઈ ભણવામાં બહુ હોશિયાર. બાપુની એવી જીદ કે એ જેટલા ટકા છઠ્ઠા ધોરણમાં લાવે તેટલા જ બે વર્ષ પછી મારે લાવવાના. બે વર્ષ પછી એના સાચવી રાખેલ પરિણામ સાથે મારું પરિણામ સરખાવી બાપુ બાળકની માફક ખુશ થઈ જાય. આ બાળપણે બાપુના મોઢા પરથી આજે પણ વિદાય નથી લીધી. એમને છેતરવા એ ડાબા હાથનો ખેલ, કદાચ એટલે જ ઘરના પૈસાને લગતો વ્યવહાર બાએ સંભાળ્યો હશે.

બચપણમાં લશ્કરી શિસ્તમાં ઊછરેલ બાપુએ અમને બધાને છુટો દોર આપી રાખેલ. જેને જે કહેવું હોય કે કરવું હોય તેમાં બીજા સલાહ આપી શકે, નિર્ણય નહીં. એ શિરસ્તો આજે પણ બાઅદબ જળવાય છે ઘરમાં. બાપુ સાથે અમે ઉગ્ર ચર્ચાઓ કરી શકતાં. છાપાંના ધંધાને કારણે રાજકારણ અમારો પ્રિય વિષય. બાપુ ને હું સામસામા પક્ષનાં. આ જામતી દલીલોમાં ઉંમર, સંબંધ બધું જ ભુલીને લડતાં. અંતે હારીને બાપુ કહે : “તું મોટી થઈને વકીલ થાજે એક પણ કેસ હારીશ નહીં.”

દરેક પગલે પથ્થરની તોતિંગ દીવાલમાં માથું અફાળીને રસ્તો કાઢવાનો હોવાથી અમે બધાં નાનેથી જ જિંદગી સામે બાખડતાં શીખી ગયેલ. નાનેથી જ લડાયક મિજાજના એટલે કોઈનું કંઈ સાંખી લઈએ એ વાતમાં માલ નહીં. દવાખાનાવાળા, જેટલા દવાખાનામાં નોકરી કરે તેમના છોકરાને ભણવાના ચોપડા આપે ને નિશાળે લેવા-લઈ જવાની બસમાં સગવડ આપે. મારા ઘરમાં તો કોઈ નોકરી કરે નહીં પણ અમે બધાં ભાઈ-બહેન ભણવામાં એક્કા. દવાખાનાના હેડનો છોકરો પણ અમારી પાછળ પાછળ ફરે. આથી અમને પણ બસની અને ચોપડાંની સગવડ મળેલ. (એના વગર કદાચ ભણવું વધારે મુશ્કેલ બન્યું હોત.) આપણા સમાજમાં ઉંમરનાં ધોરણો નહીં પણ પૈસાનાં ધોરણોએ વ્યવહાર ચાલતો હોઈ બધા બાપુને “તું” કહીને બોલાવે અને અમારા લમણા ફાટી જાય. બાપુએ એક જમાનામાં મરઘાઉછેરનો ધંધો પણ કરેલો. એટલે સરખેસરખા છોકરાઓ અમને “કાસમ કૂકડી ભરી બંદુકડી…” પ્રાસમાં બેસાડીને ચીડવે ને અમે લોહીલુહાણ થઈ જઈએ એવા ઝઘડીએ. બાપુ ઘણું સમજાવે કે બોલનારનું મોં ગંધાય એ એની લાયકાત દેખાડે છે. પણ અમે એમ શાના ટાઢા પડીએ ? એક વાર દવાખાનાની સારા હોદ્દા પરની વ્યક્તિએ બાપુ વિશે કંઈક પૃચ્છા કરી. મોટો ભાઈ આમ પણ જરાક તપેલ મગજનો, મોઢે જ ઝાટકી આવ્યો કે, “તારે કામ હોય એ મને કહી દે હું કહી દઈશ મારા બાપુને.” પેલો કેમનો સાંખી લે અવળચંડાઈ? એણે બાપુને ફરિયાદ કરી. બાપુએ એકદમ ટાઢા કોઠે પરખાવ્યું કે “જો ભાઈ તમારી બધાની તેનાત હું સ્વીકારી લઉં છું પણ મારા છોકરા શા માટે સાંખે?” વળી મને એમના પર એટલો ભરોસો છે કે એણે જે કંઈ ક્યું હશે તે વિચાર્યા વગર તો નહીં જ કર્યું હોય. બાપુ અમારા પક્ષે ના ચડતા હોત તો? આ કારણે જ અમે ભાઈ-બહેન અભાવમાં ઊછર્યા છતાં લઘુતાગ્રંથિના ઓછાયાથી પણ દુર રહ્યાં. આખલાની જેમ શિંગડા વીઝીં દુનિયા સામે મોરચો માંડતાં જ શીખ્યાં. વરસના અંતે નિશાળમાં ગણવેશનું પાંચ-સાત થરુ થીંગડું પણ ઘસાઈ ગયું હોય તેને શિક્ષક ક્લાસની બહાર કાઢે. યુનિફોર્મ નહીં પહેરવા બદલ તો ઊંચા માથે ઊભા રહેતા. બાપુના લેંઘાની તો આઠ-દસ નકલ એમની સાઈકલ ખાઈ ચુકી હોય. આથી યુનિફોર્મની વાત તો એમને કહેવાય જ નહીં. અને આ બધાં છતાં આજે પણ જે વાતની મને અનહદ નવાઈ લાગે છે અને જેના કારણે બાપુ પરનું માન વધતું જ જાય છે તે એ જ કે આવા દિવસોમાં પણ અલાઉદ્દીનના ચિરાગની માફક દશેરાના દિવસે અમને મીઠાઈ ચખાડતા ને દિવાળીની રાતે આખો ખોબો ફટાકડા અમારા દરેકના ભાગે આવતા. રાતના ૧૦-૧૧ વાગ્યે એક જ તાકમાંથી સીવેલાં બધાંયનાં કપડાં પણ આવી જાય. પતંગ ટાણે બંને ભાઈને બાપુ જ દોરી પાઈ આપાતા અને ઉનાળે કેરી પણ ચાખેલ. કોઈ જ અભાવ બાપુએ અમને ઊંડો નહીં ઊતરવા દીધેલ. એમનાથી અજાણ્યો અભાવ અમને અડી જતો. પણ અંદર ઊતરવાનો અવકાશ બાપુ છોડતા નહીં.

