પ્રથમ પાઠશાળા માતાપિતાની

અરૂણ યાર્દી

| 8 Minute Read

શિક્ષણવ્યવસ્થા કે શિક્ષણપદ્ધતિની વાતો થાય છે ત્યારે અનિવાર્યપણે તે શાળા - કોલેજના સંદર્ભમાં જ થાય છે. જે ઘરમાં - જે માતાપિતાને ત્યાં બાળક જન્મ લે છે તે ‘ઘર’ સમગ્ર શિક્ષણવ્યવસ્થાનુ એક મહત્ત્વનું અંગ છે તે વાતનું વિસ્મરણ થઈ જાય છે. વાસ્તવમાં બાળક જ્યાં વારંવાર પડીને ઊભા થતાં શીખે છે, ચાલતાં શીખે છે, બોલતાં શીખે છે, પ્રતિભાવો આપતાં શીખે છે, જગતનું અવલોકન કરતાં શીખે છે તે ઘર છે. તેથી ઘર એ તો સૌથી પહેલી અને મહત્ત્વની પાઠશાળા છે. પરંતુ શિક્ષણને શાળા-કોલેજોમાં જ કેદ કરી દેવાયું હોવાથી આપણને હંમેશાં કંઈક ખૂટતું હોય તેમ લાગે છે. માતાપિતા પાસેથી ગળથૂથીમાં મળેલા શિક્ષણના પાઠ કદી ભુલાતા નથી. માતાપિતાએ જાણે-અજાણે શીખવેલી બાબતોની બાળકના મન પર ચિરંજીવ છાપ રહે છે. તેથી જ આપણાં શાસ્ત્રોમાં એક માતાની સરખામણી સો શિક્ષકોસાથે કરી છે.

જન્મના શરૂઆતના વર્ષોનો ગાળો અત્યંત નાજુક હોય છે. તે ગાળામા બાળકની ગ્રહણશક્તિ તીવ્ર હોય છે. આ ગાળામા બાળક ખુલ્લી આંખે, ખુલ્લા કાને અને પોતાની આસપાસની સૃષ્ટિને કુતૂહલથી જોતું હોય છે. આ ગાળામાં તેના ચિત્ત પર પડેલા સંસ્કારો હંમેશ માટે અંકિત થઈ જતા હોય છે. હાલના શિક્ષણચિંતનમા આ ગાળો કદાચ સૌથી વધુ ઉપેક્ષિત છે.

આપણે સૌ આપણી આસપાસનાં નાનાં ભૂલકાઓનુ અવલોકન કરતા હોઈએ છીએ. આપણને સૌને પરિચિત એવાં બે પ્રકારના ભૂલકાઓનાં ઉદાહરણો જોઈએ.

૧. આપણે ત્યાં મહેમાન કે મુલાકાતી બનીને કોઈ દંપતી તેમના સંતાન સાથે આવે છે. એ બાળક આપણા ઘરમાં દોડાદોડ કરે છે, પ્રત્યેક વસ્તુને હાથ લગાડે છે, આપણા સોફા પર કૂદકા મારે છે, ટી.વી.નો રિમોટ હાથમાં લઈ લે છે છતાં મા-બાપના પેટનું પાણી પણ હલતું નથી. કદાચ વચ્ચે વચ્યે આટલું જબોલી લે છે “જો બેટા આમ નહિં કરવાનું! અંક્લ ગુસ્સે થશે.” પણ તેમના શબ્દોની બાળક પર કોઈ અસર થતી નથી.

૨. જ્યારે કેટલાંક બાળકો નાનપણથી જ સૌજન્યપૂર્ણ વ્યવહાર કરતાં શીખી જાય છે. શાંતિથી બેસે, કજિયો કરે નહીં, ધમાલ કરે નહિં, માતાપિતાના કહેવાથી (કે કહ્યા વગર પણ) મોટાઓને પગે પડે. જતી વખતે આવજો કહે વગેરે. કોઈપણ વાત માતા પિતાના એક માત્ર ઈશારાથી જ સમજી જાય.

