પ્રાર્થનામાં ક્રોધ ન કરાય !

સંત પુનિત

| 2 Minute Read

અમેરિકાના પ્રમુખ ગ્રાન્ટ એક ધર્મપરાયણ વ્યક્તિ પણ હતા. પ્રાર્થનામાં તેમને અખુટ આસ્થા હતી.

દર રવિવારે નિયમિત રીતે તેઓ પોતાના ઘરનાં બધાં જ સભ્યોને પોતાની પાસે બેસાડીને સાથે પ્રાર્થના કરવાનું કદી ચુક્તા નહિ. પોતાના આ ક્રમનો તેમણે કદી ભંગ થવા દીધો નહોતો.

એક રવિવારે સવારના પહોરમાં પોતાના કુટુંબના સભ્યો સાથે પ્રાર્થના કરતાં તેઓ એક ખંડમાં બેઠા હતા. આ સમયે તેમના પ્રધાનમંડળના ત્રણ-ચાર પ્રધાનો પણ તેમાં સામેલ હતા.

પ્રાર્થના શરૂ થઈ અને થોડી ચાલી, એવામાં ગ્રાન્ટના ત્રણ-ચાર વર્ષના એક અબુધ નિર્દોષ બાળકે વાતો કરવાનું શરૂ કર્યું. એના બોલવાથી પ્રાર્થનામાં વિક્ષેપ પડવા લાગ્યો આવો વિક્ષેપ પ્રાર્થનાપરાયણ ગ્રાન્ટ કેવી રીતે સહન કરી શકે ?

તેમણે ગુસ્સાથી બાળકના ગાલ પર એક તમાચો ચોડી દીધો.

ગ્રાન્ટનો આવો ગુસ્સો તેમની માતાથી જોઈ શકાયો નહિ. માએ ગ્રાન્ટને એક તસતસતો તમાચો ચોડી કાઢ્યો !

પ્રધાનોની હાજરીમાં માએ પોતાને તમાચો માર્યો એ વાત ગ્રાન્ટને ખુબ અપમાનજનક લાગી. પણ માની આમન્યા રાખવામાં તેઓ માનતા હોવાથી કશું બોલ્યા નહિ.

પણ એક પ્રધાનથી બોલ્યા વગર રહેવાયું નહિં. તેણે ગ્રાન્ટની માતાને કહ્યું : “માજી, તમારા પુત્ર ગ્રાન્ટને આમ બધાની વચ્ચે તમાચો મરાય ખરો? આમાં તેમને કેટલું નીચું જોવાનું થાય?”

માએ તે પ્રધાન તરફ થોડીવાર લગી ચૂપચાપ જોયા કર્યું. ત્યાર પછી માએ બોલવા માંડ્યું : “તમારા બધાની ઉપસ્થિતિમાં અને ચાલુ પ્રાર્થનાએ મારાથી ગ્રાન્ટને તમાચો મારી શકાય નહી એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે, ચાલુ પ્રાર્થનાએ ગ્રાન્ટથી ગુસ્સે પણ થઈ શકાય નહિ. ક્રોધના ઉપશમન માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. પાર્થના ટાણે જો માણસ ક્રોધ કરે તો પછી પ્રાર્થના કરવાનો કશો અર્થ જ ન રહે.”

ગ્રાન્ટને પોતાની હિમાલય જેવડી મોટી ભુલ હવે સમજાઈ ગઈ.

[સાભાર : જનકલ્યાણ જૂન, ૨૦૧૩. લેખક: સંત પુનિત]