કેટલાંક પ્રેરક પ્રસંગો

શેખ સાદી ૦ મુકુલ કલાર્થી

| 4 Minute Read

મને બરોબર યાદ છે કે હું નાનો હતો ત્યારે એકવાર હું આખી રાત કુરાન પઢતો બેઠો હતો. તે વખતે મારી બાજુમાં કેટલાક માણસો પડયા પડયા મોટેથી ઘોરતા હતા.

મેં મારા અબ્બાજાનને કહ્યું : “બાબા, જુઓને, આ લોકો કેવા છે ? ખુદાને નમાજ પઢવી તો બાજુએ રહી, પણ કોઈ માથું યે ઊંચું કરતું નથી !”

આ સાંભળીને પિતાજી બોલ્યા “બેટા, તું પણ આ લોકોની માફક ઊંધી ગયો હોત તો ઘણું સારૂં થાત, જેથી તું પારકાની નિંદા તો ન કરત !”

શેખ સાદી

૦-૦-૦-૦-૦-૦-૦-૦

કઠોર મહેનત મજૂરી કરવા છતાં ગોપાલસિંહને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. બીજી બાજુ મોંધવારી વધતી જતી હતી. આ સંજોગોમાં સંતાનો માટે પુસ્તકો, નોટબુકો, શાળાની ફીના ખર્ચાને પહોંચી વળવાનું મુશ્કેલ હતું.

પત્નીની સલાહથી ફી માફી કરાવવા એ મુખ્ય શિક્ષકને મળવા ગયા. તેમણે કહ્યું તમે અરજી કરો અને તેમાં જણાવો કે તમે બહુ ગરીબ હોવાથી….

“પરંતુ સાહેબ એવું હું કેમ લખી શકુ ?”

“કેમ ? કાંઈ મુશકેલી છે ?” મુખ્ય શિક્ષકે પૂછ્યું.

“માસ્તર સાહેબ ગરીબ તો એ કહેવાય કે જેને હાથ-પગ નથી હોતાને ભીખ માગીને ગુજરાન ચલાવવુ પડે છે. ભગવાને મને સશક્ત શરીર આપ્યું છે હું શાનો ગરીબ ?.”

મુખ્ય શિક્ષક સાથે વધુ વાત કર્યા વગર સન્માનપૂર્વક ગોપાલસિંહ ત્યાંથી ચાલ્યા ગયા.

૦-૦-૦-૦-૦-૦-૦-૦

કોઈ ભક્તને એકવાર સ્વપ્ન આવ્યું તેમાં સાધુને નરકમાં જોયા અને રાજાને સ્વર્ગમાં.

સવારે તે જાગ્યો ત્યારે સ્વપ્નમાં જે જોયું હતું તેથી વિમાસણમાં પડી ગયો, પોતાના ગુરૂ પાસે જઈને તેણે એ સ્વપ્નની વાત સંભળાવી અને પૂછ્યું, “ગુરૂજી આવી ઉલટી વાત શી રીતે બનતી હશે ?

ગુરૂજીએ સમજાવ્યું “બેટા, પેલા રાજાને સાધુસંતો સાથે સત્સંગ કરવાનું બહુ ગમતું હતું તેથી મૃત્યું પછી એ સ્વર્ગમાં ગયો અને ત્યાં એવો સમાગમ કરવા લાગ્યો. પણ સાધુને રાજાઓ તથા અમીરો સાથે ભળવાનું ખૂબગમતું હતું તેથી તેની વાસના એવા લોકોના સંગ માટે તેને નરકમાં લઈ ગઈ”

મુકુલ કલાર્થી

૦-૦-૦-૦-૦-૦-૦-૦

એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ વરસાદ ન પડ્યો. લોકો ત્રાસી ગયા. તેમણે ધર્મગુરૂની સલાહ લીધી કે હવે શું કરવું ?

ધર્મગુરૂએ સલાહ આપી, “ચાલો, આપણે સહુ પ્રાર્થના કરીએ,” આખું

ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગુ થયું નાનાં મોટાં સ્ત્રી-પુરૂષો સહુ આવ્યા. એક નાની બાળકી પણ આવી. તે છત્રી લઈને આવી એટલે કોઈએ તેની મશ્કરી કરી, “વરસાદનું ઠેકાણું નથી, અને જુઓ આ છોકરી તો છત્રી લાવી છે.!”

ધર્મગુરૂએ પણ પુછ્યું “બેટા છત્રી કેમ લાવી છે!” એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી,:

“તમેજ શીખવો છો કે શ્રધ્ધા રાખશો, પ્રાર્થના કરશો, તો વરસાદ આવશે. અને આપણે શ્રધ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદતો આવશે જ ને ? તેથી ભીંજાઇ ન જવાય એટલે હું છત્રી લાવી છું !”

પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ પણ આવી પ્રબળ શ્રધ્ધારૂપી છત્રી લાવનાર કેટલા ?

૦-૦-૦-૦-૦-૦-૦-૦

નાની આવકમાં મોટા કુટુંબની જવાબદારી અને અન્ય સાંસારિક ઉપાધીઓથી વાજ આવી ગયેલા એક ભક્તે શ્રી રમણ મહર્ષિ આગળ પોતાનું દુઃખ રડતાં અકળાઈને કહ્યું “આના કરતાં તો જિંદગીનો અંત લાવવાનું મન થાય છે.”

મહર્ષિ તે વેળા પાંદડાની પતરાળીઓ બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું “પહેલાં આ પતરાવાળીઓ ઉકરડે ફેંકી આવ, પછી આપણે વાત કરીએ”

એ સાંભળી સ્તબ્ધ થયેલા ભક્તે કહ્યું “આપે આટલા શ્રમથી બનાવેલી પતરાવાળીઓ વાપર્યા વિના જ ઉકરડે ફેંકી દેવાનો શો અર્થ?

મહર્ષિએ હસીને કહ્યું “તો પછી આપણને મળેલા અલભ્ય જીવનનો યોગ્ય ઉપયોગ ન કરતાં તેનો અંત આણવાનો વિચાર મૂર્ખાઈ નથી ?

અને પેલા નૈરાશ્યવાદી ભક્તનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો.

[“પ્રેરક પ્રસંગો” — રમેશ સંધવી ૦ રમણીક સોમેશ્વર સંપાદિત “શાંત તોમાર છંદ” માંથી સાભાર]

ચિંતન, પ્રાર્થના, ભજન, ધૂન અને પ્રેરક સામગ્રીનો મુલ્યવાન સંગ્રહ. આ પુસ્તકની આવકમાંથી બયતી રકમ માનવ સેવાના ઉમદા હેતુ માટે વાપરવામાં આવે છે.

[પ્રકાશક : વનરાજ પટેલ, મિડિયા પબ્લીકેશન, ૧૦૩-૦૪ મંગલમૂર્તિ, કાળવા ચોક, જુનાગઢ]