પ્રાર્થનાથી પીડામાંથી મુક્તિ મળે ખરી ?

રાજુ અંધારિયા

| 2 Minute Read

જવાબ છે : હા.

૧૯૮૮માં કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રાડોલ્ફ બાયર્ડે પ્રગટ કરેલા એક ભરોસાપાત્ર અભ્યાસનો આ અહેવાલ વાંચો :

અમેરિકાના સાનફ્રાન્સિસ્કો જનરલ હોસ્પિટલના હદયરોગ વિભાગના ૩૯૩ દરદીની માહિતી એક કમ્પ્યુટરમાં સંગ્રહવામાં આવી. એમાં એવાં બે ભાગ પાડવામાં આવ્યા હતા કે એક વિભાગના દરદીઓને પ્રાર્થના કરનારા જૂથ યાદ કરે અને બીજા વિભાગના દરદીઓને યાદ ન કરે.

ક્યા વિભાગમાં કોણ દરદી હશે એની માહિતી ટોચના બે-ચાર લોકો સિવાય કોઈને નહોતી. પ્રાર્થના કરનારા જૂથના લોકોને દરદીનું ફક્ત પ્રથમ નામ (અટક કે પિતાના નામ સિવાય) અને એને કયા પ્રકારની ચિક્ત્સાકીય મુશ્કેલી છે એનું ટૂંકું વર્ણન આપવામાં આવ્યું.

જે તે દરદીને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં ન આવે ત્યાં સુધી પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું, જો કે પ્રાર્થના કેવી રીતે કરવી, એમાં ક્યા શબ્દનો ઊપયોગ કરવો એવી કશી જ સૂચના આપવામાં આવી નહોતી.

દસ મહિના બાદ આ અભ્યાસ પૂરો થયો ત્યારે જે વિભાગના દરદીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી એમણે ઘણી મહત્વપૂર્ણ બાબતોમાં ફાયદો થયો. જેમ કે :

  • પ્રાર્થનામાં યાદ કરવામાં આવતા નહોતા એવા દરદીઓની સરખામણીએ પ્રાર્થનામાં યાદ કરવામાં આવતા હતા એ દરદીઓને પાંચગણી ઓછી દવાની જરૂર પડી.
  • આવા દરદીઓને હદયરોગના હુમલા વખતે થતી પીડા એકવીસ ગણી ઓછી થઈ.
  • હદયની અન્ય પીડા ઘણા પ્રમાણમાં ઓછી થઈ.

અભ્યાસનાં આ તારણો પછી મેડિકલ ટ્રિટમેન્ટના કટ્ટર સમર્થક અને પ્રાર્થનાની સારવાર સામે શંકા ઊઠાવતાં ડૉ. વિલિયમ નોલેગે પણ પ્રાર્થનાની અસરના આ અભ્યાસની કદર કરતાં લખ્યું, “જો આ અભ્યાસ માન્ય હોય તો આપણે ડૉક્ટરોએ આપણા પ્રિસ્ક્રિપ્શનમાં દિવસમાં ત્રણ વાર પ્રાર્થના એમ લખવું જોઈએ ! જો પ્રાર્થના અસર કરે છે તો એ અસર કરે જ છે.”

[રાજુ અંધારિયા લિખિત “જસ્ટ એક મિનટ” માંથી સાભાર, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર]