પ્રાર્થના

ડૉ. હરીશ પારેખ

| 7 Minute Read

આપ મને કહેશો કે પ્રાર્થના કેવી હોવી જોઈએ?

પ્રાર્થના એ કોઈ યાચના નથી. એ તો આભારની લાગણી વ્યક્ત કરવાની, કૃતજ્ઞતા રજૂ કરવાની રીત છે. જો તમે લાભ માટે પ્રાર્થના કરતા હશો તો તે પ્રાર્થના, પ્રાર્થના નહિં રહે. જેમ કોઈ હોડીમાં એક નાનું સરખું કાણું પણ મુશ્કેલી સર્જે તેમ પ્રાર્થનામાં નાનો અમથો સ્વાર્થ પણ એવી જ બાબત સાબિત થાય છે. પ્રાર્થના સ્વાર્થ માટે નહિં, પણ વિશ્વના કલ્યાણ માટે જોવી જોઈએ. આ વાત સાંભળો…

ગુરૂ નાનક પોતાના શિષ્યો સાથે એક ધર્મશાળામાં રાત રોકાયા હતા. કોઈ ગામવાળા ભોજનનું કહેવા આવ્યા નહિં. છતાં બીજા દિવસે વિદાય થઈ ત્યારે તેમણે પ્રાર્થના કરી કે આ ગામની વસતી સ્થિરતા પામે.

ફરી ચાલતાં ચાલતાં બીજા ગામમાં ગયાં. ત્યા ઘણાં સંસ્કારી લોકો હતા. તેમણે આગતા સ્વાગતા કરી ને સરસ ભોજન જમાડ્યાં. બીજા દિવસે વિદાય ટાણે નાનકજીએ પ્રાર્થના કરી કે આ ગામના લોકો વિસ્થાપિતો અને નિરાશ્રિત થઈને જુદી જુદી જગ્યાએ ફેલાઈ જાઓ.

આવા આર્શવાદથી શિષ્યોને નવાઈ લાગી. રહસ્ય પૂછયું, “આવું કેમ ?”

તો નાનકજીએ જવાબ આપ્યો , “પેલા લોકો અસંસ્કારી હતા તેથી તેઓ ફેલાઈ નહિં એ હેતુથી આર્શીવાદ આપ્યા. ફેલાય તો અસંસ્કારો પણ ફેલાય ને આ લોકો સંસ્કારી છે. તેઓ જુદી જુદી જગ્યાએ ફેલાશે તો સંસ્કારો ફેલાશે.”

ક્ષમા અને પ્રાર્થના ના સંબંધ વિષે મને કશું કહેશો ?

પ્રાર્થના એ કોઈ એક સ્થિતિ નથી. એ તો હરદમ ભાવનામાં રહેવાનો અનુભવ છે. પ્રાર્થના એક ભાવ છે. એ ભાવમાં અનેક સત્વો સમાયેલાં છે. એ સત્વોમાંનું એક સત્વ એટલે ક્ષમા. કોઈને ક્ષમા આપવી એ પણ એક પ્રકારની પ્રાર્થના છે. ક્ષમા ત્યારે આવે છે જ્યારે કોઈ પ્રાર્થનામય બની જાય છે. પ્રાર્થના એ છે જે ક્ષમામય હોય. આ વાત સાંભળો…

હુસેન એક મોટો વેપારી હતો.

એકવાર એક ગુલામથી ગરમ દાળનો વાડકો હુસેનના કપડાં પર પડ્યો. હુસેન ક્રોધિત થયો.

ગુલામ સંસ્કારી હતો. એણે ઘૂંટણિયે પડી કુરાનની આયાતો બોલવા માંડી, “સ્વર્ગ તો એમને જ મળે છે જે કદી ક્રોધ કરતા નથી.”

હુસેન બોલ્યો, “હું ક્યાં ક્રોધ કરું છું ?”

ગુલામે ફરી આયાતો દ્વારા કહ્યું, “અને જે બીજાને ક્ષમા આપે છે તે સ્વર્ગનો સાચો અધિકારી છે.”

હુસેને કહ્યું, “જા, હું તને માફ કરું છું.

ગુલામે ફરી પ્રાર્થના કરી, “જે દયાળુ છે તે અલ્લાહને ખૂબ જ પ્રિય છે.”

હુસેને કુરાનની બધી આયાતો વાંચી હતી, પણ આજે તેને વધારે સ્પર્શી ગઈ. તેણે ગુલામને મુક્ત કર્યો અને ચારસો અશરફીનું ઈનામ આપી વિદાય કર્યો. ત્યારથી હુસેન ફકીર બની ગયો.

કેવી પ્રાર્થના સૌથી સારી છે ?

મને તો લાગે છે કે બધી જ પ્રાર્થના સારી છે, પણ ઉત્તમ પ્રાર્થના એ છે કે આપણી નિષ્ઠા ટકી રહે. જો નિષ્ઠા ટકી રહેશે તો આપણે ટકી રહીશું, કારણ કે અહિં ટકવા માટે આત્મનિષ્ઠા ઘણી જ જરૂરી છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણી સાધના અને આપણી નિષ્ઠા જળવાઈ રહે.

ઈમામ ગઝાલી દરરોજ રાત્રે મોડા સુધી અધ્યયન કરતા. વાચન-મનન-ચિંતન એ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. ક્યારેક ધર્મગ્રંથોનું અધ્યયન કરતાં સવાર પડી જતી.

આ જોઈ જ્ઞાનના ફરિશ્તા ખુશ થયા. તેઓએ એમના પર પ્રસન્ન થઈ વરદાન આપતા કહ્યું કે, “ગઝાલી, તમારી સાધનાથી હું પ્રસન્ન થયો છું. તમને હું વરદાન આપું છું કે તમારા જ્ઞાનના બધા દરવાજા ખૂલી જશે.”

આવું સાંભળી ગઝાલીએ કહ્યું, “આપની મહેરબાનીથી મને ખુશી થાય છે, પણ મને આવા વરદાન કરતાં એવું વરદાન આપો કે આ દિવામાં કદી તેલ જ ના ખૂટે અને હું નિરંતર જ્ઞાનની સાધના કરતો રહું.”

જ્ઞાનના ફરિશ્તા આ સાંભળી એની જ્ઞાનનિષ્ઠા અને આત્મનિષ્ઠા પર ફિદા થઈ ગયા.

પ્રાર્થના શા માટે ?

પ્રાર્થના શા માટે કરવી જોઈએ ? આ પ્રશ્ન સદીઓથી પૂછાતો આવ્યો છે. એના જવાબો પણ જુદા જુદા હોય છે, બધા પોતાની રીતે પ્રાર્થના કરતા હોય છે, પણ હું મારો દષ્ટિકોણ રજૂ કરું તો પ્રાર્થના જે વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે, એના આભાર માટે કરવી જોઈએ.

આપણને ભગવાને-ખુદાએ શરીરની ભેટ ધરી, સાથે આંખો, હૃદય, બુધ્ધિ, હાથ જેવાં અમૂલ્ય અંગો આપ્યાં, આ વસ્તુઓ આભાર માટે પર્યાપ્ત છે, કારણ મનુષ્યજન્મ જ સૌથી મોટું વરદાન છે, એનો આભાર તો માનવો જ જોઈએ. આ ઉદાહરણમાં જે કહેવાયું છે તેને ધ્યાનથી સમજશો તો મારે બીજું કશું કહેવાની જરૂરનહિં રહે…

મેક્સિકોના એક પ્રદેશમાં ઠંડા અને ગરમ પાણીના ઝરા પાસે પાસે આવેલા છે. ત્યાંની સ્ત્રીઓ પોતાનાં કપડાં પહેલાં ઊકળતા પાણીના ઝરામાં બોળે છે અને પછી બાજુના ઠંડા પાણીનાં ઝરામાં તારવીને નિચોવે છે.

આ જોઈ એક પ્રવાસીએ પૂછ્યુ, “આવી સગવડ મળવાથી અહીંના લોકો ઈશ્વરનો આભાર માનતા હશે.”

તો ત્યાંના એક રહેવાસીએ કહ્યું, “આભાર ? શા માટે ? અરે, અહીંના લોકો તો અફસોસ કરે છે કે ઝરામાં ગરમ પાણી છે, પણ તે સાબુવાળું કે સોડાવાળું નથી.”

પ્રાર્થના કયા સમયે કરવી જોઈએ ?

પ્રાર્થના એ સમયની વસ્તુ નથી. પ્રાર્થના એ સમયની ગુલામ નથી. પ્રાર્થના કરવાની હોતી જ નથી. પ્રાર્થનાની અવસ્થામાં જીવવાનું હોય છે. જો તમે પ્રેમથી જીવતા હોવ, તમારા હદયમાં કરુણા હોય, તમે સંવાદિતા જાળવવા માટે જ કટિબધ્ધ હો ને દરેક માનવ અને પ્રાણીમાત્ર પ્રત્યે સહાનુભૂતિ હોય તો તમે પ્રાર્થનાની અવસ્થામાં જ છો અને તમે જો પ્રાર્થનાને રોજની પ્રક્રિયા ગણતા હોય તો પણ તમે સાચા છો, કારણ પ્રાર્થના હર હાલમાં સારી બાબત છે. તમે સફળ થાઓ કે નિષ્ફળ થાઓ, પ્રાર્થના બંન્ને સ્થિતીમાં જરૂરી છે. આ વાત સમજો…

ગાંધીજી એક વાર એક બહેન સાથે ચર્ચા કરી રહ્યાં હતા. વાતવાતમાં બહેને કહ્યું કે એ પ્રાર્થના કરતી હતી, હવે છોડી દીધી છે.

ગાંધીજીએ પૂછ્યું, “કેમ ?”

તો બહેને જવાબ આપ્યો, “કારણ કે હું મારા અંતરને છેતરતી હતી. મારું અંતર પ્રાર્થનામાં જોડાતું નહોતું.”

ગાંધીજી કહે, “પણ છેતરવાનું છોડી દો, પ્રાર્થના કરવાનું શા માટે છોડો છો ? પ્રાર્થના જાળવી રાખો. એક દિવસ આ છેતરામણીનો ભાવ જતો રહેશે અને તમારું અંતર જોડાઈ જશે.”

[“પ્રાર્થના” — ડૉ. હરીશ પારેખ માંથી સાભાર]

દષ્ટાંત સાથે પ્રાર્થના અંગે સમજણ આપતી નાની પુસ્તીકા.

[પ્રકાશક : WBG પ્રકાશન, બાપુનગર, અમદાવાદ]