પતિતપાવની શ્રીમા શારદાદેવી

| 3 Minute Read

માતાજી વિશે જેમ જેમ લોકો જાણતા ગયા તેમ તેમ તેમનાં દર્શને લોકો દુર દુરથી આવવા લાગ્યા. શ્રીમા પાસે ભલાં અને બૂરા સંતાનો પણ આવતાં. શિષ્યોનાં પાપ માથે લઈ શ્રીમા પીડા સહન કરતાં. પાપીઓ તરફ તેમની અપૂર્વ કૃપાદ્રષ્ટિ રહેતી. શ્રીમાએ પોતાના માતૃત્વના આંચલમાં સમગ્ર વિશ્વને સમાવી લીધું હતું !

એક ઉચ્ચકુળની સ્ત્રી દુર્ભાગ્યે અનેક દૂષ્કર્મો કરી બેઠી હતી. પણ પછી સારા નસીબે પોતાની ભૂલ સમજી ગઈ ને એક દિવસ માતાજી પાસે આવી. પોતાનાં પાપોથી ભય પામી માતાજીના દરવાજાની બહાર ઊભી ઊભી બોલી, “મા મારી શી ગતિ થશે? આ પવિત્ર મંદિરમાં પ્રવેશ કરી તમારી પાસે આવવાની મારી યોગ્યતા પણ નથી.”

માતાજી આગળ આવ્યાં ને પોતાના પવિત્ર હાથ તેને ગળે વળગાડી હેતપૂર્વક બોલ્યાં, “આવ દીકરી, અંદર ઓરડામાં આવ. પાપ કોને કહેવાય તે તું હવે બરાબર સમજી છે ને તને પશ્ચાત્તાપ થાય છે. આવ, તને મંત્રદીક્ષા આપું છું. શ્રીઠાકુરને ચરણે બધું અર્પણ કરી દે, ભય શેનો?”

પતિતોનો ઉદ્ધાર કરનાર માતાજીએ પોતે એક દિવસ આવી કૃપાની વાત સમજાવતાં કહ્યું હતું, “તો શું ઠાકુર ફક્ત રસગુલ્લાં ખાવા જ આવ્યા હતા?” એકવાર કોઈ એક ભક્તના આચરણથી શ્રીરામકૃષ્ણના એક શિષ્ય એટલા ચિડાઈ ગયા કે માતાજીને તેમણે કહેવડાવ્યું કે એને પાસે ન આવવા દે. તેના જવાબમાં માતાજીએ કહ્યું કે મારો દીકરો ધૂળમાં રમે તો મારે એને સાફસૂફ કરીને ખોળામાં લેવો જ પડે ને!

ઘણા ભક્તો માનાં ચરણ સ્પર્શ કરવા આવતા. પછી યોગીન માએ જોયું કે શ્રીમા પોતાના પગ ગંગાના પાણીથી વારંવાર ધોતાં હતાં. યોગીન માએ પૂછ્યું, “મા આ શું કરો છો? શરદી થઈ જશે.” માએ કહ્યું, “શું કરું યોગીન કેટલાક આવીને પ્રણામ કરે તો શરીર શીતળ થઈ જાય અને કેટલાક સ્પર્શ કરે તો પગ પર જાણે કોઈએ દેવતા નાખ્યા છે.”

એટલે જ સ્વામી પ્રેમાનંદજી મહારાજે એક પત્રમાં કહ્યું છે : જે વિષ આપણે પોતે હજમ કરી શકતા નથી તે બધું માને ચરણે ધરીએ છીએ, મા બધાને પોતાના ખોળામાં લઈ લે છે. અનંત શક્તિ! અપાર કરુણા! જય મા !… સ્વયં ઠાકુરને પણ આમ કરતા જોયા નથી. કેટલી સાવચેતી રાખીને અને તીવ્ર કસોટી કર્યા પછી તેઓ શિષ્યોને સ્વીકારે છે અને બધું પચાવી શકે છે. જય મા !

ઘરગથ્થુ કામકાજમાં ને સાધારણ લોકો સાથે વાતચીતમાં માતાજીનું દિવ્ય અસલ સ્વરૂપ ક્યારેક અચાનક પ્રકાશમાં આવતુ. જયરામવાટીમાં એક દિવસ રસોયણ રાતના નવ વાગ્યે એમની પાસે આવીને બોલી કે એક કૂતરાને અડકી છે. આભડછેટના નિયમો પ્રમાણે એણે તો એ શિયાળાની રાતે પણ નાહવું પડશે. માતાજીએ કહ્યું કે આટલી મોડી રાતે એને નાહવાની જરૂર નથી. હાથપગ ધોઈ લઈને લૂગડું બદલી લેશે તો ચાલશે. પણ એટલાથી કેમ વળે? એણે પૂછ્યું ત્યારે માતાજીએ સૂચના કરી કે તો ગંગાજળનો સ્પર્શ કરી લે. તે જવાબથી પણ એને સંતોષ ન થયો ત્યારે પવિત્રતાની મૂર્તિ સમાં માતાજીએ કહ્યું: તો મને અડકી લે. આ સાંભળી રસોયણની આંખો ખૂલી ગઈને એનું મરજાદીપણું દુર થઈ ગયું. શ્રીમા દરરોજ વાસણ માંજતાં, ઝાડુ કાઢતાં, રસોઈ કરતાં કપડાં ધોતાં અને અતિથિઓનો સત્કાર કરતાં. ગામડાની શાંત નિરક્ષર આવી નારીને જોઈને કોઈ એનામાં રહેલ વિભુતિમત્તાને જોઈ શકે તેમ ન હતા.