આ બંને પ્રકારનાં ઉદાહરણોમાં એક જ તફાવત છે, અને તે છે માતાપિતાએ આપેલી કેળવણી. બાળકોનાં સુંદર વર્તન કે વિચિત્ર વર્તનમાં ઘણે બધે અંશે માતાપિતા જ જવાબદાર હોઈ શકે છે. બાળકોનો શું વાંક? તેઓ તો કુમળા છોડ જેવાં હોય છે, જેમ વાળો તેમ વળે.

આ પ્રસંગે એક વાર્તા યાદ આવે છે.

એકવાર ૪-૫ વર્ષનો એક છોકરો એક વજનદાર પથ્થર ખસેડવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ પથ્થર અતિ વજનદાર હોવાથી ખસતો ન હતો. બાજુમાં જ તેના પિતા ઊભા હતા. તે વારંવાર તેને તેનું પૂરેપુરું બળ અજમાવવાનું કહેતા હતા. આવું ચાર-પાંચ વાર થયું છતાં પથ્થર ખસ્યો નહિં ત્યારે દીકરાએ કહ્યું “પપ્પા! તમારા કહેવા પ્રમાણે સંપૂર્ણ બળ લગાડું છું છતાં પથ્થર ખસતો નથી” ત્યારે પિતાએ એક અત્યંત મહત્વની વાત કહી કે “બેટા ! તારૂં સાચું બળતો હું છું. તેં મને તો મદદ કરવા કહ્યું જ નહીં. પછી પૂરેપુરું બળ લગાડ્યું છે એમ કેમ કહેવાય ?”

વાર્તાનો મર્મ એટલો જ છે કે ધારે તો સંતાનનો સાચો વિકાસ કરવામાં માતા-પિતા જ બળ પૂરું પાડી શકે છે.

કેળવણી આપનારા અથવા જાગૃત માતાપિતા તેમજ કેળવણી ન આપનારાં માતાપિતા એ બંને પ્રકારોમાં પોતાનાં સંતાનો પ્રત્યેનો પ્રેમ તો એકસરખો જ હોય છે. સંતાનોના કલ્યાણની ભાવના પણ એક્સરખી તીવ્ર હોય છે. ફેર એટલો જ છે કે પહેલા પ્રકારનાં માતાપિતા પ્રેમનો અર્થ લાડ ઉપરાંત શિસ્ત અને કેળવણી પણ માને છે. જ્યારે બીજી પ્રકારનાં માતાપિતા પ્રેમનો અર્થ માત્ર લાડ માને છે.

પહેલા પ્રકારનાં માતાપિતા બાળકને બાગમાં, નદી કિનારે, તીર્થધામમાં ફરવા લઈ જાય છે, રમતો રમાડે છે, સાયકલ લાવી આપે છે, સુખડી, શીરો, વેઢમી, ફરસાણ વગેરે ખવડાવે છે, સરસ મઝાની વાર્તાઓ કહે છે… પણ સાથે ઘરનાં નાના મોટા કામની જવાબદારી સોપે છે, રીતભાત શીખવે છે, અભ્યાસ અને વ્યાયામનું મહત્ત્વ સમજાવે છે. લાડની સાથે સાથે પોતાના સંતાનને જીવનભર કામ લાગનારા સંસ્કારો પણ મળે તેની ચિંતા કરે છે.

બીજા પ્રકારનાં માતાપિતા સંતાનને તેની ઈચ્છા પ્રમાણે બધું કરવા દે છે. રમવા-ફેંકવા મોબાઈલ આપે છે, વિડિયો ગેઈમ આપે છે, પીત્ઝા-બર્ગર ખવડાવે છે, ઘરમાં ટી.વી. સામે ચોંટેલા રાખે છે. તેઓ આ બધી બાબતોને પ્રામાણિક પણે પ્રેમમાં જ ખપાવે છે.

