પ્રાચીન તીર્થ — ધ્રબુડી

નીપા ઠક્કર

| 3 Minute Read

કચ્છને ભલે અનેક દુર્ભાંગ્યનો ભેટો થયો હોય પણ ત્યાંની જનતાનું અહોભાગ્ય ગણી શકાય તેવો દરિયાકિનારો કચ્છને સાંપડ્યો છે. એમાંય માંડવીનું સદ્ભાગ્ય છે કે એની તો ત્રણે દિશાએ દરિયાલાલ હિલ્લોળે છે.

માંડવીની એક બાજુ વિન્ડફાર્મ, બીજી બાજુ કાશીવિશ્વનાથ અને ત્રીજી બાજુ આશારનો દરિયો લહેરાય છે. આ કલ્પના માત્ર કેટલી આહ્લાદક લાગે છે ! પણ કલ્પના માંડવીને વાસ્તવિક સ્વરૂપે મળીછે.

વિન્ડફાર્મનો દરિયો ગામની વધુ નજીક છે. તેથી રવિવાર અને એ સિવાયના દિવસોએ પણ સહેલાણીઓની અવરજવર પુષ્કળ પ્રમાણમાં વધી હોવાને કારણે એ થોડો ડહોળાયો છે.

પણ આપણે વાત કરવી છે માંડવીથી ૧૧-૧૨ કિ.મી.ના અંતરે આવેલા દરિયાની અને એના કિનારે વસેલા સ્થળની જ્યાં દરિયો હોય ત્યાં પૌરાણિક અને પ્રાચીન તીર્થધામો પણ હોવાનાં અને આવાં તીર્થધામો સાથો જોડાયેલી કોઈ ને કોઈ કિંવદંતીઓ પણ હોવાની જ.

માંડવી તાલુકાના ગુંદિયાળી ગામની દક્ષિણ દિશાએ ત્રણેક કિ.મી.ના અંતરે દરિયાકિનારે આવું જ એક તીર્થસ્થળ ધ્રબુડી આવેલું છે.

ત્રેતાયુગમાં ઋષિઓ તપશ્ચર્યા માટે કોઈ પવિત્ર ભૂમિની શોધમાં હતા એ વખતે ભૃગુઋષિએ પોતાના તપોબળથી આ ભૂમિની શોધ કર્યા પછી અઠયાસી હજાર ઋષિઓએ અહીં તપસ્યા આદરેલી. ઋષિઓએ વ્રત લીધેલું કે સોમવતી અમાસ અને બુદ્ધાષ્ટમી જેવા પવિત્ર દિવસો જે માસમાં એકસાથે આવે એ સમયે તપની પૂર્ણાહુતિ કરવી. પરંતુ અનેક વર્ષો પસાર થવા છતાં આ બન્ને દિવસો એક સાથે ન આવ્યા.

ઋષિઓની ઉગ્ર અને કઠોર તપસ્યા ઘણાં વર્ષો સુધી ચાલવાને કારણે એમનાં શરીર પર માટીનાં થર વળી ગયા અને એના પર પરધ્રબ (પવિત્ર ઘાસ) ઊગી નીકળી ત્યારથી આ સ્થળ ભૃગુ તીર્થ ધ્રબુડી ના નામે ઓળખાય છે. જેનો ઉલ્લેખ વશિષ્ઠ પુરાણના અધ્યાય ૩૧માં પણ મળે છે.

લંકાપતિ રાવણ સાથે યુદ્ધમાં થયેલા જીવોના સંહારના પ્રાયશ્ચિત્તરૂપે ભગવાન શ્રીરામ ભારતના મહાન તીર્થધામોની યાત્રા કરતાં કરતાં કચ્છમાં માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર વગેરે સ્થળોએ આવેલા. ત્યારે એમણે જાણ્યું કે અહીંના કોઈ પવિત્ર સ્થળે અઠયાસી હજાર ઋષિઓ કઠોર તપસ્યા કરી રહ્યા છે. એમનાં દર્શન માટે પધારેલા શ્રીરામે ઋષિઓની તપસ્યાની પૂર્ણાહુતિ કરાવેલી અને એમની ઈચ્છાને સાદર સ્વીકારી હજારો વર્ષોના તપથી પવિત્ર થયેલી એ તપો ભૂમિમાં નિવાસ પણ કરેલો એવું કહેવાય છે.

આમ, આ તીર્થસ્થાન શ્રી રામના ચરણસ્પર્શથી ધન્ય બન્યું હોઈ તેમજ દરિયાકિનારે આવેલા આ સ્થળે પધારીને શ્રી રામે તપસ્વીઓની સાધના પૂર્ણ કરાવીને ઋષિઓની ઈચ્છાથી ત્યાં ત્ર્યંબકેશ્વર મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા પણ કરેલી હોઈ આ સ્થળનું પિતૃતર્પણ માટે પણ વિશેષ મહત્ત્વ છે.

વેરાન જંગલમાં, દરિયા કિનારે આવેલા આ સ્થળે જંગલી પશુઓના ડરને કારણે તેમજ સામાન્ય માનવી માટે આ માર્ગ અતિ કઠિન હોવાને કારણે માત્ર તપસ્વી સાધકો જ ત્યાં જઈ શક્તા પરંતુ છેલ્લાં કેટલાં વર્ષોથી આવવા-જવાની અને રહેવા-જમવાની વિશેષ સવલતોને કારણે ભાવિકોની ભીડ વધવા લાગી છે. આમ, ભક્તોની શ્રદ્ધાએ આ સ્થળને વધુ શ્રદ્ધાન્વિત બનાવ્યું છે.

વર્ષ દરમિયાન અહિં બે મોટા મેળા ભરાય છે - શ્રાવણી અમાસનો મેળો અને ઋષિપાંચમનો મેળો. આ બે દિવસો ઉપરાંત યજ્ઞ, યજ્ઞોપવિત, ભાગવત સપ્તાહ, પુરૂષોત્તમ માસ, પિતૃતર્પણનો કારતક અને ચૈત્ર માસ જેવા દિવસોએ પણ શ્રદ્ધાળુ લોકોની અવરજવર ખૂબ રહે છે.

[“બાળવિશ્વ” ડિસેમ્બર-૧૨ માંથી સાભાર, લેખક: નીપા ઠક્કર, બાળવિશ્વ વિધાલય, ગાંધીનગર]