કેટલાંય વર્ષો સુધી ઘરમાં લાઈટ નહીં. અમે બધાં ફાનસે વાંચીએ. શહેનશાહો એવા કે ફળિયામાં પોતપોતની ખાટલીએ વાંચવાની જીદ . મને આજે પણ બરાબર યાદ છે કે એ વર્ષોમાં ઘરના બજેટમાં સૌથી મોટો ખર્ચો ઘાસલેટનો હતો. બાપુએ તોય ક્યારેય અમને એવું મજાકમાં પણ નથી કહ્યું કે તમે સાથે બેસીને વાંચો.

બાપુ માટે ધીરજ, સહનશીલતા શબ્દો ઉપમા-રૂપકને ધોરણે ટુંકા પડે. “ધીરજનાં ફળ મીઠાં” એ જેનો તકિયાકલામ હતો એવા બાપુને મેં માત્ર બે વાર ધીરજ ખોતા જોયા છે.૧૯૭૨નું એ વર્ષ. મોટી બહેનને સણોસરાની લોકભારતી સંસ્થામાં ભણવા મુકેલ. એ જમાનામાં વર્ષે બે-અઢી હજારનો ખર્ચો આવે. એમાં પડ્યો કાળઝાળ દુકાળ. છાપાંની એજન્સીઓ ટપોટપ રદ થવા માંડી. પૈસા નહીં ભરી શકવાનો કારણે બાપુ ચારેગમથી ભીસાયા. હવે ઝીંક નહીં જ ઝિલાય એવી એમના હૈયે ધાક પેસી ગઈ અને એમણે હામ ખોઈ દીધી “તમે તમારૂં સંભાળી લેજો. હું હવે ઘર છોડીને જતો રહેવાનો છું બને તો મોટા થઈ જેના પૈસા લીધા છે તેને પાછા આપી દેજો. હું જતો રહીશ પછી તમારે ગળે તો કોઈ પડી નહીં શકે… !!” બાની હાલત શી થઈ હશે, એ આલેખવા પાનાં ટુંકાં પડે. અમે બધા ક્લ્પાંતીએ પણ બાપુએ જાણે કાનના ભોગળ જ ભીડી દીધેલ. દિવસ આખો ઘરમાં ચુલો ન ચેત્યો. છેક ઝડવઝડ દિવસ રહ્યો ત્યારે રોઈરોઈને નાનાને ઝોબો વળી ગયો ને એણે બાપુની જીદ મેલાવી. પણ આ વર્ષો બહુ કાઠાં ગયાં, પૈસો જીવવા માટે કેટલો જરૂરી છે એ અમે બધાં બરાબર સમજી ગયાં. આ વર્ષોમાં હીરા ઘસવામાં ભારે તેજી ચાલે. સારા સારા ઘરના છોકરાઓ ભણવાનું છોડી મહિને ૧૦૦૦ પાડવા માંડેલ. ઘરની હાલત જોઈ મોટો પણ લલચાયો. પણ બાપુ ફરી રાજાપાઠમાં આવી ગયેલ. વેચાઈ જઈશ પણ તમને ભણાવ્યે પાર કરીશ. ૧૯૭૬ના વર્ષે મોટો પણ કોલેજમાં દાખલ થયો. એક જોડી કપડાંએ એણે કોલેજનાં ત્રણ વર્ષ ખેંચેલ (એટલે જ આજે એને કપડાંનો ગાંડો શોખ છે) બે છોકરાંનાં ટિફિન ત્રણ ગાઉથી લઈ આવે બોર્ડિંગમાં એના બદલામાં એને એ ટિફિનમાંથી ભાત-શાક મળે. ઘરે તોય એણે હરફ નથી કાઢયો આ બાબતે કદીએ. મોટી બહેનને સરકારી નોકરી મળી પણ વર્ષ માટે પગાર માત્ર મહિને રૂ.૧૦૦. બાપુને એના આવવા-જવાના સામા વધારે આપવા પડતા. આમાં ૭૬ના ગાંડા વરસાદે ડગમગી ગયેલ ઘરને ઢાળી દીધું. પડતા પરના આ પાટાને અમે સામી છાતીએ ઝીલ્યું. મજુર, ઈંટ વગેરેતો સપનામાંય નો’તા આવતાં. ભાઈ પથ્થર ખોદે, અમે લાવીએ ને બા ગારા સાથે માંડતાં જાય. બે દિવસમાં અમે દીવાલને પાછી ઊભી કરી દીધેલ.

