પિતાનો દીકરી વારસો

એલ્લા મેક્સવેલ

| 2 Minute Read

મારા પિતા અજોડ હતા.

હું તેમની એકની એક દીકરી હતી.

૧૯૦૭માં તેમણે મને બોલાવી અને કહ્યું : “બેટા, હું તો હવે જાઉ છું, પણ તારા માટે કશું મૂકી જતો નથી. તારા ગુજારાની વ્યવસ્થા તારે જ કરવી પડશે. એ તું શી રીતે કરી શકીશ ? દેખાવમાં તું આકર્ષક નથી. તેમ આપણું ઘર કે કુટુંબ પણ કાંઈ પ્રખ્યાત નથી. તારી પાસે પૈસા પણ નથી. પણ વારસામાં હું તને કંઈક આપી જાઉં છું — ત્રણ સારા નિયમો.

તું આ નિયમોનું પાલન કરીશ તો દુનિયા તારા પગ પૂજશે.

પહેલો નિયમ છે : લોકોથી કદી ડરવું નહિ.
મોટેભાગે માણસ લોકોથી ડરે છે એટલો બીજી કોઈ ચીજોથી ડરતો નથી. તેને હંમેશા એવો ડર રહે છે કે “લોકો શું કહેશે”. “લોકો શું કરશે”. “લોકોને આ નહિ ગમે”.

બીજો નિયમ એથીય મહત્ત્વનો છે : કદી નિર્જીવ ચીજોનો સંગ્રહ ન કરીશ.
તું એમ માનતી હોઈશ કે તેં તેનો સંગ્રહ કર્યો છે, પણ વાસ્તવમાં તે તારો સંગ્રહ કરે છે.

ત્રીજો નિયમ એ છે કે હંમેશા બધા કરતાં પહેલાં પોતાની જાત પર પોતે જ હસી લેવું.
દરેક માણસની કોઈને કોઈ બાજુ હાસ્યાસ્પદ હોય છે. દરેક માણસ કોઈ બીજા માણસ પર હસવાનું પસંદ કરે છે. પણ જો તું સૌ પહેલાં તારા પર જ હસીશ તો બીજાઓનું હાસ્ય નકામું જશે. અને તેને લાગશે કે તેં સોનાનું કવચ પહેર્યું છે.”

પિતાજીના આ ત્રણે નિયમોનું મેં હંમેશા પાલન કર્યું છે અને બહુ સુખી જીવન વિતાવ્યું છે.

[“પ્રેરક પ્રસંગો” — રમેશ સંધવી ૦ રમણીક સોમેશ્વર સંપાદિત “શાંત તોમાર છંદ” માંથી સાભાર]

ચિંતન, પ્રાર્થના, ભજન, ધૂન અને પ્રેરક સામગ્રીનો મુલ્યવાન સંગ્રહ. આ પુસ્તકની આવકમાંથી બયતી રકમ માનવ સેવાના ઉમદા હેતુ માટે વાપરવામાં આવે છે.

[પ્રકાશક : વનરાજ પટેલ, મિડિયા પબ્લીકેશન, ૧૦૩-૦૪ મંગલમૂર્તિ, કાળવા ચોક, જુનાગઢ]