ખરેખર જોવા જઈએ તો કોઈ માતાપિતા પોતાના સંતાનનું કદી ખરાબ ઈચ્છે જ નહિં. તેઓ તો સંતાનના કલ્યાણ અને માત્ર કલ્યાણની જ ઈચ્છા રાખતાં હોય છે. પરંતુ કમનસીબે બધાં જ માતાપિતા એ જાણતાં હોતાં નથી કે પોતાનાં સંતાનોનાં કલ્યાણ કે દુર્ગતિનો આધાર પ્રેમ કરવાની સાચી અને ખોટી પદ્ધતિ પર નિર્ભર હોય છે. તેથી માતાપિતાએ સતર્ક અને જાગૃત રહેવાનું હોય છે. તેમનો એક મૃદુ શબ્દ, એક પ્રેમાળ વાક્ય, એક પ્રોત્સાહક વાત સંતાનને મોટા થયા પછી પણ વર્ષો સુધી પ્રોત્સાહન અને હૂંફ આપી શકે છે અને અજાણતા ફેંકાઈ ગયેલો એક કટુ શબ્દ વર્ષો પછી પણ સંતાનોને શુળની જેમ ભોંકાયા કરે છે. નાનાં બાળકો જેટલાં ગ્રહણશીલ બીજાં કોઈ નથી. સારી કે ખરાબ બાબતને તરત તેઓ પકડી લેતાં હોય છે. જન્મ પછી થોડા જ સમયમાં બાળકની અનૌપચારિક પાઠશાળા ઘરમાં જ શરૂ જાય છે અને માતાપિતા પણ અઘોષિત કુલગુરુ બની જતાં હોય છે. (આ પ્રક્રિયા આપણાં શાસ્ત્ર પ્રમાણે તો જન્મ પહેલાંથી, એટલે કે ગર્ભમાંથી જ શરૂ થઈ જતી હોય છે) આ જ કારણથી માતાપિતાનું શિક્ષણ પણ સમગ્ર શિક્ષણવ્યવસ્થાનો એક ભાગ હોવો જોઈએ. તેનું ક્રિયાન્વયન કઈ રીતે કરવું તે એક મોટી સમસ્યા તો છે જ… છતાં તેનો કોઈ વિકલ્પ નથી.

ખલીલ જિબ્રાન લિખિત પુસ્ત “ધ પ્રોફેટ” માં માતાપિતાની સંતાનો પ્રત્યેની ફરજ કે અભિગમ વિષેના શબ્દો અદભુત છે. શ્રી કિશોરીલાલ મશરૂવાલાએ આ પુસ્તકનું સરસ ભાષાંતર કર્યું છે. પુસ્તકને શીર્ષક આપ્યું “વિદાય વેળાએ”. ખલીલ જિબ્રાનના શબ્દોથી સમાપન કરીએ…

“તમારાં બાળકોને તમારો પ્રેમ ભલે આપો પણ તમારી કલ્પનાઓ નહિં,
કારણ, તેમના આત્મા તો ભવિષ્યના ઘરમાં રહે છે, જેની તમે કદી સ્વપ્નમાંયે ઝાંખી કરી શકવાના નથી.

તમે તેમનાં જેવાં થવા ભલે પ્રયત્ન કરજો, પણ તેમને તમારા જેવાં કરવા ફાંફાં મારશો નહીં.
કારણ, જીવન ગયેલ માર્ગે પાછું જતું નથી અને ભૂતકાળ જોડે રોકાઈ રહેતું નથી.

બાળકોરૂપી સજીવબાણો છોડવાનાં તમે ધનુષ્યો છો.
અનંતના માર્ગ પર રહેલું કોઈ લક્ષ્ય તાકી ધનુર્ધર તમને નમાવે છે, જેથી એનાં બાણો ઝડપથી અને દુર જાય.
એ ધનુર્ધરના હાથમાં તમારું નમવું આનંદમય હો!
કારણ, જેમ ઊડીને જનારું બાણ એને પ્રિય છે, તેમ સ્થિર રહેનારું ધનુષ્ય પણ એને વહાલું છે.”

[સાભાર : બાળવિશ્વ ડિસે-૧૨, લે.અરૂણ યાર્દી]