ટકી રહેવા ઝાંવાં નાખતા બાપુને બીજો ઘા “ગુજરાત સમાચારે” માર્યો. ૧૯૮૦માં મોટો ભાઈ કોલેજના છેલ્લા વર્ષમાં. નાનાને વડોદરા મેડિકલમાં એડમીશન મળ્યું તે એને ત્યાં મૂક્યો. હું ૧૨મા ધોરણમાં. બાપુએ કેટલાના માથે કરેલા તે તો છેક આટલા વર્ષે ચુક્વીએ છીએ ત્યારે ખબર પડે છે. પણ બાપુએ ત્યારે અમને ગંધ સરખી ન આવવા દીધેલ. આમાં ગુજરાત સમાચાર પૈસા નહીં મોકલાવાને કારણે બંધ પડ્યું. “સંદેશ વાળો ખેંચે બે-ત્રણ મહિના પણ “ગુજરાત”વાળો ભારે અધીરિયો. બાપુ આના-તેના કરીને રૂ.૮૦૦ ભેળા કરી અમદાવાદ ઊપડ્યા. ગુજરાત સમાચારવાળાએ પૈસા જમે કર્યા ને પછી ઘા માર્યો. “આજથી તમારી એજન્સી રદ થાય છે.” બાપુના ગુડા જ ગળી ગયા (કદાય એટલે જ આજે પણ કોઈ કારણ વગર મને “ગુજરાત સમાચાર” પ્રત્યે ભારોભાર કઢાપો છે. દીઠયે ડોળે પણ કોઈ કારણ વગર મને એ છાપું નથી ગમતું) ભાંગેલ ટાંટિયે બાપુ ઘરે આવ્યા. ઘરે આવ્યા ત્યાં એમને સાવ જ ભાંગી નાખવા હું તૈયાર બેઠેલી. હા, હું જ જેમના માટે એમની પ્રબળ ઝંખના કે તારે તો ડૉક્ટર બનવાનું જ છે, નાનો બનશે એટલે તારો છુટકો જ નથી. અને એ દિવસે હું ૧૨માં ધોરણની પરીક્ષા અધુરી છોડી ભાવનગરથી ઘરે નાસી આવેલ. પહેલી વાર ઘરની બહાર બાપુ મને મુકી આવેલ ભાવનગરની હોસ્ટેલમાં. જે હું ન જીરવી શકીને ભાગી આવી. બાપુ તો અવાચક જ થઈ ગયા. મારી આંખો પણ અનરાધાર નીતરે ને બાપુએ અવાચકતાને ખંખેરી મને પાસે લીધી. બરડે હાથ ફેરવીને કહે કે “કંઈ નહીં દીકરા, આપણે વર્ષ હાર્યા છીએ કંઈ જિંદગી થોડા હારી ગયા છીએ?” પણ એ વર્ષ બાપુને જાણે કે બરાબરનું તાવી રહ્યું હતું. મોટા ભાઈના માઈક્રો બી.એસ.સી.ના છેલ્લા વર્ષ પર ચાતક નજરે મીટ માંડીને બેઠેલ બાપુ રોજ એવું કહે કે, “હવે તો હું ઢબઢબીને કાંઠે આવી ગયો છું” પણ બાપુનું કપાળ એટલું કુણું નો’તું પરીક્ષાના પંદર દિવસ પહેલાં જ મોટાને ટાઈફોઈડ થયો ને પરીક્ષા ન અપાઈ. ઘરમાં મર્યા જેવું માતમ ફેલાયું. આમાંથી સૌ પહેલાં બહાર પણ બાપુ જ આવ્યા. “કંઈ નહીં ભાઈ તારે મુંઝાવું નહીં હું કેવો બેઠો છું? આપણે એવું માનીશું કે તું ચાર વર્ષનો કોર્સ ભણતો હતો.”

મોટી બહેન ખભાને ભાર વહેંચતી થઈ ગઈ તોય છેડા ભેગા થવાનું નામ નો’તા લેતા. બીજા વર્ષ મેં ૬૮ ટકા સાથે બારમું પાસ કર્યું ને મેડિક્લના દરવાજા દેવાઈ ગયા. બાપુ મારા કરતાં પણ વધારે દુ:ખી થઈ ગયા. પણ તરત જ ધાર્યું ધણીનું થાય કહી મારો સામાન બાંધવા મંડી પડ્યા. બાપુ કે જેને મેં કયારેય રોતા નહીં જોયેલ તે મને એના ગળાના હાડકાને કે જેણે ઘર ને નિશાળ સિવાયની દુનિયા જોયેલી જ નહીં તેને વડોદરા સુધી સામાન સાથે એકલી જતી જોઈ ધ્રુસકી ઊઠ્યા. “મારી પાસે બે ટિકિટના પૈસા હોત તો હું તને એકલી થોડી જવા દેત?” કહીને ઢગલો થઈ ગયા.

જિંદગી સામે બથોડા લેતા, પડતા, આખડતા બાપુએ અમને બધાને ભણાવ્યા. જિંદગીની ઝાળ અમારા સુધી બહુ ઓછી પહોંચવા દીધી. બાપુના ભોળપણનો લાભ દુનિયાએ જરૂર ઉઠાવ્યો હશે પણ કુદરતે એમને નથી છેતર્યા. આજે જ્યારે બાપુની આંખ ઠરે એવું અમે ભણ્યાં છીએ, પડ્યો બોલ ઝિલાય છે, ભાઈ જાણીતો ડોકટર છે ને ગામના તું કહેનારા પહેરણની ચાળથી ખુરશી સાફ કરી બાપુને બેસાડે છે ત્યારેય એમના મોં પરની મસ્તીમાં એક તસુનોય ફેરફાર નથી થયો. એના એ જ ઝભ્ભા - લેંઘા સાથે સાઈકલની સવારી નાનકડો ફરક એટલો જ કે થીંગડાં વગર જ તેઓ નવી સાઈક્લે બેસીને કહે છે, “આ બધી સમય સમયની ગત છે.” આજે પણ હું સૌથી લાડકી છું. વિશેષાધિકાર ભોગવું છું. આજેય બાપુ મને વડોદરા આવું ત્યારે બસસ્ટેન્ડે મુક્વા આવે છે. પાછી જાઉં છું ત્યારે માથે હાથ મુકીને જોઈ રહે છે સામે, જાણે કહેતા હોય “બહુ ભણી હવે ઘરે આવતી રહે.” પણ મને ખાતરી છે, એ ક્યારેય એમના મોંથી નહીં કહે, કારણ કે એ મારા બાપુ છે, જેણે મને નાનપણથી “તને ગમે તે જ કરવું”નો મંત્ર ભણાવેલ છે.

  • લખ્યાનું વર્ષ ૧૯૮૮

[સાભાર “થેંક યૂ પપ્પા”, સંપાદન: અમીષા શાહ - સંજય વૈધ, પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., અમદાવાદ]